અમદાવાદ,તા.૬
રાજ્ય માથે ઝળુંબી રહેલા મહા વાવાઝોડાને લઈ અમદાવાદ શહેરમાં ગંભીર અસર પહોંચવાની શક્યતા નથી, છતાં શહેરમાં બુધવારે મોડીરાતથી ગુરુવારે પણ ભારે વેગીલા પવનને સાથે વરસાદ પડવાની સંભાવનાને પગલે અમપા દ્વારા સમગ્ર તંત્રને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યુ છે. અમદાવાદના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ઊભી થનારી સંભવિત અસરને પહોંચી વળવા તંત્ર દ્વારા બાવન જેટલી ટીમ તહેનાત કરાઈ હોવાનું મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ૨૪ ટીમ દિવસમાં અને ૨૪ ટીમ રાત્રીના સમયે વિવિધ વિસ્તારોમાં ફરીને જે તૂટી પડે એવાં વૃક્ષોનું ટ્રીમિંગ કરી રહી છે. તંત્ર દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગથી લઈ ફાયર વિભાગ સુધીના તમામ વિભાગને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સાબદા કરાયા છે.
શહેરના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, મહા વાવાઝોડાની અમદાવાદ શહેરમાં ગંભીર અસર થવાની શક્યતા નથી. ભારે પવન સાથે બુધવારે મોડી રાતે અને ગુરુવારે પણ વરસાદ પડી શકે છે. આ કારણોસર સમગ્ર મહાનગરપાલિકાના તંત્રને સાબદું કરાયું છે. ઊભી થનારી સંભવિત અસરને પહોંચી વળવા પાલડી, ઉસ્માનપુરા કંટ્રોલરૂમ સહિત શહેરના અન્ય તમામ વિસ્તારોમાં પણ અમપાના કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે. તમામ વિભાગો, ખાતાના વડાઓ એડિશનલ સિટી ઈજનેરથી લઈને એચઓડી સુધીના તમામને પોતપોતાના ઝોનમાં તમામ પ્રકારની સાધનસામગ્રી સાથે હાજર રહેવા આદેશ કરાયો છે.
મહા વાવાઝોડાની અમદાવાદ શહેરમાં ઊભી થનારી સંભવિત અસરને પહોંચી વળવા કુલ બાવન ટીમો કાર્યરત્ કરવામાં આવી છે. શહેરના સાત ઝોનના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ૨૪ ટીમ દિવસના સમયે અને ૨૪ ટીમ રાતના સમયે ફરીને જેટલા પણ પવનથી તૂટી પડે એવાં વૃક્ષો છે એનું ટ્રીમિંગ કરી રહી છે. અત્યાર સુધીમાં ૩૦૦થી પણ વધુ વૃક્ષોનું ટ્રીમિંગ કરાયુ છે.
–
કોઈપણ ફરિયાદનો એક કલાકની અંદર નિકાલ કરાશે
શહેરમાં મહા વાવાઝોડાની સંભવિત અસરને પગલે વેગીલા પવન સાથે ભારે વરસાદ વરસવાની આગાહીના પગલે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું, શહેરમાં ભારે વરસાદને પગલે વોટર લોગિંગનો પ્રશ્ન ઊભો ન થાય એ માટે તમામ અંડરપાસ અને ઝોનકક્ષાએ પણ સબમર્સિબલ પંપ કામે લગાવવામાં આવશે. ૫૦૦થી વધુ સબમર્સિબલ પંપ હાલના તબક્કે કાર્યરત્ કરાયા છે. જરૂર જણાશે તો વધુ પંપ પણ કાર્યરત્ કરાશે. આયોજન એવું છે કે, શહેરના કોઈપણ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે અથવા વૃક્ષ ધરાશાયી બનવાને કારણે લોકો અથવા વાહનચાલકોને ક્યાંય કોઈ મુશ્કેલી ન પડે. આવી કોઈપણ ફરિયાદ મળ્યા બાદ એક કલાકની અંદર તંત્ર દ્વારા તેનો નિકાલ કરાશે.
અમપા સંચાલિત હોસ્પિટલોમાં પણ વ્યવસ્થા કરાઈ
અમપા દ્વારા શહેરનાં તમામ 16 ફાયર સ્ટેશનમાં છ-છ સભ્યોની બે -બે ટીમો તહેનાત કરાઈ છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી અમપા સંચાલિત તમામ હોસ્પિટલને પણ ઊભી થનારી કોઈપણ પરિસ્થિતિમાં લોકોને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે જરૂરી સ્ટાફ-નર્સ, ડોક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ તમામને ફરજ પર હાજર રહેવા કડક તાકીદ કરાઈ છે. તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સને પણ પોતપોતાના ઝોનમાં મિનિટ ટુ મિનિટ સ્થિતિનું મોનિટરિંગ કરી મહા વાવાઝોડાની સંભવિત અસર સામે સ્ટાફ સાથે સંકલનમાં રહી કામગીરી કરવા આદેશ કરાયા છે.