માવઠાથી ખેડૂતોના હાથનો કોળિયો ઝૂંટવાયો

મહેસાણા, તા.૦૩
મહેસાણા જિલ્લામાં શનિવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ઊંઝામાં 16 મીમી, જ્યારે વિસનગરમાં 9 મીમી વસ્યો હતો. તો સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં સતલાસણામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો. વડનગરમાં પણ બપોરે વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે થોડાક સમય વરસાદ પડ્યા બાદ બંધ થઇ ગયો હતો. જ્યારે વડનગરમાં પણ 15 થી 20 મિનિટ સુધી ઝાપટું પડ્યું હતું.

મહા વાવાઝોડાની આગાહીને પગલે બચાવ રાહતની કામગીરી અન્વયે પગલાં લેવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર એચ.કે. પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જિલ્લાના તમામ અધિકારીઓને તા.6 થી 8 નવેમ્બર દરમિયાન સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઇ હતી અને પૂર્વ પરવાનગી વિના મુખ્ય મથક નહીં છોડવા જણાવાયું હતું. શહેરી વિસ્તારોમાં ભયજનક જર્જરીત ઇમારતો, મકાનો અંગે ચકાસણી કરવી તેમજ ભયજનક હોર્ડિગ્સ ઉતરાવી લેવા ખાસ ભારપૂર્વક સૂચના આપી હતી.

શનિવારે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં વરસાદે બઘડાટી બોલાવતાં ઊંઝામાં 16 મીમી વરસાદ પડ્યો હતો. જેના કારણે રેલવેનાળામાં પાણી ભરાઇ ગયું હતું. આ નાળામાં એસટી બસ બંધ પડતાં મુસાફરોને પાછળના દરવાજેથી ઉતારાયા હતા. નાળામાં એક કાર પણ ફસાઇ ગઇ હતી.

બાલિસણાના ખેડૂત ભીખાભાઈ પટેલે કહ્યું કે,  બાકી વાવણી અટકી પડશે. કપાસમાં વીણી ચાલી રહી છે, ત્યારે રૂ પલળી જતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મોટા એરંડાને પણ નુકસાન છે.

ખેડૂતોને તકેદારી રાખવા નીચે મુજબના સૂચનો કરાયા છેઃ
-મગફળી વિગેરેનો કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. કપાસ પાકમાં વિણી કરી લેવી
-જુવાર, ઘાસચારો, શાકભાજી પાકમાં ઊભા પાકોમા પિયત ટાળવુ.
-ફળ-પાકોશાકભાજી ઉતારીને બજારમાં વરસાદ પહેલાં જ પહોંતા કરવા
-ઘઉ, જીરુની વાવણી 7 નવેમ્બર સુધી શક્યત: મુલતવી રાખવી
-બાગાયતી ફળછોડના રક્ષણ માટે ટેકા મુકવા .પશુઓને યોગ્ય સુરક્ષિત જગ્યાએ રાખવા
-ખેતરમાં ઉભા પાકમાં પાણીના નિતારની વ્યવસ્થા આગોતરી કરવી
-દિવેલા, વરિયાળી તેમજ બીટી કપાસના ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ન રહેવા દેવું, હાલમાં કોઇ પણ પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ ટાળવો જોઇએ.
-વાવાઝોડાની અસર સમયે પાલતું પશુઓને ખુલ્લામા વીજળીના થાંભલા કે ઝાડ નીચે ન રાખવા.

મહેસાણામાં ‘મહા’ વાવાઝોડાનું એલર્ટ જાહેર કરાતાં તંત્ર તૈયારીમાં લાગ્યું

‘મહા’ વાવાઝોડાનું એલર્ટ જાહેર કરાતાં તંત્ર તૈયારીમાં લાગ્યું છે, પરંતુ તે પહેલાં ઉ.ગુ.માં ‘કયાર’ વાવાઝોડાએ કહેર મચાવી દીધો છે. શનિવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 ઇંચ અને વિજયનગરમાં દોઢ ઇંચ વરસ્યો હતો. તો બનાસકાંઠના વડગામમાં એક ઇંચ નોંધાયો હતો. પાટણ જિલ્લામાં મેઘગર્જના સાથે પાટણમાં 9 અને સરસ્વતી તાલુકામાં 10 મીમી વરસ્યો હતો. બનાસકાંઠામાં વડગામમાં 23 મીમી, ડીસામાં 18, ધાનેરામાં 6, થરાદ અને દાંતામાં 4, પાલનપુરમાં 1 મીમી નોંધાયો હતો. તો મહેસાણાના વિસનગર અને વડનગરમાં ઝાપટું પડ્યું હતું. આ કમોસમી વરસાદને કારણે કપાસ, મગફળી, જુવાર, મકાઇ, અડદ, સોયાબીન સહિતને નુકસાન થઇ શકે છે. કપાસને 20 ટકા જેટલું નુકસાન થશે.