કલોલ, તા.૨૬
કલોલથી ખોડિયાર સાબરમતી ટ્રેક પર ડબલ લાઇનનું કામ ચાલતું હોઇ 5 ટ્રેનો બંધ કરાઇ છે, જ્યારે અન્ય ટ્રેનો મોડી આવતી હોઇ મુસાફરોની હાલત દયનીય બની છે. ગુરુવારે રાત્રે બરેલી- ભુજ ટ્રેન અઢી કલાક મોડી આવતાં મુસાફરોએ હંગામો મચાવ્યો હતો. નોંધનીય છે કે, નેટ પર પણ ટ્રેનો સંબંધે કોઇ માહિતી મુકાતી ન હોવાના કારણે મુસાફરો અટવાયા હતા.
ટ્રેક સમારકામને લઇ જોધપુર-અમદાવાદ, અમદાવાદ -અજમેર, અમદાવાદ-જોધપુર, અમદાવાદ-પાટણ, આબુરોડ-અમદાવાદ અને બિહારથી અમદાવાદની જનસાધારણ એક્સપ્રેસ રદ કરાઇ છે. શુક્રવારે પરિવાર સાથે મહેસાણા રેલવે સ્ટેશન પર આબુરોડ જવા આવેલા મુસ્તાકભાઇએ કહ્યું કે, બે કલાકથી બેઠા છીએ, ટ્રેન મોડી છે, પરંતુ કેટલી મોડી છે તે જણાવવા કોઇ તૈયાર નથી. ભુજ જઇ રહેલા વિજયભાઇ ઓડે કહ્યું કે, ટ્રેન રાત્રે 10 વાગે આવવાની હતી, જે અઢી કલાક બાદ એટલે કે 12.20 કલાકે આવી હતી.
સ્ટેશન માસ્તર મીનાએ કહ્યું કે, ટ્રેકનું કામ ચાલતું હોઇ 5 ટ્રેન રદ કરાઇ છે, અમદાવાદથી આવતી અન્ય ટ્રેનો ગાંધીનગર થઇને આવતી હોઇ મોડી આવે છે. કામ બે દિવસમાં પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ટ્રેનો થઇ જશે.
ગુજરાતી
English




