મહેસાણાની યુવતિનું પૂર્વ પતિએ અપહરણ કરી પુન:લગ્ન કરી દુષ્કર્મ આચર્યું

મહેસાણા, તા.૧૧

7 વર્ષના લગ્નજીવનમાં ભંગાણ સર્જાતાં પિયરમાં રહેતી યુવતીનું પુત્રી બીમાર હોવાનું કહી પૂર્વ પતિએ અપહરણ કરી ઊંઝા કોર્ટમાં પુન:લગ્ન બાદ સિદ્ધપુરમાં ગોંધી રાખવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 20 દિવસ પૂર્વે મકાનની દીવાલ કૂદીને ભાગેલી યુવતીએ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં પતિ સહિત 17 વ્યક્તિઓ સામે અપહરણ, દુષ્કર્મ, ગોંધી રાખવા મામલે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાની યુવતીનાં લગ્ન વર્ષ 2012માં સિદ્ધપુરના સંજય લાખા દેસાઇ સાથે થયા હતા. લગ્નજીવનમાં ખટરાગ વચ્ચે તે 3 વર્ષથી પિયર રહેતી હતી અને સામાજિક રીતે છૂટાછેડા થયા હતા. જ્યારે 6 વર્ષની પુત્રીને સંજયે પોતાની પાસે રાખી હતી. ગત 27 જૂને કપડાં લેવા ઘરેથી નીકળેલી યુવતીને આંતરી સંજય દેસાઇએ પુત્રીની તબિયત ખરાબ છે તેને બચાવવી હોય તો સાથે ચાલ તેમ કહી ગાડીમાં અપહરણ કરી લઈ ગયો હતો. તે સમયે તેની સાથે અન્ય 3 ગાડીઓ પણ હતી.

યુવતીને ઊંઝા કોર્ટમાં લઇ જઇ સંજયે પુન:લગ્ન કરી વિસનગર મિત્રના ઘરે લઇ ગયો હતો અને કેટલાક દિવસો બાદ તેઓ સિદ્ધપુર રહેવા ગયા હતા. જ્યાં તેને પહેરામાં રાખવામાં આવતી હતી. આથી તે ગત 20મી ઓગસ્ટે ઘરની દીવાલ કૂદીને ભાગી અંગત વ્યક્તિના ઘરે રોકાઇ હતી, પરંતુ પતિ તેનું સરનામુ જાણશે તો મારી નાખશે તેવો ભય સતાવતો હતો. આ સંજોગોમાં યુવતીએ મંગળવારે બી ડિવિજન પોલીસ મથકમાં પતિ સંજય સહિત 17 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.