મોરારીબાપુ તમારી વ્યાસપીઠને પણ કેમ ગીરીશ દાણીની જરૂર પડે છે?
નવજીવનના 100 વર્ષ અને ગાંધીની 150મી જયંતિ નિમિત્તે મોરારીબાપુએ નવજીવનને એક કથા આપવાનું વચન આપ્યુ હતું, નવજીવન ટ્રસ્ટનો હેતુ મોરારીબાપુની રામકથાની માધ્યમથી ગાંધીની વાત લોકો સુધી પહોંચાડવાનો હતો. ગાંધી બહુ દૂરનું વિચારતા હતા. ગાંધીએ ગાંધી આશ્રમથી લઈ ગુજરાત વિધ્યાપીઠ સહિત નવજીવનની પણ સ્થાપના કરી, પણ ગાંધીજી પોતાનું વસીયતનામુ બનાવતા ગયા તેમા તેમણે લખ્યુ કે દેશમાં મારી કોઈ મિલ્કત અને સંપત્તિ હોય તેની મને ખબર નથી. મારી સંપત્તિ મારા વિચાર છે. હું તેનો અધિકાર નવજીવનને સોંપુ છું આમ નવજીવનને વારસમાં ગાંધીએ જે કઈ લખ્યુ તે મળ્યુ છે.
ગાંધીએ પોતાની વસીયતમાં લખ્યુ છે કે નવજીવન ટ્રસ્ટે કોઈની પાસેથી પણ દાન અને કોઈ પણ સરકાર પાસેથી અનુદાન લેવુ નહીં. તો પ્રશ્ન થાય કે નવજીવન ટ્રસ્ટ ચાલે કેવી રીતે. પણ બાપુ તેનો ઉકેલ આપતા ગયા અને લખ્યુ કે મેં જે કઈ લખ્યુ છે તેનો અધિકાર નવજીવન ટ્રસ્ટને આપુ છુ, તેના વેચાણમાંથી જે કઈ મળે તેમાંથી નવજીવન ચલાવજો. સારી બાબત એવી છે કે 100 વર્ષથી નવજીવન ટ્રસ્ટ દેશના કોઈ પણ શ્રીમંતનું એક રૂપિયાનું દાન અથવા કોઈ સરકારી મદદ વગર ચાલી રહ્યુ છે. મોરારીબાપુએ જયારે નવજીવન ટ્રસ્ટને કથા આપી ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો કે કથા કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય. રામના માધ્યમથી મોરારીબાપુ મહાત્મા ગાંધીની વાત કહેવાના હતા પણ કથા માટે પૈસા લાવવા કયાંથી ? પણ આ પ્રશ્ન મોરારી બાપુ પણ જાણતા હતા, તેમણે નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈને કહ્યુ તમે ચિંતા છોડો યજમાનની વ્યવસ્થા પણ હું કરીશ.
મોરારીબાપુ નવજીવન ટ્રસ્ટને કથા આપે તે જ મોટી ઘટના હતી, પણ ત્યાર બાદ યજમાન લાવવાની જવાબદારી પણ ખુદ બાપુએ ઉપાડી લીધી હતી. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં તા 23 ફેબ્રુઆરીથી 3 માર્ચ દરમિયાન મોરારીબાપુની કથા યોજાઈ ગઈ. બાપુ હોય ત્યાં બધુ જ ભવ્ય હોય છે. કથાના મંડપ સહિત કથામા રોજ આવનાર 20 હજાર લોકો માટે જમવાની વ્યવસ્થાથી લઈ, વ્યવસ્થામાં કયાં પણ આંગળી મુકી શકાય તેવી એક પણ ખામી ન્હોતી. પણ બાપુએ કહ્યુ હતું કે યજમાન પણ હું લાવીશ. તો યજમાન હતા ગીરીશ દાણી. જેઓ તુલસી વલ્લભ નિધિ ટ્રસ્ટ ચલાવે છે. તુલસી વલ્લભ નિધિ દ્વારા તમામ જવાબદારી ઉપાડવામાં આવી હતી. અમદાવાદ સહિત એક ખાસ તબકાના લોકો છે તેમને ખબર છે કે ગીરીશ દાણી કોણ છે. હું દાણીના વ્યકિગત જીવન અને કામની વાત કરવા માગતો નથી. કારણ તે અંગે ખુદ મોરારીબાપુ પણ બધુ જ જાણે છે. પણ મારે કોઈ સામાન્ય માણસને ગીરીશ દાણીનો પરિચય આપવા હોય તો એટલુ જ કહીશ ગીરીશ દાણી માલેતુજાર લોકોના પ્રતિનિધિ છે.
