‘મહા’ વાવાઝોડાની સંભાવનાના પગલે સૌરાષ્ટ્રમાં તંત્ર સતર્ક

રાજકોટ,તા:૦૬ મહા વાવાઝોડાનું સંકટ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં તોળાઈ રહ્યું છે, ત્યારે આ અંગે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 8 નવેમ્બર સુધી એટલે કે શુક્રવાર સુધી તટીય વિસ્તાર સાથે ટકરાવાની આગાહી કરવામાં આવી છે, જેના પગલે દ્વારકાના સમુદ્રકિનારે પર્યટકો અને સ્થાનિકોને જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત કેટલાક વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ અંગે કલેક્ટર દ્વારા દરિયાકિનારે જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેનું ઉલ્લંઘન કરનારા સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશરના કારણે સૌરાષ્ટ્રના દરિયામાં મહા નામનું વાવાઝોડું સર્જાયું છે, જે 8 નવેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદ સાથે વાવાઝોડું ટકરાઈ શકે છે. દ્વારકા પ્રાંત અધિકારીએ આ અંગે તાત્કાલિક મત્સ્યોદ્યોગ, ઓખા મરિન અને વિવિધ વિભાગની તાકીદની બેઠક બોલાવી હતી અને તમામ વિભાગને સતર્ક રહેવા સૂચના આપી દેવાઈ હતી.

મહા વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયું છે, અને તેના કારણે મહા નામના વાવાઝોડું સર્જાયું છે, જેના પગલે સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે. મહા વાવાઝોડાના કારણે સુરક્ષાને ધ્યાને રાખતાં ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ હાલ પૂરતી મેરિટાઈમ બોર્ડ દ્વારા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વાતાવરણ સામાન્ય ન બને ત્યાં સુધી બંધ જ રહેશે. ફેરી બોટ સર્વિસ બંધ કરાતાં બેટ દ્વારકા જતા પર્યટકો નિરાશ થઈ રહ્યા છે. મહા વાવાઝોડાની અસરના પગલે એનડીઆરએફની ટીમ પણ દ્વારકા ખાતે પહોંચી છે

આ ઉપરાંત અગમચેતીરૂપે દીવના વણાકબારાના નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે મુજબ બે સોસાયટીના લોકોને માધ્યમિક શાળામાં બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત જામનગર માર્કેટ યાર્ડમાં બુધવારખી તમામ પાકની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડા અને વરસાદની સ્થિતિને જોતાં ફરી પાકની આવક શરૂ કરવામાં આવશે.

મહા વાવાઝોડાના સંભવિત સંકટને પહોંચી વળવા માટે એનડીઆરએફની સાત ટીમ હવાઈમાર્કે જામનગર પહોંચી ચૂકી છે, જે ટીમ સિક્કા અને કલ્યાણપુર ખાતે પણ મોકલવામાં આવી છે, જ્યારે બાકીની ટીમ અન્ય જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત ફિશરીઝ વિભાગે મરિન પોલીસ અને કોસ્ટગાર્ડની મદદથી જાફરાબાદના દરિયામાં કહ્યા વિના ગયેલી માછીમારી બોટને પરત બોલાવી લીધી છે, જે મુજબ મંગળવારની સાંજ સુધીમાં 50 જેટલી બોટ પરત ફરી ચૂકી છે. બુધવારથી દરિયામાં કરંટ જોવા મળતાં સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર બે નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું હતું, ઉપરાંત ચાંચબંદર, ખેરા અને પટવા સહિતનાં 17 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર નજર રાખવા માટે અમરેલીમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.

વેરાવળ ખાતે પણ સ્થિતિને જોતાં એનડીઆરએફની બે ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. ગીરસોમનાથના કલેક્ટર આ અંગે તમામ વિભાગને સાબદા રહેવા માટે સૂચના આપી છે.

ભાવનગર જિલ્લામાં પણ વાવાઝોડાના પગલે ભારે વરસાદ અને દરિયામાં કરંટ રહેવાની આગાહી કરવામાં આવી છે, જે અંગે તમામ જવાબદાર અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. બીજી તરફ ઘોઘા, મહુવા, તળાજા અને ભાવનગર ગ્રામ્યના સાતથી આઠ ગામે એક અધિકારી અને ટુકડી બનાવવામાં આવી છે. આ અંગે રોડ અને બિલ્ડિંગ, પીજીવીસીએલ, ફોરેસ્ટ સહિતના વિભાગને સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે. ભાવનગરમાં 23 સભ્યોની એનડીઆરએફની એક ટીમને મદદ માટે મૂકવામાં આવી છે.