માથામાં ગોળી મારી ત્રણ હત્યા કરનારો સાયકો સિરિયલ કિલર આઠ મહિને ઝડપાયો

અમદાવાદ, તા.15

ગાંધીનગર જિલ્લામાં સવા ત્રણ મહિનામાં ત્રણ લોકોની માથામાં ગોળી મારીને હત્યા કરનારા સાયકો કિલરની એન્ટી ટેરરિઝમ સ્કવૉડે ધરપકડ કરી ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને 31 કારતૂસ કબ્જે લીધા છે. હત્યાની ઘટનાઓ સામે આવતા શરૂ થયેલી પોલીસ તપાસમાં હત્યારો નંબર પ્લેટ વિનાના જુદાજુદા ટુ વ્હીલર વાપરતો હોવાની માહિતી તેમજ સીસીટીવી ફૂટેજ મળતા પોલીસે તે દિશામાં આઈપીડીઆર (ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેઈલ રેર્કોડ) તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી મૂળ રાજસ્થાનના મદન નાયકને દબોચી લીધો છે.

સતત ત્રણ વર્ષથી ગાંધીનગર કેનાલની આસપાસ એકાંતની પળો માણતા કપલ તેમજ એકલદોકલ વ્યક્તિને પિસ્તોલ બતાવી લૂંટી લેતા આરોપીએ આઠેક મહિના પહેલા ઉપરાછાપરી ત્રણ હત્યાઓ કરી નાંખી હતી. વર્ષ 2018ની 14 ઓક્ટોબર, 9 ડિસેમ્બર અને 26 જાન્યુઆરી 2019ના રોજ એટલે કે, સવા ત્રણ મહિનામાં એક જ પદ્ધતિથી માથામાં ગોળી મારીને ત્રણ મર્ડર કરવામાં આવતા ગાંધીનગર પોલીસ સહિતની એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. હત્યારો કોણ છે ક્યાંથી આવે છે તેની કોઈ જ માહિતી પોલીસ પાસે ન હતી. હત્યા સ્થળની આસપાસના વિસ્તાર તેમજ રૂટના સીસીટીવી ફૂટેજ તપાસતા કેટલાક ફૂટેજ હાથ લાગ્યા હતા. જેમાં આરોપી અને ટુ વ્હીલર સ્પષ્ટપણે દેખાતું જોવા મળ્યું હતું.

એટીએસના ડીવાયએસપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું છે કે, મહિનાઓની મહેનત બાદ એટીએસની ટીમને કેટલીક ઠોસ માહિતી અને પૂરાવા મળતા હત્યારાને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટ્રેક કરીને સરખેજ વિસ્તારમાંથી ઝડપી લેવાયો છે. મદન ઉર્ફે વિશાલ ઉર્ફે મુકેશ ઉર્ફે મોનીસ ભવનલાલ નાયક-માલી (ઉ.36 મૂળ ગામ કેલવાડ, તા. સોજત, જિ. પાલી રાજસ્થાન)ને પકડી પાડી હત્યા કરવામાં વાપરેલી પિસ્તોલ અને 31 જીવતા કારતૂસ કબ્જે કર્યા છે. હત્યા કેસોની તપાસ સીઆઈડી ક્રાઈમ કરતી હોવાથી તેમને આરોપી સોંપી દેવામાં આવશે.

લૂંટ ચલાવવા રેલવે કોલોનીમાંથી પિસ્તોલ-કારતૂસ ચોર્યા

રાજસ્થાનમાં રહેતા અને રેલવેમાં નોકરી કરતા પિતાએ બીજા લગ્ન કરતા મદન નાયક વર્ષ 1995માં ઘર છોડી અમદાવાદ આવી ગયો હતો. છૂટક કામ કરતા મદને વર્ષ 1999માં પ્રથમ સાયકલ ચોરીનો ગુનો કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2007માં લૂંટ કેસમાં નરોડા પોલીસે પકડતા તેણે દોઢેક વર્ષનો જેલવાસ ભોગવ્યો હતો. લગ્ન કર્યા બાદ પેડલ રિક્ષામાં અમદાવાદ-ગાંધીનગરમાં નાસ્તાની ફેરી કરતા મદન નાયકે લૂંટ ચલાવી આસાન રસ્તે રૂપિયા કમાવવાનું નક્કી કર્યું અને વર્ષ 2016માં રેલવેના એક કર્મચારીની રેકી કરી તેના ઘરમાંથી પિસ્તોલ-કારતૂસ સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી.

