માલપુરના ગ્રામ્ય વિસ્તારોની આકસ્મિક મુલાકાત લઈ ડી.ડી.ઓ.એ વિકાસ કામોની તપાસ કરી

માલપુર, તા.૨૮   અરવલ્લી જીલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોમાં પોલંપોલ ચાલતી હોય છે. જીલ્લામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો વિકાસથી જોજનો દૂર છે, ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી વિવિધ ગ્રાન્ટોમાંથી સરપંચ, તલાટી થી લઈ સ્થાનિક નેતાઓ અને તાલુકા-જીલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ કોન્ટ્રાકટર સાથે મીલીભગત કરી ભારે ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની બૂમો સતત ઉઠી રહી છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અધિકારીઓ ખુદ કોન્ટ્રાકટર બની બેઠા છે.

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ર્ડો. અનિલ ધામેલીયા વરસતા વરસાદમાં માલપુર તાલુકાના વાવડી અને લાલજીના પહાડીયા ગામે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાનમાં પંચાયતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી થયેલા જાહેર વિકાસના કામોની ફાઈલો અગાઉ થી મંગાવી લઈને  ઓચિંતી મુલાકાત લીધી હતી. વિકાસની ગ્રાન્ટમાંથી બનેલ આંગણવાડી, આરસીસી રોડ, હવાડા, બોર-મોટર, પ્રાથમિક શાળાના ઓરડા સહીત વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલા વિકાસના કામોની ગુણવત્તા ચકાસણી કરી અગાઉના ત્રણ વર્ષોમાં થયેલા વિકાસ કામોની તપાસ હાથધરી હતી. ભ્રષ્ટાચાર વિના કામો થાય તે માટે કોઈપણ પ્રકારની જાણકારી આપ્યા વિના ગામડામાં મુલાકાતે જતા ગ્રામીણ જનતામાં આનંદ છવાયો.

જિલ્લાના કેટલાય ગામોમાં આજે સરકારી દફતેર બોલતા વિકાસના કામો વાસ્તવિક નથી, ત્યારે એક કહેવત મુજબ “નવા નવા આવ્યા અને નવ દિવસ પછી હોતી હૈ, ને ચાલતી હૈ, ની કહેવત સાર્થક નહિ થાય તે હવે આવનાર સમય બતાવશે પણ હાલમાં અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારીના આવ્યા પછી બહુમળી બિલ્ડીંગની ઓફીસોમાં સોપો પડી ગયો છે.

બહુમાળી ભવનમાંમાં સીસીટીવી થી સજ્જ છે. પરંતુ મોટા ભાગની કચેરીઓમાં સીસીટીવી બંધ હાલતમાં રહેતા હોય છે. જીલ્લા સેવાસદનમાં સીસીટીવી કેમેરાની નજર રહે તો જમીનો એન.એ. કરાવવાની ફાઈલો ક્લિયર  કરાવવી અને જમીન, મહેસુલી તેમજ ખાણ ખનીજની રોયલ્ટી ચોરીઓના કામો કરાવી આપવા માટે ફરતા દલાલો અને એજન્ટો કેટલાક અધિકારીઓ અને  કર્મચારીઓની સાથે મિલીભગત થી અધિકારીઓના નામે મોટી રકમો પડાવી કામો કરાવી આપવા માટે ફરે છે. તેવી ચોક્કસ ગેંગનો પર્દાફાશ થાય તો ભ્રષટાચાર અટકાવી શકાય તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે. જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસમાં સ્ટેમ્પ  વેન્ડર દ્વારા દસ્તાવેજો નોંધણી કરાવવા માટે હજારો રૂપિયા પડાવી લેવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે, ત્યારે નવીન કલેક્ટર આ કચેરીમાં  જામી ગયેલા કર્મચારીઓને પર  તાપસ કરાવવી જરૂરી બન્યું.