મહેસાણામાં સરકાર રચિત ટીપી કમિટીની બેઠક સામે હાઇકોર્ટનો સ્ટે

મહેસાણા, તા.૦૫
કોંગ્રેસ શાસિત મહેસાણા નગર પાલિકામાં આઠ મહિનાથી ટીપી કમિટીની બેઠક નહીં મળતાં સરકારે ભાજપના 6 કોર્પોરેટર અને ત્રણ અધિકારી મળી 9 સભ્યોની કમિટી રચી દીધી હતી અને મંગળવારે આ કમિટીની પ્રથમ બેઠક બોલાવાઇ હતી. જોકે, તેની સામે કોંગી સદસ્ય જયદિપસિંહ ડાભીએ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરતાં મંગળવારે મળવારી ટીપી બેઠક સામે સ્ટે આપી આગામી તા.13મીએ વધુ સુનાવણીનો આદેશ કરાયો છે. જેને લઇ કોંગ્રેસ ગેલમાં આવી છે, જ્યારે સરકાર માટે કમિટી રચનાનો નિર્ણય લપડાક સમાન બન્યો છે.

પાલિકામાં ગત ફેબ્રુઆરીમાં ટીપી કમિટીની બેઠક મળી હતી. ત્યાર પછી એકપણ બેઠક નહીં મળતાં મેન્યુઅલ બાંધકામ પરવાનગી માટેની 179 અરજી લટકી પડી છે. જેમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે સમયમર્યાદાનો નિયમ આગળ ધરી નવ સભ્યોની ટીપી કમિટી રચી દીધી હતી. આ કમિટીના ચેરમેન ભાજપના નગરસેવક જનક બ્રહ્મભટ્ટ દ્વારા મંગળવારે ટીપી બેઠક બોલાવી હતી.

જેને પગલે પાલિકામાં શાસક કોંગ્રેસ હરકતમાં આવી હતી અને શાસક પક્ષના નેતા જયદિપસિંહ ડાભીએ હાઇકોર્ટમાં ભાર્ગવ ડી.કારિયાની કોર્ટમાં આ કમિટી સામે પિટીશન કરી હતી. જેમાં કોર્ટે મંગળવારની બેઠક સામે સોમવારે સ્ટે આપીને આ મામલે વધુ સુનાવણી આગામી તા.13મીએ રાખી છે.

ચેરમેન ટીપી કમિટીજનક બ્રહ્મભટ્ટએ કહ્યું કે,ગત ફેબ્રુઆરીથી કમિટી અસ્તિત્વમાં નહોતી એટલે સરકારે કમિટી રચી હતી. પ્રજાને બાંધકામ ફાઇલોની નિકાલ થવાની આશા જાગી હતી. કોંગ્રેસ કોર્ટમાં પિટીશન કરી સ્ટે લાવ્યા છે. કોર્ટનો આદેશ શિરોમાન્ય છે. મંગળવારે કમિટી બેઠક રદ કરીએ છીએ. પરંતુ હવે કોંગ્રેસ ક્યારે કમિટી બનાવશે અને પ્રજાને કામો પૂરા થવામાં કેટલી રાહ જોવી પડશે તે કોંગ્રેસ જાણે.

આ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ કહ્યું કે, મનસ્વી રીતે કમિટીનું ગઠન કર્યું તેને લપડાક છે. નામદાર કોર્ટે સ્ટે આપ્યો છે. શાસકપક્ષના નેતા જયદિપસિંહ ડાભીએ કહ્યું કે, ખોટી રીતે કમિટી બનાવી છે, તેની સામે અમે હાઇકોર્ટમાં જતાં મંગળવારની બેઠક યોજવા સામે સ્ટેનો હુકમ કર્યો છે, 13મીએ વધુ સુનાવણી થશે.