અમદાવાદ,તા:૧૫ ફોર્ડને હાલમાં ભારતમાં યોગ્ય બિઝનેસ મળતો ન હોવાથી કંપની પોતાનાં ઈન્ડિયા ઓપરેશન યુનિટ ઘટાડવાનો વિચાર કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે. આ અંગે ફોર્ડ કંપનીએ બે મહિના પહેલાં મહિન્દ્રા કંપનીની લીગલ ટીમને સાણંદ પ્લાન્ટના ડોક્યુમેન્ટ આપ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
ફોર્ડ કંપનીનાં આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની હાલમાં ગુજરાત યુનિટને વેચવાનો કોઈ વિચાર કરી રહી નથી, મહિન્દ્રાને આ અંગે માત્ર યુનિટ વાપરવા અંગે ફોર્ડ કંપની વાત કરી રહી છે, જે અંગે જૂન-જુલાઈમાં બંને કંપનીની લીગલ ટીમની મુલાકાત પણ થઈ હતી. બે દાયકાથી સતત ફોર્ડ બજારમાં ઉતરી હોવા છતાં પોતાની પકડ જમાવી શકી નથી, ઉપરાંત ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં આવેલી મંદીની અસર પણ કંપની પર પડી રહી હોવાનું જણાઈ રહ્યું છે. આ કારણોસર જ ફોર્ડ કંપનીએ પોતાના સાણંદના યુનિટને મહિન્દ્રાને વાપરવા આપવા અંગે વિચાર કર્યો હોવાનું જણાઈ રહ્યું છે.
બીજી તરફ ફોર્ડ અને મહિન્દ્રાએ મિડસાઈઝ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ ડેવલપ કરવા કરાર કર્યા હોવાનું જણાઈ રહ્યું છે, જેના માટેનું સ્ટ્રેટેજિક જોડાણ કરી એપ્રિલ 2019માં કરાર કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મિડસાઈઝ સ્પોર્ટ્સ યુનિલિટી વ્હીકલનું પ્રોડક્શન ક્યાં થશે તે અંગે બંને કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ આ યુનિટ સાણંદમાં જ ઊભું થાય તેવી પણ સંભાવના જોવાઈ રહી છે.
ફોર્ડની ગ્લોબલ મેનેજમેન્ટ ટીમે થોડા સમય પહેલાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી, જેને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે તે 2015માં સાણંદમાં ઊભા કરવામાં આવેલા આ પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 2.20 લાખ કારની છે, પરંતુ તેની સામે માત્ર 1.20 લાખ કારનું ઉત્પાદન જ થઈ રહ્યું છે, જેને જોતાં કંપનીમાં કામ કરતા ત્રણ હજારથી વધુ કર્મચારીઓને અસર થઈ શકે તેવી સંભાવના છે.