અભિજિત ભટ્ટ
અમદાવાદ,તા:20
વિસનગર પાસે આવેલા કડા ગામમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના પતિ ડો. મફત પટેલે બનાવેલા પુસ્તકાલયમાંથી પ્રેરણા લઈને જાણીતા પત્રકાર દેવેન્દ્ર પટેલે પોતાના વતન આકરૂન્દમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પુસ્તકાલય બનાવવાની શરૂઆત કરી છે. જે આગામી વર્ષે માર્ચ 2020માં આકરૂન્દ અને તેની આસપાસના 25 ગામોના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો તેમ જ ગ્રામજનો માટે ખૂલ્લી મુકવામાં આવશે.
છેલ્લાં 52 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે નામના મેળવનાર વરિષ્ઠ પત્રકાર એવા દેવેન્દ્ર પટેલે પોતાને કક્કો બારાખડી શીખવનાર આકરૂન્દની સરકારી શાળામાં પુસ્તકાલય શરૂ કરીને રૂણ અદા કર્યું છે. આ પુસ્તકાલય બનાવવાની પ્રેરણા તેમને ડો. મફત પટેલની કડા ગામ ખાતે તૈયાર કરાયેલા શાનદાર પુસ્તકાલય તેમ જ રાજ્યના અન્ય અને વિદેશની શાળાઓમાં તૈયાર થયેલા પુસ્તકાલય પરથી મળી છે.
આજના ટેકનોલોજીના આધુનિક યુગમાં લોકોનો વાંચન પ્રત્યેનો શોખ મોબાઈલ કે ટેબ પૂરતો સિમિત થઈ ગયો છે ત્યારે આકરૂન્દની સરકારી શાળામાં રૂ. 60 લાખના લોકસહયોગથી જે પુસ્તકાલય બનવાનું છે તેમાં પુસ્તકો ઉપરાંત કમ્પ્યૂટર પર પણ પુસ્તકો વાંચી શકાય એ પ્રકારની ઈ-લાઈબ્રેરી પણ હશે. અને તેની સાથે સાથે આ પુસ્તકાલયના પહેલા માળ પર આકરૂન્દ ઉપરાંત આસપાસના 25 ગામની શાળાઓના વિદ્યાર્થીઓ પણ અહીં રાતના સમયે રોકાઈને વાંચી શકે તે માટે તમામ સુવિધાઓથી સજ્જ રીડિંગ હોલ પણ બનાવવાનું આયોજન કર્યું છે અને આ પુસ્તકાલય માર્ચ 2020 સુધીમાં કાર્યરત થઈ જશે એવો આશાવાદ દેવેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.
પુસ્તકાલયની પ્રેરણા ક્યાંથી મળી?
આકરૂન્દની શાળામાં પુસ્તકાલય બનાવવાના વિચાર અંગે દેવેન્દ્રભાઈ કહે છે કે, તેમનો પુત્ર શીતલ 15 વર્ષ અમેરિકામાં પરિવાર સાથે રહેતો હતો. અને તે સમયે તેઓ અમેરિકા ગયા હતા ત્યારે તેમના પૌત્ર અને પૌત્રી જે અમેરિકાની સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા ત્યાં જવાનું થયું ત્યારે આ શાળા ઉપરાંત તેના વિશાળ પુસ્તકાલયની પણ મુલાકાત લીધી હતી. અમેરિકન સરકારનો નિયમ છે કે પ્રજા જે ટેક્સ ભરે છે તેની સામે તેમને દરેક વિસ્તારમાં એક એરકન્ડિશન્ડ પુસ્તકાલય બનાવવામાં આવે છે જેથી ત્યાં લોકો વાંચન કરી શકે. આ ઉપરાંત ભૂતપૂર્વ સાંસદ દિનશા પટેલ સાથે રાજ્યના ખંભાતના જીણજ ગામે આવેલી એક ચેરીટેબલ ટ્રસ્ટની શાળામાં જવાનું થયું ત્યાં એક વિશાળ પુસ્તકાલય જોયું. તો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેનના પતિ ડો. મફત પટેલના ગામ કડામાં પણ તેમણે બનાવેલું પુસ્તકાલયની મુલાકાત લીધી. આ તમામ પુસ્તકાલયો જોયા પછી મને પણ મારા વતન આકરૂન્દની સરકારી શાળામાં પુસ્તકાલય શરૂ કરવાની પ્રેરણા મળી.
