મતદાન વખતે ઘોડિયાઘરને મહિલાઓ નહીં સંભાળે

આંગણવાડી કાર્યકરો અને તેડાગર મહિલાઓએ પડતર પ્રશ્નોને લઇ આગામી લોકસભા ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ચૂંટણીપંચ દ્વારા તેમને મતદાન સમયે મતદાન મથકો પર બાળકોના ઘોડિયા સાંભળવા અપાયેલી વધારાની કામગીરીનો પણ સામૂહિક રીતે બહિષ્કાર કરવાનું એલાન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કેન્દ્રની 3300 કાર્યકરો અને તેડાગરોના સંગઠનની પાલનપુર તાલુકાના ચડોતર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં પરિવાર સાથે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો હતો.

અદાલત અને નિયામકના આદેશ મુજબ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોએ આઈ.સી.ડી.એસ સિવાય વધારાની કામગીરી ન સોંપવા છતાં આગામી લોકસભાની ચૂંટણીમાં આંગણવાડી કેન્દ્રની કાર્યકરોને મતદાન મથક ઉપર ઘોડિયા સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેના વિરોધમાં આજે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી કલેકટર બાભણીયાને લેખિત રજૂઆત કરી ઘોડીયા કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.