મહેસાણા,તા:૨
મહેસાણા ન.પા. દ્વારા તાજેતરમાં જ કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ માટે બહાર પાડેલા 7.81 કરોડના ટેન્ડરનો વિપક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપના 18 સભ્યોએ ચીફ ઓફિસર પાસે લેખિતમાં વિરોધ નોંધાવતાં જણાવ્યું કે, ટેન્ડરની વિવાદાસ્પદ જોગવાઈઓ અને ક્ષતિઓને દૂર કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કેસ નગરપાલિકાએ હાલમાં જ 80 TPD વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટના રિપેરિંગ અને નિભાવ માટે રૂ.7.81 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું, જેમાં વિપક્ષ ભાજપના 18 સભ્યોને ક્ષતિઓ જણાતાં તેને દૂર કરવા માગણી કરવામાં આવી છે. વિપક્ષ ભાજપના આક્ષેપ પ્રમાણે સત્તાધીશોએ તેમના મળતિયાઓને મળે તે હેતુ થી પ્રિક્વોલિફિકેશનના ધારાધોરણમાં ફેરફાર કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
વિપક્ષે આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું કે, 7 ક્ષતિઓના કારણે કામની ગુણવત્તા, વહીવટ અને પારદર્શિતા નહીં જળવાય અને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાઈ શકે. શહેર ભાજપ પ્રમુખ કૌશિક વ્યાસના જણાવ્યા પ્રમાણે ટેન્ડર માટે ન.પા.ના 44 પૈકી કોઈપણ સભ્યને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. અંગ્રેજીમાં લખાયેલી ટેન્ડરની કોપી ગુજરાતીમાં માગવા છતાં હજુ સુધી આપવામાં પણ નથી આવી.
કોર્પોરેટર રમેશ ભુરીએ ચીમકી આપતાં જણાવ્યું કે, ટેન્ડરમાં વીજળી ઉત્પન્ન કરવાની પણ જોગવાઈ છે, પરંતુ તેના માટે 1500 ટન કચરો હોવો આવશ્યક છે. જ્યારે મહેસાણામાંથી દૈનિક માત્ર 80 ટન કચરાનો જ નિકાલ થતો હોવાથી તે શક્ય નથી. આ ઉપરાંત કંપની પાલિકાને કેટલી રકમ આપશે તેની પણ કોઈ જોગવાઈ દર્શાવાઈ નથી. જો આ ક્ષતિઓ સાથે ટેન્ડરને ઈશ્યૂ કરવામાં આવશે તો આ મુદ્દાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે.
તો બીજી તરફ શાસક પક્ષના જણાવ્યા પ્રમાણે હજુ સુધી ટેન્ડર ખોલવામાં આવ્યાં નથી. વિપક્ષે કરેલી ક્ષતિઓને ધ્યાને લઈને અમે ટેન્ડર ઈશ્યૂ કરીશું.