ગાંધીનગર પોલીસના પાપે ઉપરાછાપરી હત્યા થઈ

પોલીસના હાથે ઝડપાયેલા મદન ઉર્ફે મોનીસ નાયકે વર્ષ 2016થી ગાંધીનગર જિલ્લામાં કેનાલ આસપાસના વિસ્તારોમાં અનેકને પિસ્તોલ બતાવી લૂંટી લીધા હોવાનો એકરાર કર્યો છે. આરોપીને ખૂદને યાદ નથી કે તેણે કેટલા ગુનાને અંજામ આપ્યો છે. જો કે, ગાંધીનગર પોલીસના ચોપડે એકપણ ગુનો નોંધવામાં આવ્યો નથી. ગાંધીનગર પોલીસે પિસ્તોલ બતાવી લૂંટ ચલાવતા આરોપી સામે ગુનો નોંધી તેને પકડવાનો તેમજ અટકાવવાનો પ્રયાસ કર્યો હોત તો ત્રણ-ત્રણ નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. ગુનાખોરી કાબૂમાં હોવાનું દર્શાવવા ગાંધીનગર જિલ્લા પોલીસ લૂંટની ફરિયાદો નોંધવાનું પોલીસ ટાળતી હતી એટલે કે, પોલીસની ભાષામાં બર્કીંગ કરતી હતી.

એકાંતની પળો માણતા યુગલને તેમજ દાગીના પહેરેલા એકલદોકલને મદન ટાર્ગેટ બનાવતો હતો. ગાંધીનગર જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2016થી ફેબ્રુઆરી-2019 સુધી પિસ્તોલ બતાવીને લૂંટી ચલાવવાના સંખ્યાબંધ ગુનાઓ બન્યા હતા. જો કે, આસાનીથી રોકડ, દાગીના તેમજ મોબાઈલ ફોન આપી દેતા લોકોને મદન નાયક મારતો ન હતો. એટીએસ સમક્ષ કરેલી કબૂલાતમાં મદને કહ્યું છે કે, જ્યારે રૂપિયાની જરૂર પડતી ત્યારે તે ચોરીનું ટુ વ્હીલર લઈને લૂંટ કરવા નિકળી જતો હતો. લૂંટના ગુનાઓ નહીં નોંધાવાના કારણે આરોપીને મોકળુ મેદાન મળ્યું હતું.

પ્રતિકાર કરનારા ત્રણેય લોકોએ જીવ ગુમાવ્યો

પિસ્તોલ બતાવી લૂંટ ચલાવતા મદન નાયકનો પ્રતિકાર કરનારા લોકોને તે માથામાં ગોળી મારી દેતો હતો. ગત 14 ઓક્ટોબરના રોજ દંતાલી ગામના રેલવે ટ્રેક પાછળ ભેંસો ચરાવતા જયરામ મફતભાઈ રબારીને માથામાં ગોળી મારી 70 હજારની સોનાની વાળીઓ લૂંટી લેતા અડાલજ પોલીસે ગુનો નોંધ્યો હતો. 9 ડિસેમ્બરના રોજ પ્રેક્ષા ભારતી નજીક આવેલા પ્લોટમાં કેશવલાલ પટેલ (રહે. કોબા)ને માથામાં ગોળી મારી લૂંટ ચલાવતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે 26 જાન્યુઆરીના રોજ શેરથા ગામના જુઠ્ઠાજી ઠાકોરને શેરથા-ટીંટોડા રોડ પર આવેલી વાડીમાં માથામાં ગોળી મારી પોણા ત્રણ લાખના દાગીના લૂંટી લીધાની ફરિયાદ અડાલજ પોલીસે નોંધી હતી. ત્રણેય કિસ્સાઓમાં પ્રતિકાર થવાથી આરોપીએ માથામાં પાછળના ભાગે ગોળી મારી હતી. હત્યારાને ત્રણેય લૂંટમાં વેચેલા મુદ્દામાલથી 22 હજાર, 15 હજાર અને દોઢ લાખ રૂપિયા મળ્યા હોવાની કબૂલાત કરી છે.

યુ ટ્યુબ પર વિડીયો જોઈ આરોપીએ ફાયરીંગની પ્રેકટીસ કરી

સાબરમતી પોલીસ સ્ટેશન હદમાં રહેતા રેલવે કર્મચારીના ઘરમાંથી પિસ્તોલ અને પચાસેક જેટલા કારતૂસ ચોરી કર્યા બાદ મદને ફાયરીંગની પ્રેકટીસ કરી હતી. પિસ્તોલ કેવી રીતે ચલાવવી તેના માટે ધોરણ 3 સુધી અભ્યાસ કરનારા આરોપીએ યુ ટયૂબ પર વિડીયો જોયા હતા અને કેનાલ વિસ્તારમાં ફાયરીંગનો અભ્યાસ કર્યો હતો. ટીવીમાં ક્રાઈમ સિરીઝ જોઈને ગુનો કરતી વખતે અને તે પછી શું ધ્યાન રાખવું તે શીખ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી કારતૂસનું ખાલી ખોખું શોધીને સાથે લઈ જતો હતો.

