વિઠ્ઠલ રાદડીયા, આર.સી.ફળદુ અને ગાંધીનગરના નેતાઓ સાથે ઠંડુ પાડવા વાત કરી
કરોડો રૂપિયાની મગફળીકાંડમાં વાડ ચીભડાં ગળે એમ ભાજપના જ અનેકાનેક આગેવાનોએ પ્રજાના રૂપિયાનો વેડફાટ કર્યો હોવાનું હવે ધીમેધીમે ‘ઓન પેપર’ પણ આવવા માંડ્યું છે ત્યારે ગુજકોટ સૌરાષ્ટ્ર ઝોનના મેનેજરની એક ઓડિયો ક્લિપ આજે ચર્ચામાં આવી છે. હાલ મગફળી કૌભાંડમાં પકડાયેલા આ આરોપી મગન ઝાલાવડિયા એ ક્લિપમાં માળીયાહાટીનાના રહેવાસી અને થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા માનસિંગભાઈ સાથે વાત કરી રહ્યા છે.
પક્ષ (ભાજપ)ના કાર્યકરો તથા સરકાર બદનામ થતા હોવાનું કહી ફરિયાદ થતી રોકવા માટે અધિકારીઓથી માંડીને ભાજપ સાંસદ અને કૃષિમંત્રી સુધીનાને વાત કરી દેવા તે કાકલૂદી કરતા હોવાનું ક્લિપમાં સંભળાય છે. ઝાલાવડિયા ભારે વિશ્વાસથી એમ પણ બોલે છે કે બે દિવસ ટાઈમ આપો, બધું ગોઠવાઈ જશે! આ ક્લિપના અંશ આ મુજબ છે.
ક્લિપ નં.1
ઝાલાવડિયા: માનસિંગભાઈ, સરકારમાંથી પ્રેશર બહુ છે, તમે કોકને, આ લોકોને સરકારમાં ફોન કરાવી દો ને
માનસિંગ: ટી.વી.માં તો એવું આવે છે કે એફ.આઈ.આર. થઈ ગઈ છે
ઝાલાવડિયા: ના ના એફ.આઈ.આર.વાળો તો હું ખુદ અહીંયા બેઠો છું, એફઆઈઆર કોણ કરે, ફરિયાદ કોણ દાખલ કરે
માનસિંગ: ના, ના એ લોકોને કીધું, તમે જલ્દી કિરીટભાઈને લઈને ભાગો
ઝાલાવડિયા: હં….હું તમને હજુ કહું છું, કાલે બપોર સુધીમાં, અત્યારે તો બહાનું કાઢી લીધું, બરોબર, કાલે બપોર સુધી હું બહાનું ન કાઢી શકું
માનસિંગ: ના, ના બરાબર છે
ઝાલાવડિયા: જો તમારે સમાધાનનો જ મૂડ હોય દાખલા તરીકે એટલે હું તમને ઘડીએ ઘડીએ એટલે જાણ કરું છું, અત્યારે તો મેં કીધું સાહેબ, મારી તબિયત બરાબર નથી, મને ઝાડા-ઉલટી થઈ ગયા છે. મને લેટર પણ આવી ગયો ગુજકોટમાંથી ફરિયાદ દાખલ કરવાનો એટલે હું તમને કહું છું, સરકારમાંથી આને છે ને ગમે એમ કરીને પ્રેશર કરાવીને પૂરું કરાવો કે ભાઈ જે હશે એ રસ્તો અમે કાઢી લેશું, અમને બે દિવસનો સમય આપો એમ.
માનસિંગ: કરું ચાલો
ઝાલાવડિયા: રાજેશભાઈને કહીને ઓલા મોદીને ફોન કરાવી દ્યો ને, મોદીનો નંબર જોઈતો હોય તો હું આપું
માનસિંગ: મોદીનો નંબર? પેલો બી.એમ.મોદીને ? એનો નંબર છે મારી પાસે
ઝાલાવડિયા: હા બસ, મોદીને ખાલી ફોન કરાવી દ્યો રાજેશભાઈ પાસે. વાત થઈ જાય, ગમે તેની સાથે વાત થાય, કિરીટભાઈને કહીને જયેશભાઈ રાદડિયા સાથે વાત કરાવી દ્યો અથવા કૃષિમંત્રીને વાત કરાવી દ્યો અને કહો કે સાહેબ, આ ખોટું છે, કાર્યકરોને છાંટા ઉડે છે, આમ છે ને તેમ છે અને સરકાર બદનામ થાય અને બે દિવસમાં ફરિયાદ દાખલ નહીં કરવાની, ત્યાં સુધીમાં આપણે રસ્તો કાઢી લઈએ.
માનસિંગ: ચાલો, વાત કરી લઉં
ઝાલાવડિયા: હા.
ક્લિપ નં.2
ઝાલાવડિયા, હેલ્લો, હા માનસિંગભાઈ
માનસિંગ: કઈ બાજુ ?
ઝાલાવડિયા: બસ, હવે જેતપુર જાઉં છું કેમ કે એ ન પત્યું
માનસિંગ: હેં
ઝાલાવડિયા: એ ન પત્યું એટલે ફરિયાદ દાખલ કરાવવા જેતપુર જાઉં છું
માનસિંગ: ફરિયાદ દાખલ કરવા જાવ છો? નથી પતે એમ?
ઝાલાવડિયા: નથી પતે એમ, હજુ કલેક્ટર રાહુલ ગુપ્તાનો ફોન મૂક્યો ને તમારો ફોન આવ્યો
માનસિંગ: રાહુલ ગુપ્તાને કંઈક કહેવડાવીએ તો
ઝાલાવડિયા: હેં
માનસિંગ: રાહુલ ગુપ્તાને કંઈક કહેવડાવી દઈએ તો
ઝાલાવડિયા: અરે, ક્યારનો તમને કહું છું તો ખરો કે, કહેવડાવો, બરાબર, રાહુલ ગુપ્તાસાહેબ મને કહી દે કે મગનભાઈ ઉભા રહી જાઓ હવે, બરાબર, આપણી તો ઈચ્છે એ જ છે સાહેબ કે આપણે આમાં કાંઈ નથી કરવું, હું તમને સવારનો એટલે જ કહું છું, બરાબર, છેલ્લે મોદીસાહેબનો ફોન આવી ગયો એેણે વાત કરી કે હજુ તમે કેમ નથી પહોંચ્યા, બરાબર, પછી અત્યારે ઈમીજેટ હજુ ફોન મુક્યો જ છે રાહુલ ગુપ્તા સાહેબનો, કલેક્ટરનો, બરાબર એટલે ગમે એમ કરીને તમે એ પૂરું કરાવો નહીંતર આ મુશ્કેલીમાં મુકાશે એમ, બીજો કાંઈ વાંધો નથી, બરાબર
માનસિંગ: હા હા
ઝાલાવડિયા: જોઈ લ્યો ને, ફોન કરો, હું રસ્તામાં છું હજું, એટલે હું એ પ્રમાણે આગળ ચાલું
માનસિંગ: પાક્કું, ચાલો વાત કરીને કહું,
ઝાલાવડિયા: હા, હા