મહેસાણા, તા.૨૪
ઊંઝાની 5 વર્ષની બાળકીનું બુધવારે સવારે ડેન્ગ્યુના કારણે મોત થતાં જિલ્લા આરોગ્ય વિભાગ દોડતો થઇ ગયો હતો. જિલ્લામાં ડેન્ગ્યુના કારણે મોતનો આ પ્રથમ કેસ છે. જ્યારે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી રાજસ્થાનની મહિલાનું પણ ડેન્ગ્યુથી મોત થયું હતું.
ઊંઝાની મહેતાફળીમાં રહેતા પરિવારની 5 વર્ષિય આરવી પાર્થકુમાર આચાર્યને તાવની ફરિયાદ ઉઠતાં સ્થાનિક દવાખાનામાં સારવાર લીધી હતી. જોકે, તબિયત લથડતાં તેને મહેસાણાના ખાનગી દવાખાનામાં દાખલ કરાઇ હતી. જ્યાં તેને ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. મંગળવારે તેણીને અમદાવાદ સારવાર માટે રીફર કરાઇ હતી. જ્યાં બુધવારે વહેલી સવારે તેનું મોત થયું હતું. બીજી બાજુ, ડેન્ગ્યુથી બાળકનું મોત થતાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી અને સર્વેલન્સ કામગીરી હાથ ધરી હતી. ઊંઝા શહેરમાં ડેન્ગ્યુના 34 અને ગ્રામ્ય વિસ્તારમાં 17 કેસ નોંધાયા છે.
જિલ્લાની શાળાઓ, બસ સ્ટેન્ડ, ખાનગી અને સરકારી સંસ્થાઓ તેમજ બાંધકામ વાળી જગ્યાઓ મળી 886 સંસ્થાઓમાં જિલ્લા આરોગ્ય વિભાગે ચકાસણી કરતાં 51 જગ્યાએથી ડેન્ગ્યુના બ્રિડિંગ મળી આવ્યા હતા.
જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે કેટલાક વિસ્તારો અને સોસાયટીઓમાં ફોગિંગ કરતા અટકાવાતા હોવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે તેમણે 7631 ઘરોમાં તપાસ કરી હતી. જેમાં 4,80,606 પાત્રોની ચકાસણી કરતાં 3891 પાત્રોમાંથી મળી આવેલા પોરાનો નાશ કરાયો હતો.
મહેસાણા અને કડી શહેર તેમજ કડી ગ્રામ્ય વિસ્તાર ડેન્ગ્યુમાં ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો છે. અર્બન હેલ્થ ઓફિસરોની ટીમો બનાવી સર્વેલન્સ કામગીરી હાથ ધરાઇ છે. છેલ્લા દોઢ મહિનામાં મહેસાણામાં સરકારી દવાખાનામાં ડેન્ગ્યુના 162 અને પોઝિટિવ 46 કેસ નોંધાયા છે. જ્યારે કડીમાં 301 શંકાસ્પદ કેસો પૈકી 5 પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રિસ્કી એરિયા મહેસાણા, કડી શહેર અને રૂરલ હોઇ અહીં પ્રોજેકટ તૈયાર કરી સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે. ડૉ. વિનોદભાઇ પટેલ, જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી
રાજસ્થાનથી ડેન્ગ્યુની સારવાર માટે મહિલાને મહેસાણા ખાનગી હોસ્પિટલમાં લવાઇ હતી. જેનું બુધવારે મોત થયું હતું. જ્યારે ડીસાની ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેણીને ડેન્ગ્યુ હોવાનું નિદાન થતાં હાલ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.
ડેન્ગ્યુ તાવનું નિદાન બાદ સાવચેતીના પગલાં નીચે મુજબ છેઃ
– ડેન્ગ્યુ તાવના ઘણા લક્ષણો ચિકનગુનિયા, મલેરિયા, ટાઈફોઈડ લેપ્ટો સ્પાયરોસીસ જેવા હોવાથી ઘણી વખત ડેન્ગ્યુ તાવનો સ્પેશિયલ રિપોર્ટ કરાવાતો હોય છે. જેમાં એનએસઆઈ કરાવવામાં આવે છે.
– ડેન્ગ્યુ તાવની સારવાર દરમિયાન છાતીનો એક્સ રે અને પેટની સોનોગ્રાફી કરાવાતી હોય છે.
– જો તાવ આવ્યો હોય તો પેરાસિટામોલ જ વાપરવી. એસ્પિરિન, નીમેસુલાઇડ, બ્રુફેન, ડાયનાપાર જેવી દવા નુકસાનકારક સાબિત થઇ શકે છે. લીવરના પ્રોબ્લેમ અને ગંભીર પરિણામોથી મૃત્યુ પણ થઈ શકે.
– શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ ન રહે અને બીપી ઘટે તો બાટલા ચડાવીને તેનું બીપી જાળવવું જોઇએ.
– ઊલટી થવી, સ્નાયુ-સાંધાનો દુ:ખાવો થવો, શરીરે લાલ ચાઠા પડે છે.
– ડેન્ગ્યુ વાઈરસની ચાર જાત છે.જીવનમાં એક વખત ડેન્ગ્યુ 1થી તાવ આવે પછી ફરીથી ડેન્ગ્યુ 1થી તાવ આવતો નથી. પણ જો ડેન્ગ્યુ 1 સિવાયના ડેન્ગ્યુથી ફરી ઈન્ફેક્શન થાય તો આવું ઈન્ફેક્શન ગંભીર હોય છે.