મહેસાણા, તા.૨૩
મારો પતિ બીજીના પ્રેમમાં પાગલ છે અને હાથમાં રહેલા દસ્તાવેજ મૂકેલી થેલી લઇને ભાગ્યો હોવાનું કહી મહિલા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં રડી પડી હતી અને પતિને શોધી કાઢવા જીદ કરી હતી. પરંતુ બનાવ એ ડિવિજનની હદનો હોઇ મહિલાને અત્રેની કચેરીએ મોકલવામાં આવી હતી.
મહેસાણાની મહિલાએ 5 વર્ષ અગાઉ સોની યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં અને બે વર્ષથી તે અમદાવાદ સ્થાયી થઇ હતી. છેલ્લા કેટલાક મહિનાથી ભોંયરાવાસમાં પતિ સાથે રહેતી મહિલાને તેના પતિને અન્ય પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં તેઓ વચ્ચે ઝઘડા શરૂ થયા હતા.
મંગળવારે મહિલા તેની માતા સાથે તોરણવાળી માતા ચોકમાંથી પસાર થઇ રહી હતી, તે સમયે અહીં અચાનક પહોંચેલો પતિ હાથમાં રહેલી આધારકાર્ડ, રાશનકાર્ડ સહિતના દસ્તાવેજી પુરાવા મૂકેલી થેલી ઝુંટવીને ભાગ્યો હતો. મહિલા આઝાદ ચોકમાં આવેલા તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી હતી, પરંતુ બનાવ એ ડિવિજન પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોઇ મહિલાએ અત્રે પહોંચી લેખિત ફરિયાદ આપી હતી.