રાજકોટ તા. ૧૪: રાજકોટના ભગવતીપરામાં રહેતાં અને મજૂરી કરતો રવિ વાઘેલાએ નવમા નોરતે તા. ૯/૧૦ના રોજ ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રવિના આપઘાત પાછળ એક યુવતિ કારણભુત હોવાનો આક્ષેપ રવિના પિતા ભરતભાઇ વાઘેલાએ કર્યો હતો. યુવતિ સામે પગલા લેવા માંગણી કરી હતી. તેના પિતા ભરતભાઇ વાઘેલાએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે મારા દિકરાએ અમારા વિસ્તારમાં જ વિસ્તારમાં રહેતી શિતલ નામની છોકરીના કારણે આ પગલુ ભર્યુ છે. આ છોકરીના પતિએ ગયા વર્ષે આપઘાત કર્યો હતો. તેણીએ મારા દિકરાને જાળમાં ફસાવ્યો હતો અને છેલ્લે તેને તરછોડી દઇ તેના વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. મારા દિકરાને પોલીસ પકડી ગઇ હતી અને નવરાત્રીમાં જ મેં તેને જામીન પર છોડાવ્યો હતો. એ પછી તેણે આ પગલુ ભર્યુ હતું. આ યુવતિએ ખોટી રીતે મારા દિકરાને ફસાવી તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. પોલીસે અમારી રજૂઆતો સાંભળી નહોતી. આ છોકરી વિરૂધ્ધ બીજા લોકો પણ રજૂઆત કરવા ગયા હતાં. રવિએ સારવાર દરમિયાન શિતલના કારણે ઝેર પીધાનું કહ્યું હતું. ભરતભાઇ વાઘેલાએ દિકરાના મોત પાછળ નિમીત બનનાર છોકરી સામે પગલા લેવા માંગણી કરી હતી.