નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ૨૫ મી જુલાઇ,૨૦૧૯ના રોજ સૌ પ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ – ટોચની સપાટી પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવીને સવારના ૮ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર થઈ હતી. તેમ નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ.દલવાણીએ જાહેર કર્યું હતું. 121.92 મીટર સપાટી વટાવે એટલે બંધના દરવાજા ઉપર તે પહોંચે છે. છેલ્લાં બે વર્ષથી બંધના દરવાજાનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં તે સપાટી સુધી પાણી પહોંચ્યું ન હતું.
નર્મદા ડેમ સાઇટ ખાતે કેનાલ હેડપાવર હાઉસમાં ૫૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પાંચ યુનિટ પૈકી ત્રણ જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત હતાં અને ગત ૨૪ જુલાઇ ૨૦૧૯ના ૨૪ કલાક દરમિયાન ૨૩૬૭ મેગાવોટ જેટલું વીજ ઉત્પાદન કરાયું હતું. આમ મધ્ય પ્રદેશના વિરોધ બાદ ગુજરાત સરકારે વીજ ઉત્પાદન શરૂં કરવું પડ્યું હતું. મધ્ય પ્રદેશ સરકારે વાંધો લીધો હતો કે, બંધમાં પાણી હોવા છતાં ગુજરાત વીજળી પેદા કરતું નથી તેથી અમે અમારા બંધોમાંથી પાણી નહીં છોડીએ.
નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર-ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળરાશિમાં ૧૫૩૬૨ કયુસેક પાણીનો વધારો નોંધાયો છે, જયારે મુખ્ય કેનાલમાંથી ૧૩૬૯૦ કયુસેક પાણીની જાવક નોંધાવા પામી હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે.