જગતના તાત ગણાતા ખેડૂતપુત્રો માટે રાજ્ય સરકાર સતત હિતલક્ષી નિર્ણયો લેતી રહી છે. ખેડૂતોને તેમના
ઉત્પાદનોના પૂરતા ભાવ મળે તથા તેમનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પરંતુ કેટલાક
તત્વો ખેડૂતોને ભરમાવી ભ્રામક વાતો ફેલાવી ખરેખર તો ખેડૂતોનું અહિત કરી રહ્યા છે. તાજેતરમાં ટેકાના ભાવ અને
ભાવાંતર યોજનાનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને ભરમાવવા તે બિલકુલ યોગ્ય નથી. રાજ્ય સરકારે લીધેલાં નિર્ણયો
વિસ્તૃત રીતે ધ્યાનમાં લેવામાં આવે તો તે નિર્ણયો ખરેખર ખેડૂતોના હિતમાં છે.
આ અંગે વિસ્તૃત રીતે જોઇએ તો, ખરીફ ૨૦૧૮માં ઉત્પન્ન થયેલ મગફળી પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.
૪૮૯૦/- ટેકાનો ભાવ ભારત સરકારશ્રીએ જાહેર કરેલ છે અને ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂા. ૧૧૦/-
વધારાનું બોનસ રાજ્ય સરકારશ્રીએ જાહેર કરેલ છે. આમ, ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂા. ૫૦૦૦/-
એટલે કે પ્રતિ મણ રૂા. ૧૦૦૦/- ખેડૂતોને નિયત ગુણવત્તાવાળી મગફળી આ યોજનામાં રજીસ્ટર્ડ ખેડૂત વેચશે તો
જાહેર કરેલ ટેકાનો ભાવ એટલે કે રૂા. ૫૦૦૦/- પ્રતિ ક્વિન્ટલનો લાભ મળશે. આ માટે રાજ્યમાં કુલ ૧૨૨ કેન્દ્રો
ખાતે તા. ૧-૧૧-૨૦૧૮ થી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે અને આ રજીસ્ટ્રેશન તા. ૩૦-૧૧-૨૦૧૮ સુધી
ચાલુ રહેશે. તા. ૧૫-૧૧-૨૦૧૮ થી આ તમામ ૧૨૨ કેન્દ્રો ખાતે જ ખેડૂતોએ નોંધણી કરાવેલ હશે તેવા ખેડૂતોની
નિયત ગુણવત્તાવાળી મગફળી ખરીદવામાં આવશે અને તેમની મગફળીની વેચાણની રકમ સીધી જ ખેડૂતના બેંક
ખાતામાં જમા કરાવવામાં આવશે. આ તમામ વ્યવસ્થા ચાલુ વર્બો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કેન્દ્ર
સરકારની નોડલ એજન્સી નાફેડની સ્ટેટ લેવલની એજન્સી તરીકે કરશે. મગફળી ખરીદી કેન્દ્રો ખાતે ખરીદીની
ગુણવત્તા, બારદાન, ટ્રાન્સપોર્ટેશન વગેરે આનુસાંગિક વ્યવસ્થા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા પારદર્શી
રીતે કરવામાં આવશે તેમજ જિલ્લા વહિવટી તંત્રને આ સમગ્ર પ્રક્રિયામાં સીધી રીતે સામેલ કરવામાં આવેલ છે, જેથી
આ પ્રક્રિયા પારદર્શક અને સુચારૂ રૂપે થઇ શકે.
ભારત સરકારશ્રીએ ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદીની યોજનાના વિકલ્પ રૂપે તેલીબિયાં પાક માટે પ્રાઇઝ
ડેફીસેટ પેમેન્ટ સ્કીમ કે જે ભાવાંતર યોજના તરીકે ઓળખાય છે, તે પણ લાગુ કરેલ છે. આમ, તેલીબિયાં પાક માટે
આ બે પૈકી કોઇ એક યોજના રાજ્યમાં દાખલ કરી શકાય. ચાલુ વર્ષે બૃહદ વિચારણાને અંતે રાજ્યના ખેડૂતો માટે
ટેકાના ભાવે ખરીદી કરવાની યોજના પ્રવર્તમાન મગફળીના બજારભાવો જોતાં વધુ લાભદાયી જણાયેલ હોઇ લાગુ
કરવામાં આવેલ છે.