રાત્રિ રોકાણ સાથે વાંચન કરી શકાશે
સામાન્ય રીતે રાજ્યના ગામડાંઓમાં બાળકોને ભણવા માટેની મોટી સમસ્યા હોય છે. કેમ કે ગામડાંઓમાં મોટાભાગે ખેડૂતો તેમ જ પશુપાલકોની વસતી વધારે હોવાના કારણે અને તેમના ઘર પણ નાના હોવાના કારણે બાળકોને અભ્યાસમાં તકલીફ પડતી હોય છે. ત્યારે આવા બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે તૈયાર થઈ રહેલા પુસ્તકાલયમાં રીડિંગ હોલ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ હશે. જેમાં બાળકો વાંચીને રાતના સમયે ત્યાં જ સૂઈ જાય એ માટે પથારીઓ તેમ જ આ બાળકોનું ધ્યાન રાખવા માટે ગામના વરિષ્ઠ એવી વ્યક્તિ પણ રહેશે જેથી બાળકોને કોઈ મુશ્કેલી ન પડે. ટૂંકમાં બાળકો પૂરતી સુરક્ષા સાથે રહીને અભ્યાસ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આકરૂન્દની શાળાની પસંદગી કેમ?
દેવેન્દ્ર પટેલનું મૂળ વતન આકરૂન્દ છે અને તેઓ કહે છે કે મારો જન્મ બાયડમાં થયો અને 1950માં જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે મારા પિતાએ મને ભણવા માટે આ શાળામાં મૂક્યો હતો. મારું પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ 1થી 7 આ શાળામાં કર્યું હતું. આ શાળાએ મને કક્કો બારાખડી શીખવ્યો અને આજે આ જ શાળાના કારણે આ સ્થાને પહોંચ્યો છું. અને તેનું રૂણ ચૂકવવા માટે આ શાળાની પસંદગી કરી છે. તેમણે આ શાળાની વિગતો આપતાં કહ્યું કે, આકરૂન્દની શાળામાં આજે આ શાળામાં 327 બાળકો છે અને શિક્ષકો અને બિનશિક્ષકો 17 છે. આ શાળાની ખાસ વિશેષતા એ છે કે આ શાળાના યુવાન આચાર્ય ઈશ્વર પ્રજાપતિ પણ ગુજરાતી ભાષાના જાણકાર અને સારા લેખક તેમ જ ટેકનોલોજી ક્ષેત્રે પણ સારો એવો અનુભવ ધરાવે છે અને તેમના અથાગ પ્રયાસના કારણે આ શાળા રાજ્યની અન્ય સરકારી શાળાઓમાં આદર્શ શાળા તરીકે ગણના મેળવી છે. આટલું ઓછું હોય એમ આકરૂન્દની આસપાસની ખાનગી શાળાઓના ઘણાં બાળકોએ તે શાળા છોડીને આ શાળામાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે આ શાળા એક ઉત્તમ શાળા હોવાથી તેની પસંદગી કરી છે.
