એમ્યુઝમેન્ટ પાર્કમાં લાગેલી રાઈડનું સ્ટ્રકચર તેમજ મિકેનિઝમ ચકાસવાની તમામ જવાબદારી રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની હોય છે. રાઈડની યોગ્ય ચકાસણી નહી કરાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આરએન્ડબી વિભાગે વાર્ષિક ઈન્સ્પેકશન કર્યું હતું કે નહી તેની પણ તપાસ પોલીસ અધિકારી કરી રહ્યા છે. આરએન્ડબી, ફાયર ડિપાર્ટમેન્ટની મજૂંરી બાદ જ એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની મજૂંરી પોલીસ વિભાગ દ્ધારા અપાતી હોય છે. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકોએ વીમો લેવો ફરજિયાત હોય છે.
પોલીસે એક સાથે બે વર્ષનું લાયસન્સ ઈસ્યુ કરી દીધું
સામાન્ય રીતે કોઈપણ લાયસન્સ દર વર્ષે રિન્યુ કરાવવાનું હોય છે, પરંતુ આ કેસમાં અમદાવાદ શહેર પોલીસની લાયસન્સ બ્રાંચે બે વર્ષનું લાયસન્સ રિન્યુ કરી દીધું હતું. જે શંકાના દાયરમાં આવે છે. આરએન્ડબી અને ફાયર ડિપાર્ટમેન્ટ દર વર્ષે એનઓસી આપતા હોય છે ત્યારે પોલીસ વિભાગ દ્ધારા એક સાથે બે વર્ષનું લાયસન્સ કેવી રીતે ઈસ્યુ કરાયું તે એક મોટો સવાલ છે. અમદાવાદ શહેરમાં અગાઉ ફરજ બજાવતા એસીપી એમ.કે.રાણા દ્ધારા તા.1 જાન્યુઆરી 2017 થી તા.31ડિસેમ્બર 2019 સુધીનું લાયસન્સ ઈસ્યુ કરવામાં આવ્યું છે.