ચાલુ વર્ષે પાછોતરા વરસાદના અભાવે ખેડૂતોને ભારે માર પડી રહ્યો છે. ત્યારે ગોંડલ પંથકમાં મરચાનું વાવેતર પણ નિષ્ફળ ગયું છે. ખેડૂતોએ મરચાંના મોંઘા બિયારણો, ખાતર દવાના ખર્ચાઓ કર્યા બાદ મરચાંનો પાક સૂકાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમજ પુરતો પાક ન થવાના કારણે મરચાંનો ભાવ પણ ઊંચો જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ન હોવાથી ગોંડલ પંથકના ગોંડલીયા મરચાંનો પાક નિષ્ફળ જતો જોવાં મળ્યો છે. ગોંડલ પંથકમાં દર વર્ષ કરતાં આ વર્ષે મરચાંના પાકનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થયું હતું. પરંતુ પાછોતરા વરસાદના અભાવ અને ભૂગર્ભજળના તળો ખૂટી જવાથી મરચાં પકવતાં ખેડૂતો મરચીને પિયત આપી શક્યાં નથી. જેથી મરચી સૂકાઈ જવાની સાથે મરચાંનો પાક નિષ્ફળ થયો છે. ખેડૂતોએ મરચાંના મોંઘા બિયારણો, ખાતર, દવાનાં ખર્ચાઓ કર્યા બાદ મરચાંનો પાક સૂકાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ગોંડલીયા મરચાંનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતો રોષ વ્યક્ત કરી રહ્યાં છે.
ગોંડલ પંથકમાં ખ્યાતિ પામેલાં ઘોલર, રેશમપટ્ટો, ડબલ પટ્ટો જેવાં મરચાંનું વાવેતર થતું હોય છે. ત્યારે મરચાંના ઉત્પાદન સમયે ગોંડલ માર્કેટ યાર્ડ મરચાંની અઢળક આવક સાથે મરચાંથી ઉભરાઈ જતું હોય છે. પરંતુ આ વર્ષે દુષ્કાળગ્રસ્ત વર્ષ હોવાને કારણે મરચાંનો પાક નિષ્ફળ જવાથી માર્કેટ યાર્ડમાં મરચાંની આવક ખૂબજ ઓછી થશે તેવી ધારણા માર્કેટ યાર્ડના સત્તાધીશો કરી રહ્યાં છે. તેમજ મરચાંના ઓછા ઉત્પાદન વચ્ચે મરચાં ગૃહિણીઓના રસોડા બજેટ બગાડતાં ભાવમાં તીખા બનશે તેવી દહેશત પણ વ્યક્ત થઈ રહી છે.
ગોંડલના ખ્યાતિ પામેલ ગોંડલીયા મરચાંનો પાક ગોંડલ પંથકમાં નિષ્ફળ જવાં પામ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાંના ઉત્પાદન સમયે આવક કેવી જોવાં મળશે અને મરચા ભાવમાં કેવાં તીખા થશે એ તો સમય જ બતાવશે…