મહેસાણા-બહુચરાજીને જોડતા રસ્તાઓ બેહાલ, ઠેર-ઠેર ગાબડાં

જિલ્લા મથક મહેસાણા અને તીર્થધામ બહુચરાજીને જોડતાં પાલાવાસણા ત્રણ રસ્તાથી કાલરીને જોડતા 32 કિલોમીટર રોડની હાલત એ હદે ખખડી ગઇ છે કે જો અહીંથી વાહનો લઇને પસાર થવા દરમિયાન થોડાક બેદરકાર રહે તો વાહનચાલક ખાડામાં પટકાઈ પડે. એમાંય પાલાવાસણાથી હેડુવા, સામેત્રાથી મીઠા, બલોલથી નદાસા-આસજોલ, અને ચડાસણાથી કાલરી વચ્ચે સંખ્યાબંધ ગાબડાં પડી ગયાં છે.

નદાસાથી આસજોલ વચ્ચે તો રોડનો મેકઅપ જ ઉતરી ગયો છે. કાંકરી છૂટી પડી ગઈ છે. જેના કારણે ટુ-વ્હીલર કે ફોર વ્હીલરનો ચાલક મોતના ખાડા ટાળવા સર્પાકાર વળાંક લઈને જીવનું જોખમ ખેડી રહ્યા છે. આ રૂટ પરના એસટી ચાલકોના મતે રોડ સારો હતો ત્યારે પાલાવાસણાથી કાલરીનું અંતર કાપતાં વધુમાં વધુ 40થી 45 મિનિટ લાગતી, જ્યારે આજે 50થી 55 મિનિટ થાય છે. રોડની સરફેશ તૂટી ગઈ છે, તો સાઇડો બેસી ગઈ છે. જેના કારણે વાહન હંકારવા દુષ્કર બની ગયા છે.

પાલાવાસણા પીકઅપ સ્ટેન્ડથી હેડુવા સુધીનો એક કિમીનો રસ્તો પસાર કરવામાં વાહનચાલકોને પરસેવો વળી જાય છે. આ રોડ ઉપર દર 10 ડગલે ખાડા પડી ગયા છે. પાલાવાસણા પીકઅપ સ્ટેન્ડ, કીડ્સ સ્કૂલ, ઓએનજીસી ફાયર સ્ટેશન, સીઅનેજી ગેસ પંપ અને હેડુવા બસ સ્ટેશન આગળ એક-એક વેંતના ખાડા છે. કપચી ઉખડીને વેરાઇ જતાં વાહન સ્લીપ ખાઇ જાય તેવી હાલત છે. એમાંયે સહેજ ઝડપથી ટુ-વ્હીલર હાંકવામાં કમરના મણકા ખસી જાય તેવી સ્થિતિ હોઇ વાહન ચાલકો સાવ ધીમી ગતિએ સાચવીને રોડ પસાર કરતા જોવા મળી રહ્યા હતા. આ એક કિમીના રોડ ઉપર નાનામોટા 100થી વધુ ખાડા છે.

અમદાવાદ હાઇવે પર ખારી નદી નજીક આવેલી પાણી પુરવઠાની ઓફિસથી પાલાવાસણા ચોકડી સુધીનો રોડ ધોવાઈ ગયો છે. રોડ પર નાની કપચીઓ બહાર આવી ગઈ છે. તો પુલના ઢાળમાં મોટાં ખાડા પડી ગયા છે, તો સાઇડનો રોડ બેસી ગયો છે. મહેસાણા-બહુચરાજી હાઇવે પર આવેલા મીઠા ગામના બસ સ્ટેન્ડ સામે જ આરસીસી રોડ સાવ ધોવાઇ ગયો છે. જેમાં એક મોટું ગાબડું પડ્યું છે, જેના સળિયા પણ બહાર આવી ગયા છે. રોડ પર પણ ખાડા પડી ગયા છે.
મહેસાણા-બહુચરાજી હાઇવે પર બલોલથી નદાસા અને આગળ આસજોલ સુધીના રોડ અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. રોડ પરથી કાંકરીઓ છૂટી પડી ગઇ છે. જેથી વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડે છે.

આ રસ્તાઓ તૂટવાના કારણો આ છે, ત્રણ વર્ષ અગાઉ રોડ બનતો હતો ત્યારે સાથે જ તૂટવા લાગ્યો હતો, છતાં કામની ગુણવત્તા અંગે તંત્રએ કોઈ ધ્યાન ન આપ્યું. બહુચરાજી વિસ્તારમાં 25થી વધુ કંપનીઓ છે. જેના માલસામાનની હેરફેરમાં લોડીંગ વાહનોને કારણે રોડને મોટું નુકસાન થયું છે. રોડ સપાટ બનાવેલો હોઇ રોડની સાઇડમાં પાણી ભરાઇ રહે છે, જેના કારણે રોડ ઝડપથી તૂટી જાય છે. વાહનો ખાડામાં પટકાતાં નુકસાન થાય. પલટી જવાનું કે સ્લીપ ખાવાનું જોખમ. ઇંધણનો વધુ વપરાશ અને સમય વધે.