પુસ્તકાલયની વિશેષતા
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં સંપૂર્ણ લોકસહયોગ થકી અંદાજે રૂ. 60 લાખના ખર્ચે બનનાર અદ્યતન પુસ્તકાલય રાજ્યનું પ્રથમ પુસ્તકાલય હશે. આ પુસ્તકાલયમાં અઢી ટનના ચાર એરકન્ડિશનર લગાવવામાં આવશે. ટૂંકમાં એરકન્ડિશન્ડ પુસ્તકાલય હશે. આ પુસ્તકાલયમાં શાળાના વિદ્યાર્થીઓથી માંડીને કોલેજના યુવાન વિદ્યાર્થીઓ, વડિલો અને મહિલાઓ આ તમામની જ્ઞાન પિપાસા સંતોષાય એવા ઉત્તમ પુસ્તકોથી સમૃદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત પુસ્તકાલયમાં ઈન્ટરનેટ સાથે કમ્પ્યૂટર પણ હશે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની આંગળીઓના ટેરવે વિશ્વની માહિતી મેળવી શકશે. સાથે આ પુસ્તકાલયમાં પુસ્તકો ઉપરાંત દ્રશ્ય-શ્રાવ્ય ઉપકરણો પણ ઉપલબ્ધ હશે જેથી ત્યાં આવનારા બાળકોને અભ્યાસની સાથે સાથે પ્રેરણાદાયી ફિલ્મો પણ બતાવવામાં આવશે. આ પુસ્તકાલયની વિશિષ્ટતા એ છે કે આ પુસ્તકાલયનો લાભ લેનારા પાસેથી એકપણ પૈસો વસૂલવામાં નહિ આવે ટૂંકમાં આ પુસ્તકાલયનો વિનામૂલ્યે ઉપયોગ કરી શકાશે. આ પુસ્તકાલયમાં બાળકોને મનપસંદ એવી બાળવાર્તાઓ ઉપરાંત વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં મદદરૂપ થાય એવા પુસ્તકો પણ રાખવામાં આવશે જેથી આકરૂન્દ અને તેની આસપાસના ગામના બાળકો અને યુવાનો પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી શકે અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું અને પોતના વતનનું નામ રોશન કરે. આ પુસ્તકાલયમાં નિષ્ણાત તજજ્ઞોને બોલાવીને માર્ગદર્શન પૂરું પાડતાં પરિસંવાદ પણ યોજવામાં આવશે.
બાળકો માટે સ્પર્ધા
આજના સ્પર્ધાત્મક યુગમાં આકરૂન્દ અને તેની આસપાસના બાળકો પણ ટકી શકે એ માટે અને વાંચનમાં તેમની અભિરૂચિ જળવાઈ રહે તે માટે વર્ષમાં બે વખત વિશેષ સ્પર્ધાનું પણ આયોજન કરાશે. આ અંગે દેવેન્દ્ર પટેલ કહે છે કે, આ પુસ્તકાલયમાં જે પુસ્તકો રાખવામાં આવશે તેમાંથી બાળકે પોતાની પસંદગીનું પુસ્તક લઈ જવાનું રહેશે અને તે વાંચીને આ પુસ્તક તેમ જ તેના લેખક વિશે લખાણ આપવાનું રહેશે. જેમાં રૂ. 5 હજાર, રૂ. 3 હજાર અને રૂ. 1500 એમ ત્રણ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેઓ ઉમેરે છે કે આ પ્રકારની સ્પર્ધાથી બાળકોની વાંચનની શૈલી તો વધશે પણ તેમની લેખનની શૈલી પણ વિકસે એવો આશય છે.
આધુનિક પુસ્તકાલયમાં લોકસહયોગ
જે પુસ્તકાલયના ખર્ચ અંગે દેવેન્દ્ર પટેલ કહે છે કે, આ સરકારી શાળામાં પુસ્તકાલય બનવાનું છે પણ તેમાં સરકાર દ્વારા એક પણ પૈસો લેવામાં આવ્યો નથી. તેના માટે મેં રૂ. 2,51,000નો ફાળો આપ્યો છે આ ઉપરાંત નૈરોબીથી આવેલા મારા એક મિત્ર જેને આકરૂન્દ ક્યાં આવ્યું તેની પણ ખબર નથી તેણે રૂ. 10 લાખ ઉપરાંત કેટલાંક નામી અનામી લોકોએ પુસ્તકાલય માટે સ્વૈચ્છિક નાણાંકીય સહાય કરી છે. અને આમ અત્યાર સુધીમાં પુસ્તકાલય માટે અંદાજે રૂ. 40 લાખ જેટલી રકમ એકત્ર થઈ ગઈ છે. આ પુસ્તકાલય તૈયાર થયા પછી તેનો નિભાવ ખર્ચ પણ લોકો દ્વારા જ ઉપાડવામાં આવશે.