મહિલાઓની સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજી સજજ સો નિર્ભયા વાન તૈયાર કરાઈ

અમદાવાદ,તા.24

અમદાવાદ શહેર પોલીસ દ્વારા હવે મહિલાઓની સુરક્ષા માટે ૧૦૦ જેટલી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ નિર્ભયા વાન તૈયાર કરવામાં આવી રહી છે. આ નિર્ભયા વાન જાહેર રસ્તાઓ, કોલેજ, યુનિવર્સિટી, શાકમાર્કેટ અને અનેક જાહેર સ્થળો પર યુવતીઓની છેડતીઓની ઘટના સામે બાજ નજર રાખશે.

આધુનિક ટેકનોલોજી ધરાવતી નિર્ભયા વાન

નિર્ભયા પ્રોજેક્ટના મેમ્બર અને ઝોન-૫ના ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા માટે ૧૦૦ જેટલી નિર્ભયા વાન તૈયાર થઇ રહી છે. આ વાન અમદાવાદના અલગ-અલગ જગ્યાઓ પર મૂકવામાં આવશે. જો કોઇ રોમિયો તેમજ બીભત્સ હરકતોને કારણે શહેરની મહિલાઓને મુશ્કેલી પડતી હશે, ત્યાં ગણતરીની સેકેન્ડોમાં આ વાન એ મહિલાની સુરક્ષા માટે પહોંચી જશે. આ વાનમાં મહિલાઓની સાથે વાતચીત કરી શકે એવી પોલીસ અને કાઉન્સિલર્સ પણ મૂકવામાં આવશે. ડીસીપી અક્ષયરાજશ્રીએ જણાવ્યું કે, આ વાન ઓટોમોટિક નંબર પ્લેટ તથા કેમેરાથી સજ્જહશે. જેમાં કોઇપણ વ્યક્તિ મહિલાઓની છેડતી કે ચેઇનસ્નેચિંગ જેવી ઘટનાને અંજામ આપીને ફરાર થશે તો, એ ચાલકની નંબર પ્લેટના આધારે તેની તરત જ ઓળખ કરી લેવામાં આવશે. ડીસીપી અક્ષયરાજશ્રીએ વધુમાં જણાવ્યું કે, આ નિભર્યા વાન સી.સી.ટી.વી કેમેરાથી, આધુનિક ટેક્નોલોજી અને લાઇવ રેકોર્ડિંગની સુવિધાથી સજ્જ હશે. જેમાં મોબાઇલ ડેટા, લાઇવ રેકોર્ડિગ અને રેડલાઇટ વાયોલેશન ડિટેક્શન સિસ્ટમ પણ હશે. આ ઉપરાંત સી.સી.ટી.વી કેમેરાનું લાઇવ વિઝ્યુઅલ કંટ્રોલરૂમમાં જોઇ શકાશે.

નિર્ભયા વાન શરુઆતમાં પોલીસની ‘શી ટીમ’ ને ફાળવાશે

આ નિર્ભયા વાન શહેર પોલીસની ‘શી ટીમ’ને શરૂઆતમાં ફાળવવામાં આવશે.અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઇને મોટાભાગના પોલીસ સ્ટેશનમાં એક ‘શી ટીમ’ની રચના કરવામાં આવી છે. આ ‘શી ટીમ’ સ્કૂલ-કોલેજો, મોલ તથા મહિલાઓની ભીડ જ્યાં સૌથી વધુ જોવા મળતી હોય ત્યાં વોચ રાખતી હોય છે અને જો કોઇ રોમિયો મહિલાઓની છેડતી કરતો જોવા મળે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે. આ ‘શી ટીમ’માં એક મહિલા પી.એસ.આઇ. અને ચાર મહિલા તથા બે પુરુષ કોન્સ્ટેબલ હોય છે. આ ‘શી ટીમ’ મહિલાઓની સુરક્ષાને લઇને મળતી ફરિયાદો પર જ કામ કરે છે.