રાજ્યમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધતા રાજ્ય સરકારે ગુનેગારોને કડક સજા થાય તે માટે ગત વિધાનસભા સત્રમાં ચેઈન સ્નેચિંગની સજામાં વધારો કરવાનું બિલ પસાર કર્યું હતું. જેને આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંજૂર કરી દીધુ છે. હવેથી ચેઈન સ્નેચિંગ કરનાર આરોપીને 10 વર્ષની સજા અને 25 હજારનો દંડ કરવામાં આવશે. જો કે મોબાઈ ફોનના સ્નેચીંગ મોટા પ્રમાણમાં વધી ગયા છે તેમ છતાં પોલીસ તેની ફરિયાદ લેતી નથી.
કાયદાની ખામી એ છે કે, મહિલાના ગળાના અછોડા લૂંટમાં મોટા ભાગની મહિલાઓ ફરિયાદ નોંધાવતી નથી. 80 ટકા ગુનાઓમાં ફરિયાદ થતી નથી અથવા પોલીસ આવી ફરિયાદ લેતી નથી. પોલીસ શોધવા નિકળે તો તેઓ પકડાતા નથી. કારણ કે માથા પર હેલ્મેટ પહેરેલી હોય છે. તેથી તેનો ચહેરો મહિલાઓ જોઈ શકતી નથી તેથી અદાલતમાં તે ઓળખ પરેડમાં ઓળખી શકતી નથી.
અબજો રૂપિયાના CCTV કેમેરા દરેક જાહેર સ્થળે કે સોસાયટીમાં લગાવેલા છે. પણ તે ચેઈન સ્નેચીંગના ગુનામાં કામ આવતાં નથી. લૂંટારુઓ માથા પર હેલ્મેટ પહેરેલી હોય છે.
આમ લૂંટ કરનારા 80 ટકા છટકી જાય છે. જે પકડાય છે તેમાં માત્ર 6 ટકાને અદાલતમાં સજા થાય છે. આમ કાયદો આવવાથી કોઈ ફેર પડતો નથી. વળી, આ કાયદો માત્ર મહિલાઓને જ લાગું પડે એવો ભેદભાવ છે. પુરૂષોના ગળામાંથી સોનાની ચેઈન લૂંટી જાય તો તે પણ મહિલા સાથે થતો અપરાધ બરાબર જ છે. તો આવો કાયદામાં ભેદભાવ વિજય રૂપાણીની સરકારે કેમ રાખ્યો છે. તે સવાલ કાદયાના રક્ષકો કાયદો ઘટનારાઓને કરી રહ્યાં છે.
મહિલાઓના ગળામાંથી અછોડા ખેંચ કરીને મંગળસૂત્રની લૂંટ કરનારા આરોપીને હવેથી 5 વર્ષથી 10 વર્ષની સજા અને રૂ.25 હજારનો દંડ કરાશે. અછોડો ખેંચતી વખતે મહિલાને ઈજા થાય ત્યારે 3 વર્ષની કેદની સજા ફટકારવામાં આવશે. જો મહિલાનું મૃત્યું થાય તો 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની કારાવાસ સજા ઉપરાંત 25 હજારનો દંડ ફટકારવામાં આવશે. આમ છેલ્લાં 20 વર્ષથી ગુજરાતમાં મહિલાઓના મંગલસૂત્રો લૂંટવાની ઘટના વધી હતી તે હવે બંધ થશે.
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં બે દિવસે એક ચેઈન સ્નેચિંગનો બનાવો સમૃદ્ધ વિસ્તારોમાં બને છે. ધોડાદહાડે કિંમતી ધાતુના ચેઈન કે વસ્તુ લુંટવાના બનાવોમાં વધારો થતા સરકારે આ પગલું ભર્યું છે. લુંટારુઓ મંદિર, બેંક આસપાસ, શોપિંગ મોલ તેમજ ભીડવાળી વિસ્તારો કે જાહેર માર્ગો પર પસાર થતી મહિલાઓ કે વ્યક્તિને ચેન, પર્સ કે અન્ય કિંમતી વસ્તુ સમડીની ઝડપે ઝૂંટવી નાસી છૂટે છે. બેકારી વધી હોવાથી આવી ઘટના વધી છે.
આઈપીસીની કલમ અંતર્ગત ચોરીના ગુનામાં 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. તેમજ હવે આ વટહુકમથી સજામાં વધારો થવાની ચેઈન સ્નેચિંગના ગુનામાં ઘટાડો થશે. મંગળસૂત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા જેવી સ્નેચિંગની ઘટનાને અંકુશમાં લેવા માટે કડક હાથે કામ લેવા આઈપીસીની નવી કલમો ઉમેરીને કડક સજાની જોગવાઈનો નિર્ણય કર્યો છે.
સુરક્ષા માટે મહિલાઓને કરાટે, તિરંદાજી, રાયફલ શુટીંગની તાલીમ અપાય છે. ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ફોર ક્રાઈમ અગેઇન્સ વૂમન હેઠળ 26 જિલ્લામાં કાર્યરત કરેલી છે. 38 મહિલા પોલીસ મથક, જિલ્લા-તાલુકા અને રાજ્યકક્ષાની સુરક્ષા સમિતિની હોવા છતાં અછોડા તોડવાની ઘટનામાં કોઈ ઘટાડો પોલીસ કરી શક્તિ ન હતી.
મહિલાઓની સુરક્ષા માટે હાલમાં આઈપીસી કલમ હેઠળ આવા ગુના માટેત્રણ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઈ છે. આઈપીસીમાં નવી કલમ 379(ક) અને (ખ)નો ઉમેરો કરાયો છે.
અમદાવાદના ડેપ્યુટી મેયર પ્રમોદા સુતરીયાના ગળામાંથી અછોડો તોડીને બે શખસો નાસી છુટ્યા હતા. તહેવારોમાં શહેરમાં તસ્કરો બેફામ બની જાય છે. ચેઇન સ્નેચિંગના બનાવો વધી જાય છે.
2013થી 2018ના પાંચ વર્ષના ચેઇન સ્નેચિંગના કિસ્સા
શહેર – ચેઈન સ્નેચિંગ – પકડાયા
અમદાવાદ 1122 – 883
રાજકોટ 201 – 147
સુરત 216 – 293
વડોદરા 264 – 140
કુલ બનાવો 1803 – 1463