મહા વાવાઝોડાની અસરથી વાવ-થરાદ પંથકમાં કરા સાથે વરસાદ, હજુ વરસાદ પડી શકે છે

વાવ, તા.૦૨

અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક ફૂંકાયેલા મહા વાવાઝોડાની અસર છેક ઉત્તર ગુજરાત સુધી વર્તાઇ છે. શુક્રવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટા બાદ બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકનાં ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જેને લઇ જાહેર માર્ગો પર પાણી ભરાઇ ગયાં હતાં. કમોસમી વરસાદને લઇ ઉભા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. તો હવામાન વિભાગ દ્વારા હજુ ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને ક્યાંક ઝાપટાં વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વાવના સરહદી ગામડાઓમાં શુક્રવારે સાંજના સમયે વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ ઢીમા, ઉચપા, ટડાવ, ઢેરિયાણા, કુંડાળિયા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. તો થરાદ તાલુકાના માંગરોળ, પીલુડા, લોઢનોર, બુઢણપુર, ચુવા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટાં પડતાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. થરાદમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. કુંડાળિયાના ખેડૂત ઇશ્વરસિંહ રાજપૂતે જણાવ્યું કે, વાવ તાલુકામાં ખેડૂતોએ ખેતરોમાં કાપણી કરેલા બાજરી, જુવાર તેમજ કપાસના પાકોને નુકસાન થઇ શકે છે. કમોસમી વરસાદથી ખેડૂતો માટે પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ થઈ છે, ઘાસચારો કોઈ કામનો રહેશે નહીં.

લક્ષદ્વીપમાં મહા વાવાઝોડું ફૂંકાયુ હોવાના કારણે દરિયા કિનારે તેની અસર વર્તાઈ રહી છે. મહા વાવાઝોડાના પગલે પવનની ગતિમાં વધારો થશે ત્યારે ઉત્તર ગુજરાતમાં સિસ્ટમના કારણે આગામી ચાર દિવસ વાદળો ઘેરાશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્ર તરફ વરસાદી છાંટા પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.