અમદાવાદ, તા. 29
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તથા એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટી, નવી દિલ્હી દ્વારા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આગામી ૩૦ સપ્ટેબર તેમજ ૧ ઑક્ટોબર, ૨૦૧૯ એમ બે દિવસ માટે મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગો સહિતના મધ્યસ્થ વિચાર સાથે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પરિષદમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ ડૉ. ડી. પી. સિંઘ તથા એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રો. એમ. એમ. સાળુંખે તેમજ સેક્રેટરી જનરલ શ્રીમતી પંકજ મિત્તલ તથા ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તા. ૩૦ સપ્ટેમ્બરના ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તેમજ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
૧૮મી ઓક્ટોબરે ગૂજરાત વિદ્યાપીઠ તેની શતાબ્દીની ઉજવણી ભણી મંગલપ્રવેશ કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વ તેમજ રાષ્ટ્ર બા-બાપુ ૧૫૦ અને ગાંધીવિચારને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો યોજી રહ્યું છે, ત્યારે મહાત્મા ગાંધીજી જેના આજીવન કુલપતિ રહ્યા હતા તેવી ગૂજરાત વિદ્યાપીઠમાં ‘સંપોષિત વિકાસ માટેનું ગાંધીજીનું દર્શન : ૨૧મી સદી માટેનો વ્યાપક અને સર્વાંગી દ્રષ્ટિકોણ’ એ મુખ્ય વિષય આધારિત બીજા આ પ્રમાણેના છ પેટા વિષયો પર આ પરિષદનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં મહાત્મા ગાંધીનું નેતૃત્વ : આજના વિશ્વ માટે શીખવાના પાઠ, વિશ્વશાંતિ અને સંપોષિત વિકાસ માટે ગાંધીમૂલ્યો, સાંપ્રત ભારત માટે ગાંધી સૂચિત અર્થશાસ્ત્રની પ્રસ્તુતતા, ગાંધીવિચારના ચાર સ્તંભો : સત્યાગ્રહ, સર્વોદય, સ્વરાજ, સ્વદેશીની સાંપ્રત સમયમાં પ્રસ્તુતતા, પરિવર્તનનું સંચાલન : ગાંધીવિચાર અને આચારમાંથી આંતરદર્શન અને ગ્રામસ્વરાજ : ગ્રામ વૃદ્ધિ અને સંપોષિતતા માટે સૂક્ષ્મ ગાંધીકાર્ય વિષયનો સમાવેશ થાય છે.
કુલ છ સત્રોમાં ૧૦૦થી વધારે કુલપતિઓ, તજજ્ઞો, ટેક્નોક્રેટ અને ગાંધીજીના ખાદીગ્રામોદ્યોગ, નઈ તાલીમ અને ઉચ્ચ શિક્ષણના અનેક પ્રયોગો કરનાર શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ પોતાના વિષયો અંગે વ્યાખ્યાનો આપનાર છે. આ કાર્યક્રમમાં વિનોબા ભાવે સાથે વર્ષો ગાળનારા અને ખાદીમિશનના અધ્યક્ષ એવા શતાબ્દી વર્ષે પહોંચેલા પવનાર આશ્રમના બાલવિજયજી ઉપરાંત ભૂતપૂર્વ પ્રધાન ડૉ. મહેશ શર્મા, ચાન્સેલર, એમ. જી. યુનિવર્સિટી, મોતીહારી વિશેષ ઉપસ્થિત રહેવાના છે.
ગૂજરાત વિદ્યાપીઠના શતાબ્દીવર્ષ તથા બા–બાપુ ૧૫૦ તેમજ ગાંધીજયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના પૂર્વ સમયે દેશભરના ગાંધીવાદી ચિંતકો, ઉચ્ચ શિક્ષણના કેળવણીકારો, તજ્જ્ઞો દ્વારા લખાયેલા ૫૦થી વધુ અભ્યાસપૂર્ણ લેખો ધરાવતાં ૩૦૦(ત્રણસો) પૃષ્ઠના ‘યુનિવર્સિટી ન્યૂઝ’નું પણ આ સમયે વિમોચન થનાર છે.