પ્રશાંત પંડીત
અમદાવાદ,તા:23
છેલ્લા એક દસકામાં શહેરના કહેવાતા વિકાસને આગળ કરી ઘણાં નામો મેળવી લેવાયા છે. મેગાસિટી, સ્માર્ટસિટી, હેરીટેજ સિટી વગેરે. પણ તેર મણનો તો સવાલ એ છે કે, શું ખરેખર આને વિકાસ કહેવાય? પાકા રસ્તાઓની સુવિધા એ જ વિકાસની વ્યાખ્યા કે પરિભાષા છે કે પછી શહેરમાં રહેતા લોકોને તંદુરસ્ત અને નિરોગી જીવન મળે એ. અહીં ચોંકાવનારી બાબત એ છે કે, છેલ્લા એક દાયકામાં દર હજારે જન્મદરમાં ૧.૯૧ ટકા ઘટાડો થયો છે. ચાલો વસ્તી વિસ્ફોટને રોકવાની બાબતને ધ્યાનમાં લઈ આને પ્લસ પોઈન્ટ ગણીએ તો પણ દર હજારે દસ વર્ષમાં બાળ મરણ અને માતાના મરણદરમાં વધારો થયો છે. એ શું સૂચવે છે એ સમાજમાં બેઠેલા નિતિવિદો, સમાજશાસ્ત્રીઓ,અને ખાસ કરીને રાજકારણીઓને ગંભીરતાથી વિચારવાનો સમય છે.
રાજકારણીઓ મોટી-મોટી વાતો કરવા પંકાયેલા છે. પરંતુ દીવા તળે અંધારું તેમને દેખાતું નથી. આપણે વાત કરીએ શહેરમાં વર્ષ ૨૦૦૮-૦૯ની તો આ વર્ષમાં દર હજાર જન્મનો દર ૧૯.૮૮ હતો. જે વર્ષ ૨૦૧૮-૧૯માં ઘટીને ૧૭.૯૭ ટકા થયો છે. એટલે કે દર હજારે જન્મદરમાં ૧.૯૧ ટકા ઘટાડો થયો છે. વર્ષ ૨૦૦૮-૦૯માં દર હજારે મરણનો દર ૬.૮૮ હતો. આ દર વર્ષ-૨૦૧૮-૧૯માં ૯.૦૬ થયો છે. એટલે કે દસ વર્ષમાં દર હજારે મરણનો દર ૨.૧૮ ટકા જેટલો વધ્યો છે. સવાલ એ છે, તમે દસ વર્ષમાં વિકાસ કર્યાની વાતો કરો છો તો આરોગ્ય ક્ષેત્રે વિકાસ થયો નથી કે શું જેને કારણે દર હજારે મરણના દરમાં ૨.૧૮ ટકાનો વધારો થયો?
વાત કરીએ પ્રસુતા સમયે માતાઓના થતાં મરણના દરની તો વર્ષ ૨૦૦૮-૦૯માં આ દર ૦.૬૮ હતો.વર્ષ-૨૦૧૮-૧૯માં આ દર વધીને ૦.૭૨ પર પહોંચ્યો છે. એટલે કે દસકામાં પ્રસુતા સમયે મરણ પામતી માતાઓના દરમાં ૦.૦૪ ટકાનો વધારો થયો છે. આ જ પ્રમાણે બાળ મરણના આંકડા ઉપર નજર કરીએ તો વર્ષ ૨૦૦૮-૦૯માં બાળ મરણનો દર હજારે ૨૨.૫૩ હતો. વર્ષ ૨૦૧૮-૧૯માં આ દર ૩૦.૮૪ પર પહોંચ્યો છે. આમ દસ વર્ષમાં પ્રસુતિ બાદ મરણ પામતા બાળ દરના પ્રમાણમાં ૮.૩૧ ટકાનો વધારો થવા પામ્યો છે.
સત્તાને સવાલ
૧. દસ વર્ષમાં સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) તંત્ર દ્વારા કાગળ ઉપર પ્રસુતા માતાઓ અને નવજાત શિશુઓ માટે અનેક યોજનાઓ કાર્યરત કરી છે. તો આ યોજનાઓ છતાં બાળ મરણ દર અને માતાઓના મરણદરમાં વધારો કયા કારણસર થયો?
