માલપુરમાં પાંચ મકાનનાં તાળાં તોડ્યા, મોરડમાં એટીએમ તોડ્યું

વડાલી, તા.૧૪

વડાલી તાલુકાના માલપુરમાં તસ્કરોએ પાંચ મકાનના તાળા તોડી રૂ.2 લાખ ઉપરાંતના દાગીના અને રોકડની ચોરીને 24 કલાકનો સમય વિત્યો ન હતો ત્યાં તો મોરડ ગામના એચડીએફસી બેન્કના એટીએમને તાળા તોડી ચોરીના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે.

માલપુરમાં બુધવારે મોડી રાત્રે અલ્પેશ અમૃત પટેલ પોતાના પરિવાર સાથે મકાનની બહાર સૂતા હોવાથી તેનો ફાયદો ઉઠાવી પાછળની બારી તોડી અંદર ઘૂસી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1,90,000 મુદ્દામાલ ચોરી કરી હતી. શાંતાબેન ચંદુ દરજી અને રમીલાબેન ચંદુ દરજીના મકાનના તાળા તોડી દાગીના અને રોકડ મળી રૂ.41,000 તથા વસંત મગન દરજી અને ચંદુ દેસાઈ પટેલના મકાનના તાળા તોડી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

બનાવ અંગે વડાલી પોલીસને જાણ કરાઇ હતી. મોરડ ગામમાં આવેલા એચડીએફસી બેન્કના એટીએમને નિશાન બનાવી ગુરૂવારે રાત્રે તસ્કરે એટીએમ તોડી પૈસાની ચોરી કરવા ભારે મહેનત કરી હતી. પરંતુ કામયાબ ન થતા એટીએમને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તેના ફૂટેજ આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.