મિલકતની ખરીદી કે એફિડેવિટ કરવા માટેનો સ્ટેમ્પ ખરીદવા પહેલા ફોર્મ ભરીને આપવું પડશે

અમદાવાદ,બુધવાર

અમદાવાદના સ્ટેમ્પ વેન્ડરોને રૂા. 100 પર મળતા 15 પૈસાના કમિશન કરતાં વધુ કમિશન વકીલોને બેન્કો તરફથી આપવામાં આવતા હોવાથી ગુજરાતના 1200થી વધુ સ્ટેમ્પ વેન્ડરો સાવ જ રોજીરોટી વિનાના થઈ જવાની સ્થિતિ આવી છે. પરિણામે તેમણે તેમને બેન્કોની જેટલું જ કમિશન આપવાની માગણી કરી છે. સ્ટેમ્પ પર કમિશન આપવાની બાબતમાં ભેદભાવ ભરી નીતિ સરકાર દ્વારા અપવાવવામાં આવી હોવાથી બંધારણ હેઠળ સહુને સમાન તક આપવાના નિયમનો ધરાર ભંગ થઈ રહ્યો છે.

સ્ટેમ્પ વેન્ડરોને રૂા.1 લાખનો સ્ટેમ્પ વેચે તો માત્ર રૂા.150 કમિશન પેટે આપવામાં આવે છે.તેની સામે તેમને સ્ટેમ્પનો સપ્લાય આપતી વચેટિયા કંપની સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનને 65 પૈસાનું કમિશન આપવામાં આવે છે. જ્યારે ફ્રેન્કિંગ કરી આપતી બેન્કોને રૂા.1 લાખના સ્ટેમ્પ પર રૂા.1000નું કમિશન આપવામાં આવે છે. રૂા.50, 500ના સ્ટેમ્પ બનાવી આપવામાં સતત ગલ્લાતલ્લા કરતી બેન્કો મોટી રકમના સ્ટેમ્પ માટે આવનારા વકીલોને એક રૂપિયાના તેને મળતા કમિશનમાંથી 15થી 20 પૈસાનું કમિશન પણ આપી દેતી હોવાથી સ્ટેમ્પ વેન્ડર પાસે કોઈ જ કમિશન લેવા આવે જ નહિ તેવી પરિસ્થિતિ નિર્માણ કરીને સરકારે સ્ટેમ્પ વેન્ડર્સની રોજી રોજી મળે તેવી શક્યતાનો સાવ જ છેદ ઊડાડી દીધો છે.

સ્ટેમ્પ વેન્ડર્સનું કહેવું છે કે અત્યારે સ્ટેમ્પ લેવા માટે કોઈપણ આમ આદમી સેશન્સ કોર્ટ કે સિટીસિવિલ કોર્ટના દરવાજે પહોંચી જઈને મેળવી શકે છે. પરંતુ નવી આવી રહેલી વ્યવસ્થા હેઠળ સ્ટેમ્પ કયા નોટરી પાસે મળે છે તેની શોધમાં નાના માણસોએ રખડવું પડશે. સ્ટેમ્પ વેચનાર મળી ગયા પછી સ્ટેમ્પ કોને માટે અને શા માટે જોઈએ છે તેની વિગતો આપતું ફોર્મ ભરવું પડશે. આ પ્રક્રિયા પૂરી કરવી સામાન્ય માણસ કે અભણ વ્યક્તિ માટે કઠિન બની જશે. આ ફોર્મ ભર્યા પછી તેણે ખાતરી આપવાની રહેશે કે તેમાં કોઈ સ્પેલિંગની ભૂલ નથી. તેમ જ અન્ય કોઈ ભૂલ નથી. ત્યારબાદ તેમાં કોઈ ભૂલ નીકળે તો સ્ટેમ્પ પર જે દસ્તાવેજ કરવામાં આવ્યો હશે તેને સબરજિસ્ટ્રારની કચેરી માન્ય રાખશે નહિ. પરિણામે સ્ટેમ્પ લેનારે તેના રિફંડની પ્રક્રિયા કરવી પડશે અને નવેસરથી દસ્તાવેજ તૈયાર કરાવવો પડશે. તેમાં તેમના સમયનો બગાડ પણ થશે. સ્ટેમ્પ ઇશ્યૂ કરી આપનાર તો કહેશે કે મેં તો તેને વંચાવીને બધું બરાબર છે તેવી સહી લીધી છે. તેથી તેમાં મારો કોઈ જ વાંક નથી. આમ અભણ સ્ટેમ્પ ખરીદનાર ભેરવાઈ જશે. તેણે રિફંડની પ્રક્રિયા કરવી પડશે.

તદુપરાંત બેન્કોને રૂા.50 કે રૂા.500ના સ્ટેમ્પનું ફ્રેન્કિંગ કરવામાં બહુ રસ ન પડતો નથી. તેથી તેઓ નાના સ્ટેમ્પ લેવા આવનારાઓને ના પાડી દે છે અથવા તો પછી તેમને ચારથી છ કલાક રાહ જોવડાવે છે. તેથી પણ નાના સ્ટેમ્પ લેવા જનારાઓની હાલાકીમાં વધારો થઈ શકે છે.

કોર્ટના આદેશ પ્રમાણે સ્ટેમ્પ વેન્ડર તેમની પાસેના ફિઝિકલ સ્ટેમ્પનું વેચાણ આગામી 14મી નવેમ્બર સુધી કરી શકશે. ત્યારબાદ તેમની પાસે બચી જનારા સ્ટેમ્પનું તેમણે રિફંડ લેવુું પડશે. રિફંડ 15 દિવસમાં આપી દેવાનો દાવો સરકાર કરતી હોવા છતાંય એક મહિનાથી દોઢ મહિના પહેલા રિફંડ મળે તેવી કોઈ જ સંભાવના જણાતી નથી. સ્ટેમ્પ વેન્ડર્સની બીજી પણ એક દલીલ છે કે ગુજરાત સરકાર જ ફિઝિકલ સ્ટેમ્પ વેન્ડિંગ બંધ કરાવવા માટે શા માટે ઉતાવળ કરી રહી છે. અત્યારે દેશના 32 રાજ્યમાં સ્ટેમ્પનું વેચાણ ચાલુ છે. તેમની સાથે આ ભેદભાવ શા માટે કરવામાં આવી રહ્યો છે. દેશના દરેક વિસ્તારમાં એક સાથે જ ફિઝિકલ સ્ટેમ્પનું વેચાણ બંધ કરવામાં આવવું જોઈએ. સરકારે ટેક્સ પેયર્સના પૈસાથી છાપેલા, થ્રેડ માર્કિંગ કરેલા અબજો રૂપિયાના સ્ટેમ્પ આજે મોજૂદ છે. આ સ્ટેમ્પનો વપરાશ પૂરો થઈ જાય ત્યાં સુધી તેનું વેચાણ ચાલુ રાખવામાં આવે તો પ્રીન્ટ કરી દેવાયેલા સ્ટોકનો બગાડ થતો અટકી જશે.