૨. સરકાર અને અમપા દ્વારા દસ વર્ષમાં આરોગ્ય વિષયક યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે તો એનો લાભ છેવાડાના માનવી સુધી કેમ પહોંચી શકતો નથી?
૩. સરકાર અને મહાનગરપાલિકા તંત્ર એવા દાવાઓ કરે છે કે,એમના દ્વારા સંચાલિત હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો કે પછી અર્બન હેલ્થ સેન્ટરોમાં પૂરતો સ્ટાફ અને લેટેસ્ટ સાધનો ઉપલબ્ધ છે તો પછી આ દરમાં વધારો કઈ રીતે થઈ શકે?
૪. ચોંકાવનારી બાબત એ છે કે, આ આંકડા શહેર કે જેનુ વાર્ષિક બજેટ ૮,૦૦૦ કરોડથી પણ વધુ છે એના છે તો મહાનગર પાલિકાના ટ્વિટર પર બહોળી પ્રસિદ્ધિ લેવાયેલા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના ધ્યાનમાં કયા કારણોસર આ બાબતમાં ગંભીરતા નજરે પડતી નથી?
૫. અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક બિજલ રૂપેશભાઈ પટેલ મહિલા છે. છતાં મહિલાઓના મરણ દર અને બાળ મરણ દરમાં થઈ રહેલા વધારા મામલે તેઓ કાંઈ બોલવા તૈયાર નથી.
વર્ષ-૨૦૧૮ના નવેમ્બર કરતા વર્ષ-૨૦૧૯માં જન્મ દર ૦.૧૪ ટકા ઘટયો
વર્ષ 2018
મહિનો પુરૂષ મહિલા રેશીયો
જાન્યુઆરી ૪૫૨૫ ૪૧૮૨ ૯૨૪.૨૦
ફેબ્રુઆરી ૩૭૩૭ ૩૨૬૬ ૮૭૩.૯૬
માર્ચ ૩૪૫૧ ૩૦૫૨ ૮૮૪.૩૮
એપ્રિલ ૩૭૫૭ ૩૨૫૫ ૮૬૬.૩૮
મે ૪૩૨૬ ૩૫૭૨ ૮૨૫.૭૧
જૂન ૪૦૨૮ ૩૪૭૫ ૮૬૨.૭૧
જુલાઈ ૪૧૯૪ ૩૬૭૧ ૮૭૫.૩૦
ઓગસ્ટ ૫૩૯૩ ૪૭૯૬ ૮૮૯.૩૦
સપ્ટેમ્બર ૫૨૬૦ ૪૭૮૩ ૯૦૯.૩૨
ઓક્ટોબર ૫૫૩૯ ૪૮૯૯ ૮૮૪.૪૬
નવેમ્બર ૫૫૨૨ ૪૮૬૧ ૮૮૦.૩૦
વર્ષ 2019
મહિનો પુરૂષ મહિલા રેશીયો
જાન્યુઆરી ૪૬૫૧ ૪૨૫૩ ૯૧૪.૪૩
ફેબ્રુઆરી ૩૪૪૫ ૩૧૦૬ ૮૯૧.૨૫
માર્ચ ૩૬૪૫ ૩૧૮૨ ૮૭૨.૯૮
એપ્રિલ ૩૭૦૬ ૩૩૩૮ ૯૦૦.૭૦
મે ૪૩૨૪ ૩૮૧૩ ૮૮૧.૮૨
જૂન ૪૧૦૪ ૩૬૮૫ ૮૯૭.૯૦
જુલાઈ ૪૮૭૫ ૪૧૮૨ ૮૫૭.૮૫
ઓગસ્ટ ૫૩૬૦ ૪૭૯૨ ૮૯૪.૦૩
સપ્ટેમ્બર ૫૧૬૬ ૪૬૬૦ ૯૦૨.૦૫
ઓકટોબર ૫૨૬૪ ૪૮૦૯ ૯૧૩.૫૬
નવેમ્બર ૩૩૩૦ ૨૮૮૫ ૮૬૬.૩૭