મગફળી કૌભાંડમાં 22ની ધરપકડ સરકારે કરવી પડી, કોંગ્રેસ

ભાજપ સરકારે આચરેલાં રૂ. ૪૦૦૦ કરોડના મગફળી કાંડમાં ‘‘મગફળી માટી ભેળવી છે કે માટીમાં મગફળી?”ની તટસ્થ તપાસ હાઈકોર્ટના સિટીંગ જજના નેતૃત્વમાં કરવાની માગ સાથે વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ સરકારે ખરીદેલી મગફળીના ખાનગી અને સરકારી ગોડાઉનોમાં મગફળી ભરેલાં કોથળાઓની તપાસ જજ, વિપક્ષ અને મીડિયાની હાજરીમાં કરવાનો સરકારને પડકાર ફેંક્યો છે. ગોંડલના રામરાજ્ય ગોડાઉન ખાતે બીજા દિવસે ઉપવાસ-ધરણાંમાં વિરોધપક્ષના નેતાશ્રીએ મગફળી કાંડના મુળિયા છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલાં હોવાનું જણાવીને ખેડૂત અને કોંગ્રેસના દબાણને કારણે પોલીસે શરૂ કરેલી ધરપકડમાં ભાજપના મોટા માથાંઓને બચાવવા સરકારના પપેટ બનીને અસલ આરોપીને સ્થાને મૂળ ફરિયાદીઓને આરોપી બનાવવાનો કારસો ઘડ્યો હોવાનો આરોપ કર્યો હતો.
વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ગોંડલમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી ગુજરાતની જનતાને લાગતું હતું કે, મગફળીની અંદર માટી અને પથ્થર ભેળવવામાં આવ્યા છે પણ પેઢલામાં જ્યારે મગફળીના કોથળાઓ તપાસવામાં આવ્યા તો માટીની અંદર મગફળી ભેળવવામાં આવી હોય એવી સ્થિતિનો ખુલાસો થયો છે, ત્યારે ભાજપ સરકાર આ સત્યને છૂપાવવા માટે ક્યાંક ફરિયાદ કરનાર ફરિયાદીઓને જ આરોપી બનાવીને કઠેડામાં પુરવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે તેવું મને લાગે છે. કારણ કે પોલીસે આજે કરેલી ધરપકડમાં મોટી ધણોજ સહકારી મંડળીના મૂળ ફરિયાદી અને નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાના ભાણેજની ધરપકડ કરી છે. અગાઉ પણ રામરાજ્ય ગોડાઉનમાં આગ લાગી ત્યારે વેલ્ડીંગ કરનારા મજૂરોની ધરપકડ કરવામાં આવી હતી. મારી જાણકારી મુજબ આ મજૂરોએ ક્યારેય વેલ્ડીંગનું કામ જ કર્યું નથી. આ રીતે સરકાર અસલી આરોપી એવા ભાજપના મોટા માથાંઓને બચાવીને ફરિયાદીઓને જેલમાં ધકેલીને બીજા ફરિયાદીઓને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
વીતેલા વર્ષોમાં ભય વગર ભ્રષ્ટાચાર આચરનાર ભાજપનું મોડેલ જેણે ગુજરાતને ખોખલું બનાવ્યું છે તેનું સત્ય હવે ધીમેધીમે ઉજાગર થઈ રહ્યુંછે. મગફળી કાંડથી સરકાર છેલ્લા ૧૦ મહિનાથી વાકેફ હોવા છતાં તેની તપાસ કરી શકી નહીં ત્યારે જનતાની વેદનાને વાચા આપવા અને ગુજરાતીઓના મનમાં ભ્રષ્ટાચાર અંગે જે સવાલો છે તેને વાચા આપવા આ પ્રતીક ઉપવાસ-ધરણાં શરૂ કર્યા છે. ભાજપ સરકાર ચૂંટણી પહેલા ખેડૂતોને ભરમાવવા, લલચાવવા અને રાજકીય રોટલા શેકવા માટે “અમે આ ખરીદી શરૂ કરી છે’ તેવો જોરશોરથી પ્રચાર શરૂ કર્યો હતો. હવે જ્યારે આ ખરીદીનો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ રહ્યો છે ત્યારે પોતે કરેલ ભ્રષ્ટાચારના કારનામાઓના અન્ય ઉપર આરોપ લગાડવાનો ભાજપ નિરર્થક પ્રયાસ કરી રહી છે. ગુજરાતની જનતા જાણી ગઈ છે કે આમાં વાડ જ ચીભડાં ગળી રહી છે. મગફળી કાંડમાં પહેલાં એવું હતું કે, દાળમાં ક્યાંક કાળું છે પરંતુ હવે તો આખી દાળ જ કાળી હોય તેમ માટીની અંદર મગફળી ભેળવીને સરકારે ગોડાઉનોમાં ખડકી છે તે સત્યને ઉજાગર કરવા અમે આ લડાઈ ચાલુ રાખવાના છીએ.
