મહેસાણા, તા.૨૨
રાજસ્થાનના જેસલમેરના વાઘેવાલા ગામથી ક્રુડ ઓઇલ ભરી સાંથલ સીટીએફ આવવા નીકળેલા 2 ટેન્કરોના ડ્રાઇવરોએ રસ્તામાં પાલી ખાતે બંને ટેન્કરોમાંથી કુલ 4 હજાર લિટર ક્રુડ ઓઇલ કાઢી રૂ.20 હજારમાં બારોબાર વેચી માર્યુ હતું. જોકે, સીલબંધ ટેન્કરનો વાલ્વ ખોલાયો ત્યારે તેમાંથી ઓઇલને બદલે પાણી નીકળતાં ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ઓએનજીસીએ સાંથલ પોલીસ સ્ટેશનમાં બંને ટેન્કર ચાલકો સામે ફરિયાદ નોંધાવી છે.
ઓએનજીસીના નોર્થ સાંથલ સીટીએફમાં 16 ઓકટોબરે રાત્રે 10.30 વાગે બે ટેન્કર જેસલમેરના વાઘેવાલા ગામના તેલકૂવા પરથી ઓઇલ ભરીને આવ્યા હતા. આ સમયે અત્રે લાઇટ બંધ હોઇ સીઆઇએસએફના એએસઆઇ જસંવતભાઇ પટેલે બંને ટેન્કરોના ડ્રાઇવરોને સવારે 6 વાગે ટેન્કરો ખાલી કરવા જણાવી ગેટની સામેના રોડ પર પાર્ક કરાવ્યા હતા. બીજા દિવસે સવારે ઓઇલ ખાલી કરતાં પહેલાં ટેન્કરોમાં ભરેલ ક્રુડ ઓઇલની માપણી કરતાં ઓઇલ બિલ મુજબ બરાબર જણાયું હતું. પરંતુ સીઆઇએસએફના જવાનને શંકા જતાં ટેન્કરોના નીચેના વાલ્વ ખોલાવતાં તેમાંથી ક્રુડ ઓઇલની જગ્યાએ પાણી નીકળતાં તે ચોંકી ગયા હતા. સાંથલ પોલીસ સ્ટેશનમાં ટેન્કર ડ્રાઇવર જસારામ બાલારામ જાટ (રહે.જેઠાણી, જિ.જોધપુર) અને જાટ રાધેશ્યામ ભોજારામ (રહે.સુબમંડલા, જિ.જોધપુર) સામે ફરિયાદ નોંધાવી છે.
ટેન્કરમાં પાણી ભરી સીલ માર્યુ, છતાં ભાંડો ન ફૂટ્યો
ટેન્કર ડ્રાઇવરોની પૂછપરછ કરતાં તેમણે વાઘેવાલા ગામે તેલકૂવામાંથી ઓઇલ ભરી સાંથલ ખાલી કરવા નીકળ્યા ત્યારે રસ્તામાં પાલી ખાતે સીટીસી હોટલે સીલ ખોલી તેમાંથી કુલ 4 હજાર લિટર ઓઇલ કાઢી રૂ.20 હજારમાં વેચી મારી તેટલું જ પાણી ભરી સીલ મારી દીધું હતું.