ભાવાંતર યોજનામાં પણ જે ખેડૂતો લાભ લેવા માંગતા હોય તેઓનું રજીસ્ટ્રેશન ફરિજયાત છે. આ
યોજનામાં રજીસ્ટર્ડ થયેલ ખેડૂતો પોતાની મગફળી માર્કેટયાર્ડમાં વેચાણ કરે તો ભાવાંતર યોજનાની જોગવાઇઓ
મુજબ લાભ મળવાપાત્ર થાય છે. યોજનામાં ભાવફેર ચુકવવા માટે નીચે મુજબની કેટલીક જોગવાઇઓ સમજવી પણ જરૂરી છે.
1. ટેકાના ભાવની યોજનાની જેમ જ ભાવંતર યોજનામાં પણ રાજ્યના કુલ ઉત્પાદનનના ૨૫ ટકા ઉત્પાદનને
યોજના હેઠળ લાભ આપી શકાય.
2. ભાવફેરનો લાભ ટેકાના ભાવના વધુમાં વધુ ૨૫ ટકાની મર્યાદામાં જ આપી શકાય એટલે કે રૂા. ૪૮૯૦/- પ્રતિ
ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર થયેલ છે. જેથી મહત્તમ રૂા. ૧૨૨૨-૫૦ પ્રતિ ક્વિન્ટલ ભાવ ફેર આપી શકાય.
3. આ ભાવ ફેરની યોજનામાં મોડેલ પ્રાઇઝ નક્કી કરવાની હોય છે આ મોડેલ પ્રાઈઝ ગુજરાત રાજ્ય ઉપરાંત અન્ય
બે અથવા બે થી વધુ મગફળી પકવતા રાજ્યની એગમાર્ક નેટ પર જાહેર થતાં જથ્થાબંધ બજારભાવ સરેરાશના
આધારે નિયત કરવાની હોય છે.
4. ટેકાના ભાવની યોજનાની જેમ જ ભાવાંતર યોજનામાં પણ નિયત ગુણવત્તા (એફ.એ.ક્યુ.) ધરાવતી મગફળીને
જ મળવાપાત્ર થાય છે.
5. જો મગફળીનો માર્કેટ યાર્ડમાં વેચાણ ભાવ ટેકાના ભાવથી વધુ હોય તો કોઇ લાભ મળવાપાત્ર થતો નથી.
6. જો ખેડૂતોની મગફળીનો વેચાણ ભાવ ટેકાના ભાવથી ઓછો પરંતુ મોડેલ પ્રાઇઝથી વધારે આવે તો ભાવ ફેરની
રકમ ટેકાના ભાવ અને વેચાણ ભાવના તફાવત જેટલી મળે છે.
7. જો ખેડૂતોને મગફળીનો વેચાણ ભાવ મોડેલ પ્રાઇઝથી ઓછો મળે તો ભાવ ફેરનો લાભ ટેકાના ભાવ અને મોડેલ
પ્રાઇઝના તફાવત જેટલો જ મળે છે.
8. જો મોડેલ પ્રાઇઝ ટેકાના ભાવથી વધારે જાહેર થાય તો ખેડૂતને કોઇ લાભ મળવાપાત્ર નથી.
