મહેસાણા નગરપાલિકામાં સફાઈ કોન્ટ્રાક્ટ આપવાને લઇ વિવાદ વકર્યો છે અને તેના કારણે વિરોધ પક્ષની સાથે સફાઈ કર્મચારીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. નગરપાલિકાના હાલના સત્તાધીશોએ ખાનગી એજન્સીને ૨૫ વર્ષનો સફાઈ કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય કર્યો છે અને ૨૫ વર્ષ સુધી કરોડોનો કોન્ટ્રાક્ટમાં દર વર્ષે ભાવ વધારો પણ આપવાની જોગવાઈ કરાઈ છે. હાલમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને પુરતી રોજગારી આપવા માં આવતી નથી અને ખાનગી એજન્સીને કરોડોનો કોન્ટ્રાક્ટ આપવા તખ્તો તૈયાર કર્યો છે.
ઘર ના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો” જેવી મહેસાણા નગરપાલિકાની નીતિથી વિરોધ પક્ષ અને સફાઈ કર્મચારીઓએ બાંયો ચઢાવી છે. તો બીજી તરફ કોંગ્રેસના નગરસેવકોએ પણ ૨૫ વર્ષના સફાઈ કોન્ટ્રાકટ માટે લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે. જેના ભાગરૂપે કોંગ્રેસના નગરસેવક હિરેન મકવાણાને શહેર કોંગ્રેસ પ્રમુખે નોટીસ પણ ફટકારી છે, આમ પ્રથમ વર્ષે રૂપિયા ૮ કરોડથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ સફાઈ કોન્ટ્રાકટ આપવાનો નિર્ણય કરાયો છે. જોકે પ્રથમ વર્ષે રૂપિયા ૮ કરોડથી આપવામાં આવનાર ડોર ટુ ડોરનો સફાઈ કોન્ટ્રાક દર વર્ષે રૂપિયા ૪૦ લાખ વધારો કરી આપવાની શરતે આપવાનો નિર્ણય કરાયો છે. આથી પ્રથમ વર્ષે ૮ કરોડથી શરૂ થનારો સફાઈ કોન્ટ્રાક્ટ ૨૫મા વર્ષે રૂપિયા ૧૭.૬૦ કરોડ થાય છે, જેની ૨૫ વર્ષ ની કિંમત રૂપિયા ૩૨૦ કરોડ થાય છે. જેનો વિરોધ તમામ સ્તરે થઇ રહ્યો છે.
વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષના નગરસેવકોની સાથે સફાઈ કર્મચારીઓએ ૨૫ વર્ષના સફાઈ કોન્ટ્રાક્ટનો વિરોધ નોધાવ્યો છે, જેના પરિણામે કૌભાંડના ઈરાદે જ સફાઈ કોન્ટ્રાક્ટ આપવાનો તખતો ગોઠવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક તરફ સફાઈ કામદારો રોજગારી અને પૂરતાં વેતન માટે વાંરવાર વિરોધ નોંધાવી રહ્યા છે. તો બીજી તરફ સફાઈનું બારોબારીયું કરવાનો તખતો તૈયાર કરાયો છે. જોકે ૨૫ વર્ષનો સફાઈ કોન્ટ્રાક્ટ વિવાદમાં સાચું શું અને ખોટું શું હજુ સુધી પ્રકાશમાં આવ્યું નથી, પરંતુ ભારે વિરોધના પગલે આ સફાઈ કોન્ટ્રાક્ટ વિવાદમાં સપડાયો છે.