સીજીએસટી અમદાવાદ દક્ષિણની કચેરી દ્વારા બનાવટી બિલો બનાવી જીએસટીની ખોટી ટેક્સ ક્રેડિટ માટે ચાલી રહેલા રેકેટનો પર્દાફાશ
સેન્ટ્રલ જીએસટી અમદાવાદ સાઉથ કમિશનરેટની નિવારણાત્મક પાંખે બોગસ-બનાવટી ઇનવોઇસ ઇશ્યૂ કરવાનાં રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં જીએસટીની ચૂકવણી નહીં કરીને ગેરલાયક ઇનપુટ ટેક્સ ક્રેડિટની મોટી રકમનો ગોટાળો બહાર આવ્યો છે. મેસર્સ કુશલ લિમિટેડનાં ચીફ મેનેજિંગ ડાયરેક્ટર 52 વર્ષીય સંદીપ અગ્રવાલની બોગસ ઇનવોઇસમાં ઉલ્લેખિત ચીજવસ્તુઓની રસીદ વિના અંદાજે રૂ. 672.32 કરોડનાં મૂલ્યનાં બનાવટી ઇનવોઇસ પર રૂ. 88.78 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવા બદલ 01.04.2019ના રોજ ધરપકડ કરવામાં આવી છે. તેમણે બોગસ ઇનવોઇસમાં ઉલ્લેખિત ચીજવસ્તુઓ સપ્લાય કર્યા વિના બનાવટી ઇનવોઇસ ઇશ્યૂ કર્યા હતા અને પછી અન્ય કંપનીઓ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટનાં ખોટો લાભ લીધો હતો તેમજ તે રકમનો ઉપયોગ કર્યો હતો.
મેસર્સ કુશલ લિમિટેડ મારફતે સંદીપ અગ્રવાલ આ ગોટાળા પાછળનો માસ્ટરમાઇન્ડ છે તથા તેઓ બનાવટી બિલો, ઇનવોઇસની રસીદ અને વાસ્તવિક ચીજવસ્તુઓ વિના ઇનવોઇસ ઇશ્યૂ કરવામાં સંકળાયેલા હતા. ચીજવસ્તુઓની આ ખરીદી અને તેનુ વેચાણ ફક્ત કાગળ પર જ થયું હતુ તથા આ ઇનવોઇસ સાથે એલઆર કે ઇ-વે બિલો સામેલ નહોતા. કોઈ પણ તબક્કે મેસર્સ કુશલ લિમિટેડે કોઈ પણ વાસ્તવિક ચીજવસ્તુઓની ખરીદી કરી નહોતી અથવા વાસ્તવિક ચીજવસ્તુઓનું વેચાણ કર્યું નહોતુ. તમામ નાણાકીય વ્યવહારો ફક્ત કાગળ પર જ જોવા મળ્યાં છે. સંદીપ અગ્રવાલનું નિવેદન લેવામાં આવ્યું હતું, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, કોઈ ચીજવસ્તુઓની વાસ્તવિક લેણ-દેણ થઈ નહોતી એટલે કોઈ ઇ-વે બિલો, એલઆર કે પરિવહનનાં દસ્તાવેજો પણ ઉપલબ્ધ નથી. તેમણે આ તમામ વ્યવહારો એક અલગ બેંક ખાતું ખોલીને કર્યા હતા અને તેને તેમનાં મુખ્ય વ્યવસાયથી અલગ રાખ્યા હતા. ઉપરાંત ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા મેસર્સ કુશલ લિમિટેડ દ્વારા વિવિધ રાજ્યોમાં વિવિધ કંપનીઓ દર્શાવવામાં આવી હતી તેમજ વાસ્તવિક રીતે કોઈ પણ ચીજવસ્તુઓની સપ્લાય કર્યા વિના વિવિધ રાજ્યોમાં સ્થિતિ જુદી-જુદી કંપનીઓને બનાવટી આઇટીસી પાસ કર્યાહતાં, જેથી રૂ. 88.78 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થયો હતો.
કુશળ લિમિટેડનાં સીએમડી સંદીપ અગ્રવાલની સીજીએસટી ધારા, 2017ની જોગવાઈ 69 હેઠળ 01.04.2019નાં રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમને આજે 02.04.2019નાં રોજ અમદાવાદમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સક્ષમ રજૂ કરવામાં આવ્યાં છે. આ માહિતી અમદાવાદ દક્ષિણની સીજીએસટી કચેરી દ્વારા પ્રસિદ્ધ એક અખબારી યાદી દ્વારા પૂરી પાડવામાં આવી છે.