મંદીના મારના નામે મોદી પર શત્રુઘ્ન સિંહાનો વાર, શબ્દરૂપી તીર ચલાવીને હિસાબ કિતાબ સરભર કર્યો

પીએમ નરેન્દ્ર મોદીના હંમેશા ટીકાકાર રહેલા શત્રુઘ્નસિંહાએ મંદીના મારના ખભે બંદૂક મૂકીને મોદી સામે ભડાકા કર્યા છે. ભાજપમાં સતત ઉપેક્ષાનો ભોગ બનેલા અને લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી શત્રુઘ્નસિંહાએ મોદી ઉપર તીર તાક્યા હતાં.

શત્રુઘ્ન સિંહાએ ઉપરાછાપરી ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને મંદીના મારના કારણો પૂછ્યા હતાં. તેમણે કહ્યું હતુંકે હાલની અર્થવ્યવસ્થા માટે જવાબદાર કોણ છે? આપણી નોટબંધી, જીએસટી કે પછી નીતિઓ?

તેમણે કહ્યું હતુંકે આજે ચોરને ચૌટે મંદીની ચર્ચા ચાલી રહી છે. મંદી ગામ હોય કે શહેર કે નગર તમામને અસર કરે છે. બજારોની રોનક જતી રહી છે ત્યારે આપ તો હીરો છે અને આ મંદીનું ક્યારે નિવારણ લાવો છે તેવો સણસણતો સવાલ કરીને શત્રુઘ્ન સિહાએ દેશની આર્થિકનીતિ માટે મોદીને જવાબદાર ઠેરવી દીધાં છે. જોકે શબ્દોરૂપી તીક્ષ્ણ તીરોનો મારો ચલાવીને સાથેસાથે પીએમ મોદીના પંદરમી ઓગષ્ટના ભાષણના અગાઉ તેમણે ભરપેટ વખાણ કર્યા હતાં. પરંતુ મંદીની બાબતમાં તેમણે મોદી ઉપર પ્રહાર કરવાનો એક પણ મોકો ગુમાવ્યો નથી.

એમપણ શત્રુઘ્નસિહા અને મોદીનો અગાઉથી જ છત્તીસનો આંકડો રહ્યો છે. 2014માં મોદી કેબિનેટમાં ન સામેલ કરાતાં તેઓ નારાજ થઇ ગયાં હતા. અગાઉ જ્યારેજ્યારે મોદી સાથેના કાર્યક્રમોમાં મને કમને હાજર રહેવું પડતું હોવાના તેમના ચહેરાના હાવભાવ સ્પષ્ટ સંકેત આપતાં હતાં.

તેમણે મંદીના માર અંગે કહ્યું હતું કે જે બિસ્કિટ ખાઇને આપણે મોટા થયાં છે તેનો પણ હવે ભરભર ભૂકો થઇ રહ્યો છે. આ બિસ્કિટ કંપનીઓ બંધ થવા માંડી છે. અથવાતો ઉત્પાદન પર બ્રેક મારી દીધી છે. આવી સ્થિતિેને કારણે અનેક લોકોના ઘરના ચૂલા સળગતા બંધ થઇ ગયાં છે. બેરોજગારીના આંકડાઓ ઉપર પ્રકાશ ફેંકીને તેમણે કહ્યું હતું કે બેરોજગારીનો દર હવે છ ટકા પર પહોંચી ગયો છે અને તે 45 વર્ષોમાં સૌથી વધુ છે. ત્રણ કરોડ લોકો બેરોજગાર બની ચૂક્યાં હોવાનો પણ તેમણે ઉલ્લખ કર્યો હતો.

જે ઉદ્યોગો પ્રભાવિત થયાં છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો જેમાં ઓટોમોબાઇલ્સ, ટેક્સટાઇલ્સ, ઉડ્ડયન, નોનબેંકિંગ , ફાયનાન્સ અને ગ્રાહક બાબતોના ક્ષેત્રો ભાંગીને ભૂક્કો થઇ ગયાં હોવાનો ટોણો માર્યો હતો.

કિશોરકુમારનું આનેવાલાપલ જાનેવાલા હૈનું પ્રચલિત ગીત લખીને મોદી ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતુંકે મને વિશ્વાસ છેકે હવે સ્થિતિ સુધરી જશે ….