આરોપી ઝડપાતા બીજી મિનિટે તમામ ગુના કબૂલી લીધા

સિરિયલ કિલરને પકડવા ગયેલી ટીમે હત્યારો મળી જતા એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લને ફોનથી જાણ કરી હતી. હત્યારો મળી ગયાની જાણ કર્યાની બીજી મિનિટ અધિકારીએ ફોન કરીને હિમાંશુ શુક્લને જણાવ્યું હતું કે, આરોપીએ તેના તમામ ગુનાઓ કબૂલી લીધા છે. પોલીસને હાથ લાગેલા આરોપીએ ઘર છોડ્યું ત્યારથી લઈને છેલ્લે કરેલા લૂંટના ગુના સુધીની તમામ હકિકતો ગણતરીની મિનિટોમાં પોપટની જેમ બોલી ગયો હતો.

સીઆઈડી ક્રાઈમ ત્રણેય હત્યા કેસની તપાસ કરશે

ગાંધીનગર જિલ્લામાં થયેલી સિલસિલાબંધ હત્યા-લૂંટ કેસની તપાસ બે મહિના પહેલા સીઆઈડી ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. માથામાં પાછળના ભાગે ગોળી મારીને હત્યા કરનારા કિલરનો આજે સાંજે સીઆઈડ ક્રાઈમ બ્રાંચે એટીએસ પાસેથી કબ્જો મેળવ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે. હત્યારાએ વર્ષ 2016થી લઈને અત્યારસુધીમાં લૂંટ-હત્યા સહિતના કેટલા ગુના આચર્યા છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે.

પચાસ રૂપિયાનો સિક્કો આપતા આરોપી હોવાનો સિક્કો વાગ્યો

ઉપરાછાપરી થયેલી ત્રણ હત્યા બાદ ત્રિમંદિર સામે આવેલા ટી-સ્ટોલ પરથી મળેલા સીસીટીવી ફૂટેજમાં આરોપી ચા પીતો જોવા મળ્યો હતો. ચા પીતો શખ્સ જ હત્યારો હોવાની શંકા ત્યારે દ્રઢ બની જ્યારે ચાવાળાને આરોપીએ હજારો રૂપિયાની કિમતનો 50 રૂપિયાનો સિક્કો માત્ર મામૂલી સિક્કો સમજીને આપ્યો હતો. જેથી નક્કી ગઈ ગયું હતું કે, આરોપીએ આ સિક્કો ગુનો આચરીને મેળવ્યો છે. વર્ષ 1999માં રિઝર્વ બેંકે છત્રપતિ શિવાજીના 50 રૂપિયાના કલેકશન કોઈન જારી કર્યા હતા. જે કોઈનની કિંમત તે વખતે 13 હજાર રૂપિયા હતી. હત્યારાએ ચાવાળાને 50 રૂપિયાનો સિક્કો આપી તેની પાસેથી 40 રૂપિયા છુટ્ટા મેળવ્યા હતા.

ત્રણ-ત્રણ હત્યા બાદ પણ લૂંટના ગુના ચાલુ રાખ્યા

માથામાં ગોળી મારીને લૂંટ માટે કરાયેલી હત્યાનો અપરાધી રૂપિયા ખૂટી જાય એટલે ફરી પાછો પિસ્તોલ લઈને નિકળી જતો હતો. ગત 26 જાન્યુઆરીના રોજ થયેલી હત્યા-લૂંટની ઘટના બાદ આરોપીના સીસીટીવી ફૂટેજ જાહેર થઈ ગયા હોવા છતાં આરોપી ટુ વ્હીલર લઈને 7મી ફેબ્રુઆરીના રોજ દંતાલી નવનીત પ્રેસ પાસેથી નિકળતા સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો. જેકેટ બદલીને નિકળેલા હત્યારાને જરા સરખો પણ ખૌફ ન હતો. ઈનામની જાહેરાત સાથેના આરોપીના ફોટા તમામ પેટ્રોલ પંપ પર લગાવવામાં આવતા હત્યારો મદન ડરી ગયો હતો અને તેણે પોતાનો લૂક બદલી નાંખી વિસત વિસ્તારમાંથી ઘર ખાલી કરી સરખેજ તરફ રહેવા આવી ગયો હતો.