મહિલા બૂટલેગરનો સરપંચ ઉપર ઘાતકી હુમલો

ઉના,તા.10 ઉનાના ભીંગરણ ગામની મહિલા બુટલેગરે પંચાયત કચેરીમાં આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો.

ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંકી પંચાયત પાસે બેઠા હતાં. આ દરમિયાન મહિલા બુટલેગર ત્યાં આવી પહોંચી હતી. મનફાવે તેવી અપશબ્દો બોલવા લાગતા સરપંચે તેમને આમ ન બોલવા કહ્યું હતું.  આથી મહિલા બુટલેગર સાથે આવેલી બીજી મહિલાઓએ સરપંચ પર હુમલો કર્યો હતો. જેમાં સરપંચને માથામાં પાછળનાં ભાગે પથ્થરનો ઘા વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. આ બનાવમાં સરપંચના જણાવ્યા મુજબ અગાઉ મહિલા બુટલેગરના ભાઇ સાથે પોતાને ગામમાં રસ્તા બાબતે બોલાચાલી થઇ હતી. તેમજ તાજેતરમાં પોતે એસપીને પોતાના વિસ્તારમાં દારૂ વેચાતો હોવા અંગેની રજુઆત કરી હતી. તેનુ વેર  રાખી મહિલાએ હુમલો કર્યો હતો.