પોરબંદર લોકસભાની બેઠક પરથી ભાજપ દ્વારા રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવતા રાદડિયાને ટિકિટ આપવાની માંગણી સાથે વિરોધ થઈ રહ્યો છે. રૂપાણી સરકારના પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર લોકસભાની બેઠક એ વિઠ્ઠલ રાદડિયા અને ભાજપનો ગઢ રહ્યો છે. વિઠ્ઠલ રાદડિયાનો એક બેઝ હતો તેને લઇ હું આગામી દિવસોમાં પોરબંદરમાં કામે લાગવાનો છું. પાર્ટીનો આદેશ છે એ મને માન્ય છે. પાર્ટીએ મારી નાની ઉંમરે મને કલ્પનાથી પણ વધારે સન્માન આપ્યું છે, એ મારા માટે મહત્ત્વનું છે. એટલે હું આગામી દિવસોમાં પોરબંદર બેઠક પરથી કામ કરવાનો છું. રમેશ ધડુક સાથે અમારે વર્ષોથી પારિવારિક સંબંધ છે. રમેશ ધડુકની જીત એ મારા પરિવારની મારી અને અમારા સમર્થકોની જીત ગણાશે. 2017ની વિધાનસભાની ચૂંટણી સમયે વિઠ્ઠલ રાદડિયા બીમાર હતા. ત્યારે મારા પરિવારની કામગીરી અને લોકચાહનાના કારણે પાર્ટીએ મને ટિકિટ આપી હતી. મેં લોકસભાને લઇને પરિવાર માટે ટિકિટની માંગણી કરી હતી. પરંતુ ત્યારે પણ મેં પક્ષને કહ્યું હતું કે, પરિવાર માટે મારો એટલો આગ્રહ પણ ન હોઈ શકે અને પાર્ટી હાઈકમાન્ડનો જે આદેશ આવે તે મારા માટે શીરોમાન્ય હોઈ શકે.