રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ. રાજુલબેન દેસાઈ 4 જૂન થી 9 જૂન દરમિયાન ગુજરાતની મુલાકાતે આવનાર છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર અને બનાસકાંઠાની મુલાકાત લેશે તથા અધિકારીઓને મળી મહિલાઓ સંબંધી ફરિયાદોની સ્થિતિ વિશે તાગ મેળવશે.
ડૉ. દેસાઈ 4 જૂનના રોજ અમદાવાદના મેયર, કલેક્ટર તથા ઓઢવ એસ.પી.ને મળી માહિતી પ્રાપ્ત કરશે. તેઓ 6 જૂનના રોજ રાજ્ય મહિલા આયોગ સાથે ગાંધીનગરમાં નારી અદાલતની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, પોલિસ મહાનિદેશક સાથે મુલાકાત કરી રાજ્યમાં મહિલાઓની સ્થિતિ વિશે ચર્ચા કરશે. તેઓ ગાંધીનગરના કલેક્ટર અને એસ.પી. સાથે મુલાકાત બાદ ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે બપોરે 2 કલાકે મીડિયાને સંબોધન કરશે.
રાષ્ટ્રીય મહિલા આયોગના ડૉ. રાજુલબેન દેસાઈ 7 જૂનના રોજ બનાસકાંઠા નારી અદાલતની મુલાકાત લેશે. તેઓ બનાસકાંઠા કલેક્ટર અને એસ.પી. સાથે બેઠક કરશે. તેઓ જિલ્લા તંત્ર દ્વારા આયોજિત મહિલા ચિંતન શિબિરમાં ભાગ લેશે અને આદિવાસી મહિલાઓ સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ તેઓ બનાસકાંઠાના પત્રકારોને પાલનપુર સરકીટ હાઉસ ખાતે બપોરે 1.30 કલાકે સંબોધન કરશે. તેઓ 9 જૂનના રોજ અમદાવાદ ખાતે સમાજના વિવિધ સભ્યો સાથે બેઠક યોજશે.
મહિલાઓને કામના સ્થળે થતી હેરાનગતિ અટકાવવા તેમજ મહિલાઓના મિલકત અધિકારોને વધુ મજબૂત બનાવવા, મહિલાઓને સર્વાંગી સુરક્ષા પુરી પાડવા ‘ધ સેક્સુયલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ એક્ટ- 2013 અને‘વુમેન્સ પ્રોપર્ટી રાઇટ્સ’ને વધુ મજબૂત બનાવાશે. રાજ્ય મહિલા આયોગની કાયદાકીય રીતે મદદ કરતી ‘નારી અદાલત’ વિશે વિગતો મેળવી હતી.
રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન લીલાબહેન અંકોલિયા છે.