માવઠાનો માર : પલળી ગયેલી મગફળીના માત્ર રૂ.૭૦૦ થી ૮૦૦ ના ભાવ મળે છે

હિંમતનગર, તા.૦૭
પાછોતરા વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લામાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. હાલ ખૂલ્લા બજારમાં રૂ.700થી 800 નીચા ભાવથી ખરીદી થઇ છે અને વેપારીઓ દ્વારા નીચા ભાવ માટે પલળી ગયેલ મગફળીની ગુણવત્તાનું કારણ આગળ કરાઇ રહ્યુ છે.

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સમયસર અને સારો વરસાદ થતા મગફળીનું 15 હજાર હેક્ટરમાં વધુ વાવેતર થતા વાવેતરનો કુલ આંકડો 57 હજાર હેક્ટર સુધી પહોંચ્યો છે અને મગફળી પણ સારી થતા 11.50 લાખ ક્વીન્ટલ ઉત્પાદન મળવાનો અંદાજ મૂકાયા બાદ 30 સપ્ટેમ્બર અને 2 જી જુલાઇએ વરસાદ પડતાં ખેડૂતોએ મગફળી કાઢીને પથારા કર્યા હતા તે પલડી જતા મગફળી ખરાબ થઇ ગઇ છે.

માવઠાને કારણે મગફળીના દાણા કાળા પડી જવા, ચીમળાઇ જવાની સમસ્યા પેદા થઇ છે અને ભેજનુ પ્રમાણ પણ વધી ગયુ છે. સરકાર દ્વારા ખરીદાનાર મગફળીના ધારાધોરણ ન જળવાવાની પૂરી સંભાવનાને કારણે 15 નવેમ્બર સુધી રાહ જોવી અને ત્યારબાદ ટેકાના ભાવે ખરીદીમાં માલ રીજેક્ટ થાય તેવી સ્થિતિનો સામનો કરવાને બદલે ખેડૂતો ખૂલ્લા બજારમાં જ નીચા તો નીચા ભાવે પણ મગફળી વેચવા મજબૂર બન્યા છે. વેપારીઓ પણ ખેડૂતોની આ સ્થિતિથી સારી રીતે પરીચીત હોવાથી રૂ.700 થી 800ના નીચા ભાવે ખરીદી કરી રહ્યા છે.

ખેડૂત હરેશભાઈ પટેલે જણાવ્યું કે મગફળીની સારી ઊપજ મળ્યા બાદ કમોસમી વરસાદને કારણે દાણા કાળા પડી ગયા છે, તેમ કહી ઓછો ભાવ મળી રહ્યો છે. સરકારે ટેકાના ભાવમાં આવી મગફળીમાં 5-10 ટકા નુકસાની ગણી ખેડૂતોને 900 રૂ.ની આજુબાજુ ભાવ ચૂકવવા જોઇએ.

‘રૂ.700-800માં ખેડૂતનો ખર્ચ પણ નથી નીકળતો’

સરકારની ખરીદી અત્યારે બંધ છે વળી ખરીદી કર્યા બાદ પણ ક્યારે પૈસા જમા થાય તે નક્કી નથી. દવા, બિયારણ, મજૂરી, સામાજીક પ્રસંગો વગેરેને કારણે ખેડૂતો રાહ જોઇ શકે તેમ નથી. તદ્દપરાંત માવઠાને કારણે મગફળી પલળી જતા ખેડૂતો નીચા ભાવ માટે માનસિક રીતે તૈયાર થઇને જ આવતા હોવાથી વેપારીઓ ગેરલાભ ઉઠાવી રહ્યા હોવાનો સૂર વ્યક્ત થઇ રહ્યો છે.

પાછોતરા વરસાદ દરમિયાન જે ખેડૂતોની મગફળી ખેતરમાં પડી હતી તે પલળી ગઇ છે અને દાણા કાળા પડી જવા, ચીમળાઇ જવા જેવી સમસ્યા પેદા થઇ છે. આવી મગફળી ટેકાના ભાવે ખેડૂતો વેચવા જાય તો રીજેક્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે.

જિલ્લામાં હિંમતનગર માર્કેટયાર્ડમાં સૌથી વધુ ખરીદી થાય છે ઓક્ટોબર માસના ત્રીજા સપ્તાહથી મગફળીની આવક શરૂ થઇ ત્યારથી અત્યાર સુધી નીચાભાવ રૂ.700 થી 800ની આજુબાજુ રહ્યા છે. મંગળવારે નીચો ભાવ રૂ.763 બોલાયા બાદ બુધવારે નીચો ભાવ રૂ.811 રહ્યો હતો. જ્યારે સોમવારે નીચોભાવ રૂ.750 રહ્યો હતો.