મસ્જિદના સ્થાને રેસ્ટોરાં અને કબ્રસ્તાનની જગ્યાએ મોંઘા ફ્લેટ અમદાવાદમાં બનાવી દેવાયા

અમદાવાદના શાહીબાગ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવેલી સીમરન રેસ્ટોરન્ટના માલિક આસિફ અયુબખાન પઠાણ, મોહમ્મદ આમીન પઠાણ, મોહમ્મદ ફારૂક પઠાણ અને અબ્દુલવહીદ શેખે મસ્જિદના નામે ખોટા દસ્તાવેજો ઊભા કરીને મદરેસાની જગ્યા પર રેસ્ટોરન્ટ બનાવી તેનું લાયસન્સ મેળવી લીધું છે. પોલીસે તમામ આરોપી સામે ફરિયાદ દાખલ કરી છે.

મસ્જિદ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ હસ્તક હતી. મસ્જિદનું ટ્રસ્ટ બનાવ્યું હતું તે વ્યક્તિ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી DCP ઝોન 4 ફરિયાદી બન્યા હતા. આસિફ અયુબખાન પઠાણ, મોહમ્મદ આમીન પઠાણ, મોહમ્મદ ફારૂક પઠાણ અને અબ્દુલવહીદ શેખ મસ્જિદના ટ્રસ્ટી ન હોવા છતાં તેમણે ખોટા રબર સ્ટેમ્પ, લેટરપેડ બનાવીને હોટેલનું લાયસન્સ મેળવ્યું હતું, જેના કારણે આ તમામ આરોપીઓ સામે ખોટા દસ્તાવેજ બનાવી લાયસન્સ મેળવવા મામલે ફરિયાદ નોંધાઈ છે.

અગાઉ આવી 26 મિલકતો વેચી મારી

વકફ બોર્ડની રૂ.200 કરોડની 26 મિલકતોનું કૌભાંડ શાહીબાગમાં જ થયું હતું.

અમદાવાદના શાહીબાગ મુસા સુહાગ કબ્રસ્તાનની જમીન રૂ.80 કરોડની 8 હજાર ચો. મી. જમીનમાં ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગેરકાયદે રેસિડેન્સિયલ સ્કીમ ઊભી થઈ રહી હોવાની રજૂઆત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિમિશ્નર થેન્નારસનને કરી હતી. થેન્નારસને આ આક્ષેપોને ફગાવીને સત્તાવાર રીતે આ પ્લાન પાસ કરીને રજાચિઠ્ઠી આપી હોવાનો લેખિત ખુલાસો કર્યો હતો. પછી અચાનક ડેપ્યુટી કમિશનરે ફેરવી તોળ્યું હતું કે, કબ્રસ્તાનની જમીન પર ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રકચરની રેસિડેન્સિયલ સ્કીમની રજાચિઠ્ઠી કામચલાઉ રદ કરી હતી.

કબ્રસ્તાનની ટીપી સ્કીમ 8ના ફાઇનલ પ્લોટ નંબર 93 અને 94ની 8 હજાર ચો.મી. જમીન આવેલી છે, જેનો વહીવટ અમદાવાદ સુન્ની વકફ બો‌ર્ડ‌ કરે છે. બો‌ર્ડ‌ની જમીનમાં ગેરકાયદે મોંઘા ભાવના ફ્લેટની સ્કીમ મૂકી હતી. તેની સામે  ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, વિપક્ષના નેતા બદરૂદ્દીન શેખની આગેવાનીમાં લઘુમતી અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ મ્યુનિસિપલ કમિશનરને મળ્યું હતું. વિવાદ વધુ વકરે તે પહેલાં શાંત પાડી દેવા રજાચિઠ્ઠી રદ કરી દેવાઈ હતી.

ગેરકાયદે જમીન ખરીદીને ગુજરાતી એવા મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા પણ વક્ફ બોર્ડની જમીન પર ઊભું છે.