માલપુરના ડામોરના મુવાડા ગામે ૧૫૦ વીઘા ગૌચરમાં થયેલ દબાણ દૂર કરવા કાર્યવાહી

માલપુર, તા.૨૨

ગામડાઓમાં દિવસે ને દિવસે ગૌચર ઘટી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં આવેલા મોટા ભાગના ગૌચરની જમીન ખેતરમાં ભળી રહી છે. પશુઓને ચરવા માટે રખાયેલ ગૌચર પર સ્થાનિક લોકોએ કબ્જો કરી દઈ ગેરકાયદેસર નાના મોટા બાંધકામ કરી દઈ દબાણ કરી દેતા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.

માલપુર તાલુકાના ડામોરના મુવાડા ગામે ગામના જ કેટલાક શખ્સોએ દબાણ કરી દેતા ગ્રામજનોએ જવાબદાર તંત્રમાં અનેકવાર રજુઆત કરતા કોઈ ઉકેલ ન આવતા થોડા સમય અગાઉ ગામના ૧૦૦થી વધુ ખેડૂતો જીલ્લા કલેક્ટર કચેરી ખાતે સામુહિક મુંડન માટે પહોંચ્યા હતા. સામુહિક મૂંડનની જાણ તંત્રને થતા તંત્ર તરફથી ગૌચર પરનું દબાણ દૂર કરવા હૈયા ધારણા આપી હતી. પોલીસે ૨૫થી વધુ ખેડૂતોની જાહેરનામાના ભંગ હેઠળ અટકાયત કરી હતી.

બુધવારે તાલુકા વિકાસ અધિકારી સહીત અધિકારીઓ ડામોરના મુવાડા ગામે ૧૫૦ વીઘાથી વધુના ગૌચર પર કરેલ કાચા પાકા દબાણ દૂર કરવા પહોંચી દબાણ દૂર કરવા કાર્યવાહી હાથધરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ સહીત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગામનું ગૌચર દૂર કરવાની કાર્યવાહી થી ગ્રામજનોમાં અને ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ગૌચર પર દબાણ કરનાર ભુ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.