મહેસાણા, તા.08
મહેસાણા જિલ્લામાં જમીન રીસર્વેમાં થયેલા ધાંધિયામાં અરજી કર્યાના લાંબા સમય સુધી સુધારો ન અટવાયેલા ખેડૂતો દૂર દૂરથી મહેસાણાની ડીઆઇએલઆર કચેરીએ આંટાફેરા લગાવતા હોય છે અને ક્યાં તબક્કે સુધારો પહોચ્યો તેની પૃચ્છા જાણવા સંબધિત અધીકારી ન મળે ત્યારે ફાંફે ચઢતા હોય છે.આવી સ્થિતિ ગુરુવારે બહુમાળી ભવનના બ્લોક 4માં ત્રીજા માળે આવેલ ડીઆઇએલઆર કચેરી બહાર જોવા મળી હતી.
જ્યાં બે વર્ષથી ધક્કાથી કંટાળેલા 75 વર્ષીય વયસ્ક આશા લગાવી સર્વેયરની રાહમાં બે કલાક સુધી બેસી રહ્યા હતા.ત્યાં જ સુઈ ગયા હતા.અધિકારીને ધ્યાને આવતા તાબડતોબ બહુચરાજીના કનોડાના 75વર્ષીય વૃદ્ધને ઓફિસમાં બોલાવી કહ્યુ અરજી છેલ્લા તબક્કે હોવાનું કહ્યું હતુ.જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર કચેરી આગળ પાથરણુ પાથરી ઘડીભર સૂતા જોવા મળેલ 75 વર્ષીય વૃદ્ધ રસીકલાલ જાનીએ કહ્યુ કે, બહુચરાજીના કનોડા ગામથી આવુ છું.રીસર્વૈ કર્યો એમાં અમારી 16 ગુંઠા જેટલી જમીન ઓછી થઇ. 48 ની 32 કેવી રીતે થાય. રીસર્વે કર્યો એમાં જમીન ઓછી આવી, અરજી કરી બે વર્ષથી બે-ચાર દહાડે અહિયા 42 પથગીયા ચઢીને આવીએ છીએ.
ભાડુ વગેરે ખર્ચ થાય છે.આજે 11.30 વાગ્યાનો આવ્યો છું.કચેરીમાં કોઇએ કહ્યુ કે, સાહેબ(સંબધિત સર્વેયર)બહાર ગયા છે હમણા આવશે. કંઇક નિરાકરણ આવશે તેની આશાએ બેઠો છું.જોકે ડીઆઇએલઆર કચેરીમાં મુખ્યઅધિકારી એચ.એસ.રબારી આ દરમ્યાન અન્ય ખેડૂત કેસોના નિકાલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.બહાર કોઇ બેસી રહ્યાની બાબત ધ્યાને લાવતા ત્વરિત તેમને અંદર બોલાવી કહ્યુ કે, જુની માપણીમાં કબ્જા ફેર માલુમ પડતા નવેસરથી માપણી કરાવી કામ પૂર્ણતાએ છે,જમીનની કેજેપીનોધના તબક્કે છે.જે સંબધિત સર્વેયર તાંબામાં કાગળ હોઇ આવ્યે બતાવી દેશે.જોકે વયસ્ક ફરી બહાર સર્વૈયરની રાહમાં બપોરે 2.30 સુધી કચેરી બહાર બેઠેલા જોવા મળ્યા હતા.