ભિલોડા, તા.૧૦
ભિલોડાની માંકરોડામાં અવની સોસા.માં રહેતા અને એલઆઈસીમાંથી નિવૃત્ત ડેવલોપમેન્ટ ઓફિસરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી જાળી તોડી ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 4.50 લાખન મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જતાં નિવૃત કર્મચારીના માથે આભ તૂટી પડ્યું હતું. નિવૃત્ત જીવન શાંતિમય પસાર થાય તે માટે બચાવી રાખેલ પૂંજી લૂંટાઈ જતા ભારે ચકચાર મચી હતી.
માકરોડાની અવની સોસાયટીમાં રહેતાં ધીરુભાઈ સોમાભાઈ ખરાડી અને તેમની પત્ની મકાન બંધ કરી અમદાવાદ તેમની વહુ બીમાર હોવાથી ખબર-અંતર પૂછવા ગયા હતા. ચોરોએ આ તકનો લાભ ઉઠાવી ઘરની લોખંડની જાળી તોડી ઘરના દરવાજાના તાળા-નકુચા તોડી ઘરમાં તિજોરી, કબાટ અને ટેબલના ડ્રોઅરના લોક તોડી નાખી તેમાં રાખેલા 2 લાખથી વધુની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી અંદાજે 4.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા અમદાવાદ થી ઘરે પરત ફરેલા ધીરૂભાઇએ જાળીનાં લોક અને ઘરનો દરવાજો તૂટેલો જોતા ઘરમાં પ્રવેશતા તિજોરી અને કબાટ તૂટેલું હોવાની સાથે રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થયાનું જણાતાં ભિલોડા પોલીસને જાણ કરી હતી.