મણીનગરની આર.એચ.રેલવે કોલોનીમાં રસોડાની છત પડતાં એક મહિલા ઇજાગ્રસ્ત

અમદાવાદ રેલવે મંડળના મણીનગરમાં આવેલી સ્ટાફ કવાર્ટસના એક રૂમની છત આજે સવારે ધડાકા સાથે તુટી પડતાં આ રૂમમાં રહેતા રેલવે કર્મચારીના પત્નીને ખભા અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.  રેલવે કોલોનીમાં આવેલા મકાનોની બદતર હાલત અંગે કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આજે ફરીવાર આ પ્રકારની દુર્ઘટના થઇ હતી. ભૂતકાળમાં પણ આ રેલવે કોલોનીમાં અન્ય મકાનોની છત અને દિવલો તુટી પડવાના બનાવો બનવા છતાં તંત્રના પેટનુ પાણી હલતુ નથી.

મણીનગરના બાલવાટિકા પાસે આવેલી આર.એચ.રેલવે કોલોનીમાં બ્લોકનં. 768ની રૂમન.6ની છત આજે સવારે 8-30 કલાકે ધડાકાભેર તુટી પડી હતી. રસોડાની આ છત તુટી તે સમયે રસોડામા માત્ર એક મહિલા હોવાના કારણે તેના પર આ છત પડી હતી. છત પડવાના કારણે આ મહિલાના ખંભા અને કમર પર ભારે ઇજાઓ થઇ હતી. આ કોલોનીમાં રહેતા અન્ય રેલવે કર્મચારીઓના કહેવા પ્રમાણે સદ્દનસીબે આ છત મહિલાના માથા પર ન પડી.

જો આ છત ખભા અને કમરના ભાગના બદલે માથા પર પડી હોત તો આજે આ મહિલાનો જીવ બચી શકયો નહોત. કોલોનીના સભ્યોના કહેવા પ્રમાણે રેલવે કોલોની છત પડવાનની આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં બ્લોકન. 662ના રૂમનં. 6ની રસોડાની છત તુટી પડતાં એક બાળકીને ઇજા થતાં હોસ્પિટલમા દાખલ કરવી પડી હતી. સભ્યોના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાય વર્ષોથી આ રેલવે કોલોની હાલત બદતર થઇ રહી છે. વારંવાર સત્તાધીશો સમક્ષ રજૂઆતો અને ફરિયાદ કરવા છતાં કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે વારંવાર આ પ્રકારની છત પડવાની અથવા તો દિવલ પડવાની ઘટનાઓ બનતી રહે છે. આગામી દિવસોમાં આ કોલોની માં રહેતા કર્મચારીઓએ આ અંગે સત્તાધીશોને લેખિતમાં ફરિયાદ કરવા ઉપરાંત ભવિષ્યમાં આવી કોઇ જાનહાનિ સર્જાઇ તો રેલવે સત્તાધીશોને જવાબદાર ગણવાની માંગણી કરવામાં આવશે.