કોઈ પણ માણસ શ્રીમંત હોય તે તેનો વાંક નથી. તેમ અહિયા માત્ર ગીરીશ દાણી શ્રીમંત છે તેના કારણે બાપુએ તેમને દૂર રાખવા જોઈએ તેવુ પણ કહેતો નથી. છતાં છતાં અને છતાં, રામકથા માટે મોરારીબાપુ યજમાન તરીકે ગીરીશ દાણીને જ કેમ પસંદ કર્યા તે એક પ્રશ્ન તો છે. કથાના સ્થળે મારે બે વખત જવાનું થયુ હતું. મેં ત્યાં ગીરીશ દાણીનો લોકો સાથેનો વ્યવહાર જોયો. જાણે એક સામંત હોય અને ત્યાં આવેલા તમામ ભિખારી -લાચાર અને દરિદ્ર હોય, તેવું લાગી રહ્યું હતું. ગીરીશ દાણીની આસપાસ ફરનાર( સંભવ છે કે દાતાઓ હોય ) તેઓ પણ લોકો સાથે દુ્ર્વ્યહાર કરતા હતા. મોરારીબાપુની કથામાં આવનાર સરેરાશ પચાસી વટાવી લોકો હતા, જેમને ઉઠવા- બેસવાની તકલીફ હતી, પણ ગીરીશ દાણી એન્ડ મંડળીનો જે વ્યવહાર હતો તેની અપેક્ષા તો મોરારીબાપુના કથાના સ્થળે ના જ હોય.
મોરારીબાપુ પોતાની કથામાં સમાનતા- સદ્દભાવના અને પ્રેમની વાત કરતા હોય છે. પણ આંધળી વ્યકિતને ખબર પડે તેવો ભેદ કથામાં આવેલા શ્રીમંતો અને ગરીબો વચ્ચે જોઈ શકતો હતો. શ્રીમંત અને ગરીબો માટે વ્યવસ્થા પણ અલગ અલગ હતી. ખરેખર તો બાપુ રામકથા કરે તે ઉત્તમ બાબત છે. પરંતુ એક કથા બાપુએ ગીરીશ દાણી અને તેમના યજમાન કમ આયોજકો માટે રાખવાની જરૂર છે. મોરારીબાપુ કથામાં ગાંધીની સાદગીની વાત કરતા ત્યારે જમવાના મેનુમાં એક ડઝન કરતા વધારે વાનગીઓ હતી. આમ બાપુએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ જે ઉપદેશ આપે છે તેનો વિરોધાભાસ કથા સ્થળે જ જોવા મળે છે. બાપુની આસપાસ શ્રીમંતો જ મધમાખીની જેમ ફરતા જોવા મળતા હતા. અહિયા વાત માત્ર ગીરીશ દાણીની નથી. ગીરીશ દાણી તો એક ખાસ વર્ગનું પ્રભુત્વ કરે છે. પરંતુ રામકથાની વ્યાસપીઠને ગીરીશ દાણી જે વર્ગનું પ્રભુત્વ કરે છે તેની કેમ જરૂર પડે છે ?
મારા મનમાં ઉદ્દભવેલા આ પ્રશ્ન અંગે મેં મારા એક મિત્ર સાથે ચર્ચા કરી. તો તેણે મને સામો સવાલ કરતા પુછયુ કે માની લો કે બાપુ તમને પૈસા આપે અને કહે કે તમે કથાનું આયોજન કરો, તો તમે ગીરીશ દાણી જેવું આયોજન કરી શકો ? પ્રશ્ન બહુ નાજુક હતો. ખરેખર ગીરીશ દાણી જેવુ આયોજન કરવુ કદાચ મારા માટે શકય ન્હોતુ. તે વાત સાચી હતી. આમ જે પણ વ્યાસપીઠો છે તેને શ્રીમંતોની જરૂર પડે છે. તે પણ એટલી જ વાસ્તવિકતા છે. જેના કારણે એવુ બને છે. મોરારીબાપુ અને વ્યાસપીઠ માટે લોકોને આદર હોવા છતાં બાપુના શબ્દો સાંભળવા ગમે છે પણ તે હ્રદયને અસર કરતા નથી. કારણ લોકો બાપુની વ્યાસપીઠને એઢેલી ઉભા રહેતા ગીરીશ દાણીને પણ મંચ ઉપર જુવે છે. કથા સ્થળેથી બહાર નિકળી માણસ પોતાની રોજની જીંદગી જીવે, કારણ તેના મનમાં પણ એક દિવસ હું પણ ગીરીશ દાણી થઈશ તેવી જ કલ્પના હોય છે. તેનો અર્થ કથા સ્થળે આવેલા માણસને ભગવાન રામ અથવા મોરારીબાપુ કરતા ગીરીશ દાણી વધુ પ્રભાવિત કરી જાય છે.
(પ્રશાંત દયાળ)