અમદાવાદ, તા.04
ખોખરા સર્કલ પાસે આવેલા પરિષ્કાર-રના ઈ-બ્લોકના 13માં માળેથી એક પરિણીતાએ ઝંપલાવતા નીચેથી પસાર થતા વૃદ્ધ પર પડતા બંનેનું ફંગોળાઈને જમીન પર પટકાવાથી સ્થળ પર જ મોત નિપજ્યું છે. આપઘાત કરવા છલાંગ લગાવનારી મહિલા નિવૃત્ત સ્કુલ કલાર્કના મોત માટે જવાબદાર બની છે. અમરાઈવાડી પોલીસે આ ઘટનાના પગલે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે.
અમરાઈવાડીના સત્યનારાયણ બુતડાના પુત્રી મમતા (ઉ.30) સાથે હંસરાજ લીલાધર રાઠી (રહે. દર્શન રેસીડેન્સી, પુના, સુરત)ના વર્ષ 2011માં લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન મમતાબહેને બે પુત્રોને જન્મ આપ્યો હતો. સુરત સહારા દરવાજા ખાતે કાપડની દુકાન ચલાવતા હંસરાજ રાઠીના પત્ની મમતાબહેન છેલ્લા એક પખવાડીયાથી સૂતા ન હતા અને કાંઈ પણ બબડ્યા કરતા હતા. માનસિક અસ્વસ્થ મમતાબહેનની સુરત ખાતે સારવાર કરાવી હતી. ગત બુધવારે હંસરાજભાઈ મમતાબહેન અને તેમના બે સંતાનો સાથે ખોખરા સર્કલ પરિષ્કાર-રના ઈ-બ્લોકમાં 1303 નંબરના ફલેટમાં રહેતા સાળા રાજેન્દ્રપ્રસાદના ઘરે આવ્યા હતા અને નજીકમાં જ પત્નીની સારવાર શરૂ કરાવી હતી. આજે સવારે હંસરાજભાઈ રૂમમાં સૂતા હતા અને તેમના સાળા તેમજ સાળાના પત્ની જાગતા હતા તે સમયે મમતાબહેન પોણા આઠેક વાગ્યાના સુમારે ઘરની બહાર નિકળી ગયા હતા. મમતાબહેન ઘરમાંથી બહાર નિકળી ગયા હોવાનું જાણતા બહાર દોડી આવેલા પતિ હંસરાજને પત્નીનો મૃતદેહ ભોંયતળીયે પડેલો જોવા મળ્યો હતો. પત્ની મમતા ઉપરાંત અન્ય ઈ-બ્લોકમાં ફલેટ નંબર 204 ખાતે રહેતા બાલુભાઈ દિવાનજી ગામીત (ઉ.69)નો મૃતદેહ પણ ભોંયતળીયે લિફટ પેસેજમાં લોહીલુહાણ હાલતમાં પડેલો હતો.
જુવાનજોધ પુત્રના મૃત્યુ બાદ બાલુભાઈ પુત્રીના ઘરે રહેતા હતા
બાલુભાઈ ગામીત રાજપુરમાં આવેલી સેન્ટ જોસેફ સ્કુલમાં અગાઉ કલાર્ક તરીકે નોકરી કરતા હતા અને ગોમતીપુરમાં પરમાનંદની ચાલીમાં પુત્ર, પત્ની અને પુત્રીઓ સાથે રહેતા હતા. નવેક વર્ષ પહેલા બાલુભાઈનો જુવાનજોધ પુત્ર મનિષ (ઉ.23) બિમારીના કારણે મુત્યુ પામ્યો હતો. તેમની બંને પુત્રી સંગીતા અને સ્વાતિના લગ્ન થઈ ગયા છે. ખોખરા પરિષ્કાર-2માં રહેતી પુત્રી સ્વાતિ પિતા બાલુભાઈ અને માતા લલિતાબહેનને છેલ્લા કેટલાક વર્ષથી પોતાની સાથે રહેવા માટે લઈ આવી હતી.
નિત્યક્રમ મુજબ વૃદ્ધ લટાર મારવા નિકળ્યા હતા
મૃતક બાલુભાઈના પુત્રી સ્વાતિબહેને જણાવ્યું હતું કે, તેમના નિવૃત્ત પિતા દરરોજ સવારે સાડા સાતેક વાગે પિતરાઈ મનિષની સાથે ફલેટમાંથી નીચે લટાર મારવા નિકળતા અને રવિવારે ચર્ચમાં જતા હતા. સ્વાતિબહેનના ફોઈનો દિકરો મનિષ તેમના પરિવાર સાથે રહે છે અને નજીકમાં આવેલી એક કાર કંપનીમાં નોકરી કરે છે. મનિષભાઈ નોકરીએ જવા માટે ઘરેથી પગપાળા નિકળે ત્યારે બાલુભાઈ પણ તેની સાથે નીચે ઉતરતા અને વીસેક મિનિટ સુધી લટાર મારીને ઘરે પરત ફરતા હતા.
સિક્યુરિટી ગાર્ડ હાંફળો ફાંફળો થઈને દોડ્યો
પરિષ્કાર-2ના ઈ-બ્લોક પાસે સવારે 7.50 કલાકે ધડામ અવાજ આવતા નોકરીએથી ઘરે જવાની તૈયારી કરતા સિક્યુરિટી ગાર્ડ પ્રકાશભાઈ હાંફળા ફાંફળા થઈને સિક્યુરિટી કેબિન ખાતે દોડી ગયા હતા. સિક્યુરિટી ઈન્ચાર્જ રણવીરસિંઘ તેમજ ત્યાં હાજર અન્ય સિક્યુરિટી ગાર્ડને ઘટનાની જાણ કરી હતી. મહિલા અને વૃદ્ધને લોહીલુહાણ હાલતમાં પડેલા જોઈને 108 અને પોલીસ તેમજ સોસાયટીના કમિટી મેમ્બર્સને ઘટનાની જાણ કરવામાં આવી હતી.