9. જે ખેડૂતે માર્કેટ યાર્ડમાં જે વેપાારીને માલ વેંચ્યો હોય તે વેપારીએ વેચાણની રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઇન
જમા કરાવ્યા બાદ ભાવાંતર યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
10. ભાવાંતર યોજનામાં માર્કેટમાંથી માલનો પૂરવઠો ઓછો નથો નથી તેથી બજાર ભાવ પર તેની હકારાત્મક અસર
પડવાની શક્યતા ઓછી રહે છે. જ્યારે ટેકાના ભાવની યોજના અંતર્ગત મગફળીની ખરીદી ફીઝીકલરૂપે થાય છે
અને બજારમાં જથ્થો ઘટે છે. જેથી ઓવરઓલ બજાર ભાવ સુધરવાની શક્યતા રહે છે. જે ખેડૂતો આ યોજનામાં
ન જોડાય તેને પણ ઉંચાા બજાચરભાવ મળવાની શક્યતા વધે છે. જે બાબતે પણ ધ્યાને લેવાની રહે છે.
ઉપરોક્ત બાબતો એક ઉદાહરણ સ્વરૂપે જોઇએ તો ૧૫ ઓક્ટોબર-૨૦૧૮ થી ૨૮ ઓક્ટોબર-૨૦૧૮ના
ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશ કે જે મગફળી પકવતા રાજ્યો છે, તેને મગળીના બજાર ભાવને આધારે મોડેલ
પ્રાઇઝ પ્રતિ ક્વિન્ટલ રૂા ૪૧૭૨/- જેટલો થાય છે. એટલે કે, પ્રતિ મણ રૂા. ૮૩૪/- મોડેલ પ્રાઇઝ થાય આ
સંજોગોમાં મોડેલ પ્રાઈજ અને એમ.એસ.પી. નો તફાવત ગણીએ તો પ્રતિ ક્વિન્ટલ રૂા. ૭૧૮/- એટલે કે પ્રતિ મણ
રૂા. ૧૪૩-૬૦ પૈસા મહત્તમ મળવાપાત્ર થાય.
હવે જો કોઇ ભાવાંતર યોજનામાં રજીસ્ટર્ડ થયેલ ખેડૂતો બજારમાં તેમની મગફળી રૂા. ૩૮૦૦/- પ્રતિ
ક્વિન્ટલે વેચાણ કરે તો રૂા. ૩૮૦૦/- માર્કેટ યાર્ડના વેપારી તરફથી ખેડૂતના ખાતામાં જમા થાય અને ભાવાંતર
યોજનામાંથી રૂા. ૭૧૮/- ખેડૂતના ખાતામાં જમા થાય. આમ, ખેડૂતને કુલ વેચાણની રકમ રૂા. ૪૫૧૮/- મળવાપાત્ર
થાય. આમ, આ રીતે ખેડૂતને ટેકાનો ભાવ એટલે કે, રૂા. ૪૮૯૦/- પ્રતિ ક્વિન્ટલ મળતો નથી. જ્યારે આ જ ખેડૂત
ટેકાના ભાવે નિયત ગુણવત્તાવાળી મગફળીનું વેચાણ કરે તો તે ખેડૂતને રૂા. ૪૮૯૦/- ટેકાનો ભાવ તથા રૂા. ૧૧૦/-
પ્રતિ ક્વિન્ટલ બોનસ સહિત કુલ રૂા. ૫૦૦૦/- પ્રતિ ક્વિન્ટલ પૂરેપૂરો લાભ મળવાપાત્ર થાય છે. વધુમાં બજાર
ભાવમાં રોજીંદી વધ-ઘટ થતી હોય છે. આ વધ-ઘટને આધારે ખેડૂતને મળતી રકમમાં પણ વધ-ઘટ થાય જેથી માર્કેટ
યાર્ડમાં પ્રવર્તમાન મગફળીના વેચાણ ભાવ જોતાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદીની યોજના
વધુ લાભદાયી જણાય છે.
ચાલુ વર્ષે ટેકાના ભાવે ખરીદીની આ સમગ્ર યોજના રાજ્ય સરકાર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ
અને રાજ્યના વહિવટી તંત્રની સક્રિય ભાગીદારીથી કરી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં સરકારશ્રીની સીધી દેખરેખથી
પારદર્શી અને સુચારૂ રૂપે અમલીકરણ કરવામાં આવી રહેલ છે.