અમદાવાદ, તા.19.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં મિત્રને મળવા ગયેલા વેપારીના સ્કૂટરની ડિકી ખોલીને તેમાં રહેલા રૂ. 10 લાખની રોકડ રકમ કોઈ ચોરી ગયું હતું. આ અંગે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમાં શાંતિવન પાસે આવેલ ઉદય ફ્લેટમાં રહેતા સંજયભાઈ કિશનલાલ મહિપાલ (ઉ.42) વેપાર કરે છે. સંજયભાઈ ગુરુવારે સાંજે તેમનું ટુ વ્હિલર સ્કૂટર લઈને દાણીલીમડા વિસ્તારમાં આવેલ બેરલ માર્કેટ પાસેના ઇલાબેન એસ્ટેટમાં તેમના મિત્ર કેતનભાઈને મળવા ગયા હતા. ત્યારે તેમને તેમનું સ્કૂટર મહાદેવ ટ્રેડિંગ ફેક્ટરીની સામે ખુલ્લા રોડ પર પાર્ક કર્યું હતું. સંજયભાઈ 15 મિનિટમાં તેમના મિત્રને મળીને પરત આવ્યા હતા. ત્યારે તેમના સ્કૂટરની ડિકી ખુલ્લી જણાતા તેને ખોલીને જોતાં ડિકીમાં થેલીમાં મૂકેલા રૂ. 10 લાખની રોકડ રકમ કોઈ ચોરી કરી ગયું હતું.
આથી સંજયભાઈએ દાણીલીમડા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે સ્કૂટરની ડિકી ખોલીને તેમાં મૂકેલા રૂ. 10 લાખની રોકડ રકમ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે દાણીલીમડા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.