મિલકતના ઝઘડામાં દિયરે ભાભીની હત્યા કરી

રાજકોટ,તા:૦૮ કોઠારિયા રોડ પર આવેલા દેવપરા-3માં દિયરે જ ભાભીની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના ઘટી. જેમાં દિયર ચમનભાઈ સરધરાએ ભાભી ભારતીબહેનની હત્યા કરી દીધી.

ભારતીબહેનના પતિ ઉમેશભાઈએ આ અંગે નોંધાવેલી ફરિયાદ મુજબ, ત્રણ ભાઈ અને બે બહેનો પૈકી ચમનભાઈ સરધરાએ ભારતીબહેન સ્વાધ્યાયમાં જતાં હતાં તે દરમિયાન આંતરીને છરીના ઘા મારી હત્યા કરી દીધી છે. ઉમેશભાઈના જણાવ્યા પ્રમાણે તેમના ભાઈ ચમન સાથે તેમને 20 વર્ષથી કોઈ સંબંધ નથી. ચમન સંપત્તિમાં ભાગ લેવા માટે યેનકેન પ્રકારેણ સતત હેરાન કરી રહ્યો હતો. જેના ભાગરૂપે ચમને અનેક વખત ભાઈ-ભાભી અને તેમના સાળા સામે પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરતો રહેતો હતો. અંતે તેણે કંઈ કરી ન શકતો હોવાથી ભારતીબહેનની હત્યા કરી દીધી હતી.

ફરિયાદી ઉમેશભાઈએ વધુમાં જણાવ્યું કે, હું એલઆઈસીની ઓફિસમાં કામ કરું છું. હું જ્યારે ઓફિસે હતો ત્યારે મારાં પત્ની સ્વાધ્યાયમાં જઈ રહ્યાં હતાં. આ દરમિયાન આરોપી ચમન બાઈક પર આવ્યો હતો અને ભારતીબહેન સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાઈ જઈને આરોપી ચમને મારાં પત્ની ભારતીબહેનને છરીના ઘા મારી દીધા હતા, જે તેમને પીઠના ભાગે અને ડાબા અને જમણા પેડુમાં વાગ્યા હતા. આ અંગે બૂમાબૂમ થતાં લોકો એકત્ર થઈ ગયા હતા અને ચમન ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ મારા ઓળખીતાનો મારા પર ફોન આવતાં હું તરત જ ઓફિસેથી નીકળી ગયો હતો.

પોલીસે આરોપી ચમન સરધારાની પૂછપરછમાં જણાવ્યું કે, ભાભી દ્વારા મકાનમાં મને ભાગ આપવામાં આવ્યો નહોતો, ઉપરાંત મારાં લગ્ન પણ કરાવ્યાં નહોતાં. ચમને વધુમાં જણાવ્યું કે, મારાં બા હયાત હતાં ત્યારે ભાભી તેમને મારઝૂડ કરતાં હતાં. બીજો કોઈ રસ્તો ન દેખાતાં મેં આખરે તેમની હત્યા કરી નાખી છે.

હત્યાની તપાસ કરતી પોલીસને તેમના પરિવારના અન્ય સભ્યો તરફથી ચમનને માનસિક તકલીફ હોવાનું જણાવવામાં આવ્યું છે, જે અંગે પોલીસ આરોપી ચમનની માનસિક સ્થિતિની તપાસ કરાવશે. જો કે ભારતીબહેનના પતિ અને ઘરના અન્ય સભ્યોએ ચમનની માનસિક સ્થિતિ યોગ્ય જ હોવાનું જણાવ્યું હતું.