સરકારે આ ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવા માટે પહેલા આગ લગાડી, આગથી સમગ્ર ગુજરાતની પ્રજામાં ભાજપ સરકારની આબરૂ ઓછી થતી હતી ત્યારે આવા માલના નિકાલ માટે વેપારીઓને પાછલા બારણેથી સસ્તા ભાવે માલ વેચવાની ફરજ પાડી. સરકાર એ વાત સ્વીકારે છે કે, ૪૦% જેટલો માલ એણે પાછલા બારણે ખાનગી વેપારીઓ ઉપર દબાણ ઉભું કરીને સસ્તા ભાવે વેચી નાંખ્યો છે. આ મગફળીકાંડમાં રૂા. ૯૦૦ પ્રતિ મણ મગફળી ખરીદી અને રૂા. ૪૦૦ જેટલો અંદાજીત અન્ય ખર્ચો એટલે રૂા. ૧,૩૦૦-૧,૩૫૦ પ્રતિ મણના ભાવની મગફળી રૂા. ૭૦૦-૭૫૦ પ્રતિ મણના ભાવે વેચીને ભ્રષ્ટાચારને છૂપાવવા માટે સરકારી તિજોરીને મોટો માર આપ્યો છે. ત્યારે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે, કેટલા રૂપિયે મણ મગફળી ખરીદી કરી હતી, તેના પર પ્રતિ મણ કેટલો ખર્ચો કર્યો, કયા ભાવે મગફળી વેચી, કોને વેચી, અને આવી મગફળીમાં મગફળી હતી કે માટી ? ભ્રષ્ટાચારના પુરાવાઓનો નાશ કરવા માટે ખાનગી વેપારીઓને દબાણપૂર્વક મગફળી પાછલા બારણે વેચવાનું સરકારનું ષડયંત્ર હતું, જે અંગે અમે ગત માર્ચમાં મીડીયાના મિત્રો સમક્ષ વાત કરી હતી.
આજે સરકાર પણ એ વાત સ્વીકારતી થઈ કે, મગફળી કાંડમાં ભ્રષ્ટાચાર થયો છે તો આ ભ્રષ્ટાચારીઓ કોણ છે ? આ મગફળી કાંડમાં રાજ્ય સરકારની કઈ સ્વૈચ્છિક સંસ્થાઓને નોડેલ એજન્સી તરીકે ખરીદીનું કામ આપ્યું ? તેણે સમગ્ર ગુજરાતમાં કઈ સહકારી સંસ્થાઓને આવી ખરીદી કરવા માટે થઈને અધિકૃત કરી હતી ? કઈ મંડળી મારફત કેટલી ખરીદી કરવામાં આવી ? ગુણવત્તા જાળવવામાં આવી છે કે કેમ ? અને આ દરેક સહકારી મંડળી જેને મગફળી ખરીદવા અધિકૃત કરવામાં આવી હતી તેના પ્રતિનિધિઓ રાજકીય રીતે કોની સાથે જોડાયેલા છે ? તેનું સત્ય રાજકારણથી પર ઉઠીને ગુજરાતની સમક્ષ આવવું જોઈએ. ગુજરાતના ખેડૂતો અને જગતના તાતની લાગણીઓ સાથે ખેલનાર ભ્રષ્ટાચારીઓને જેલમાં પૂરવાનો સવાલ છે ત્યારે જે કોઈ ભ્રષ્ટાચારી હોય તેને જનતા સમક્ષ ખુલ્લા પાડવામાં આવે એની સામે કાયદાકીય પગલાં ભરીને જેલમાં પૂરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે.
માન. મુખ્યમંત્રી કટાક્ષ કરે છે, વિરોધપક્ષે મહિના દિવસ પહેલાં રાજકોટના ત્રિકોણ બાગ સર્કલ ખાતે માન. મુખ્યમંત્રીને પણ સવાલો કર્યા હતા. મુખ્યમંત્રી અને ભાજપ સરકાર આ રૂા. ૪,૦૦૦ કરોડના મગફળીકાંડમાં જો ખરેખર દૂધે ધોયેલા હોય તો તેમણે ન્યાયિક તપાસની માંગણી સ્વીકારવી જોઈએ અને જે કાંઈ સત્ય હોય, ભ્રષ્ટાચારીઓ હોય તેને ખુલ્લા કરવા જોઈએ. વિરોધપક્ષે ઉઠાવેલા ૨૪ જેટલા સવાલો સાથે રાજ્યપાલને આપેલ આવેદનો આજે ત્રણ મહિના વીત્યા પછી પણ જવાબ આપવાની મુખ્યમંત્રી અને ભાજપ સરકારે દરકાર રાખી નથી ત્યારે સીધી કે આડકતરી રીતે ગુજરાતના લોકોના મનમાં એ સવાલ થાય છે કે, આ મગફળી કાંડમાં મુખ્યમંત્રી કાર્યાલય તો સંડોવાયેલું નથી ને ? તેવા ઉભા થયેલ સવાલનો જવાબ આપવો જોઈએ.
વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી આવતીકાલ તા. ૫-૮-૨૦૧૮ને રવિવારના રોજ નેશનલ કોટન ગોડાઉન, પાલ ઓટો નજીક,શાપર-વેરાવળ, જિ. રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો-આગેવાનો અને પ્રજાજનો સાથે મગફળી કાંડની ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા તપાસ કરવાની માંગણી સાથે ગાંધીચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ-ધરણાં કરશે.
———————————————————————————————-