માનવ અધિકાર આયોગને વર્ષમાં પોલીસ સામે 5000 ફરિયાદો 

જાહેર જનતા પોતાની કોઈપણ પ્રકારની તકલીફમાં પોલીસને સૌપ્રથમ યાદ કરે એ સ્વાભાવિક છે, પરંતુ તકલીફ જો પોલીસથી જ હોય તો સામાન્ય માણસ કોની પાસે જાય એ ગંભીર પ્રશ્ન છે. આવા સમયે સામાન્ય નાગરિક  કોર્ટ અથવા માનવ અધિકાર આયોગનું શરણું લેતા હોય છે.

પૂર્વ આઇપીએસ ઓફિસર સંજીવ ભટ્ટને કસ્ટોડિયલ ડેથના મામલે કોર્ટે આજીવન કેદની સજા આપતા પોલીસબેડા માં સોપો પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં કસ્ટોડિયલ ડેથની પણ કુલ ૫૭ ફરિયાદો થઈ છે. જેમાં અમદાવાદ સૌથી મોખરે હોવાનું આયોગના સૂત્રો જણાવે છે. થોડા દિવસો પહેલાં જ સુરતમાં પોલીસે શકના આધારે પકડેલા શખ્સને માર માર્યો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેમાં પણ કસ્ટોડિયલ ડેથનો ગુનો નોંધાયો છે.

આમ સામાન્ય નાગરિકોને જ્યારે પણ અસામાજિક તત્વો કે ગુંડાતત્વોથી તકલીફ હોય ત્યારે પોલીસ પાસે જતી જનતા હવે પોલીસથી જ ગભરાય છે.

રાજ્ય માનવ અધિકાર આયોગથી પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ૫ વર્ષમાં આયોગને જુદી જુદી કુલ ૧૬૬૪૧ ફરિયાદો મળી છે.

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને બાળકોને લગતી, મહિલાઓ વિશે, આરોગ્યવિષયક, જેલતંત્ર, ન્યાયતંત્ર સંબંધિત, ગુંડા-માફિયા વિરુદ્ધ, મજૂર વિશે, પોલીસ વિરુદ્ધ, ધાર્મિક, પ્રદુષણ સંબંધિત ફરિયાદ સમયાંતરે મળે છે.

આશ્ચર્યજનક વાત એ છે કે આમાં ગુંડાતત્વો કરતાં સૌથી વધુ ફરિયાદો પોલીસ સામે થઈ છે. બીજા નંબરે ગુંડાતત્વો, ત્રીજા ક્રમે સેવાકિય બાબતો, ચોથા ક્રમે મહિલાઓ સંબંધિત અને પાંચમા ક્રમે લઘુમતી તેમજ અનુસૂચિત જાતિ, અનુ. જનજાતિ વિશેની ફરિયાદો મહત્તમ છે.

ગાંધીનગર ખાતે આયોગમાં કાર્યરત એક ઉચ્ચ અધિકારી નામ નહિ આપવાની શરતે જણાવે છે કે ‘અમને આયોગ માં કોઈપણ ફરીયાદ મળે તો અમે તેના ઉપર તુરંત કાર્યવાહી કરીએ છીએ. અમારો પ્રયત્ન હંમેશા ફરિયાદ ને ન્યાય અપાવવાનો હોય છે.’

તેઓ ઉમેરે છે કે વર્ષ ૨૦૧૩-૧૪ થી અત્યાર સુધીમાં અમને જુદી જુદી કુલ ૧૬૬૪૧ જેટલી ફરિયાદ મળી છે. અમને ફરિયાદ મળ્યા બાદ અમે તેનો વિગતવાર રિપોર્ટ મંગાવીએ છીએ. છેલ્લા પાંચ વર્ષમાં અમને  પોલીસ વિરુદ્ધ સૌથી વધુ  ૫૨૭૯ જેટલી ફરિયાદો મળી છે. જ્યારે ગુંડાતત્વોની વિરુદ્ધ માં ૨૨૮૧ ફરિયાદ, ત્રીજા ક્રમે સેવાકીય બાબતોની ૧૧૩૫, ચોથા ક્રમે  મહિલાને લગતી ૧૦૯૪ ફરિયાદ અને પાંચમા ક્રમે લઘુમતી અને અનુ. જાતિ અને જનજાતિ બાબતે ૩૨૦ જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ છે. તદુપરાંત બાળકો, આરોગ્ય, જેલ, મજુર વિગેરે કુલ મળીને ફરિયાદ મળી છે.

તો છેલ્લા એક જ વર્ષ માં કસ્ટોડિયલ ડેથની કુલ ૫૭ ફરિયાદોમાં જૈલ કસ્ટડીમાં ૪૬ અને પોલીસ કસ્ટડી ૧૧ જેટલી વ્યક્તિ નું મોત થયું છે. જેમાં  રાજ્યભરમાં  અમદાવાદમાં ગત વર્ષે સૌથી વધુ કુલ ૧૪ વ્યક્તિ નું કસ્ટોડિયલ ડેથ થઈ છે. આ બાબત  લોકો પોલીસ પ્રત્યેનો અવિશ્વાસ સૂચવી જાય છે જે ખૂબ ગંભીર બાબત છે.

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગને વર્ષ ૨૦૧૩-૧૪ થી ૨૦૧૭-૧૮ સુંધીમાં મળેલી ફરિયાદ ની માહિતી.

(ટોપ-ટેન)

પોલીસ ૫૨૭૯
ગુંડાતત્વો ૨૨૮૧
સેવાકિય બાબત ૧૧૩૫
મહિલાઓને લગતા ૧૦૯૪
લઘુમતી, અનુ.જાતિ, જનજાતિ ૩૨૦
જેલ. ૧૩૨
આરોગ્ય. ૧૨૨
મજૂરને લગતી ૧૦૯
પ્રદુષણ/પર્યાવરણ. ૯૮
ન્યાયતંત્ર ૫૨