ગુજરાત સરકાર અને ભારત સરકારે જાહેર કર્યું છે કે, મીઠાપુર એક હવાઈ પટ્ટી છે અને તેને વિમાની મથક તરીકે વિકસાવવામાં આવશે. પણ ખરેખર તો મીઠાપુરમાં હાલ ખાનગી એરપોર્ટ કામ કરી રહ્યું હોવાનું અને ત્યાં બિઝનેસ જેટ ઉતરતાં હોવાનું ગુજરાત સ્ટેટ એવિએશન કંપનીએ જાહેર કરેલું છે. તેમની યાદીમાં ગુજરાતમાં બે ખાનગી વિમાની મથકો છે તેમાં મુંદ્રામાં અદાણી અને મીઠા પુરનું છે.
ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પ્રાદેશિક હવાઈ જોડાણ રિજીયોનલ કનેક્ટીવીટી સ્કીમ (આર.સી.એસ.) અંતર્ગત ગુજરાતમાં ટાટા કેમિકલ્સ મીઠાપુરની હવાઈ પટ્ટીનો હવાઈ મથક તરીકે વિકાસ કરવામાં આવશે. અહીં ટાટાનું વિમાન ઉતરે છે. સરકાર આ હવાઈ પટ્ટી માટે રૂ.30 કરોડ આપશે. જો તે રકમ ગરીબોના મકાન બનાવવા માટે આપવામાં આવી હોત તો 1500 ઘર વગરના લોકોને ઘર આપી શકાય તેમ છે. ટાટા પોતે પોતાની હવાઈ પટ્ટી બનાવી શકે એવી ક્ષમતા ધરાવતી કંપની છે.
ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ગુજરાત સરકારે કરેલા એમ.ઓ.યુ. અન્વયે રાજ્યમાં કુલ 11 હવાઈ પટ્ટીઓને જોડવાની યોજના પ્રમાણે વિકસાવવા કેન્દ્ર સરકારે અગાઉ મંજૂરી આપી હતી. હવે મીઠાપુરની ટાટા કેમિકલ્સની હવાઈ પટ્ટીનો સમાવેસ કરાયો છે. આર.સી.એસ. અન્વયે વિકાસ કરવા ભારત સરકાર રૂ.29.97 કરોડ
ફાળવવાની છે.
પવિત્ર યાત્રાધામ દ્વારકા તેમજ સૌરાષ્ટ્રના અન્ય યાત્રા ધર્મોમાં આવનારા દેશ- વિદેશના પ્રવાસીઓને હવાઈ માર્ગે પહોંચવાની સુવિધા મળી રહે તેવા ધ્યેય સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને ટાટા કેમિકલ્સ મીઠાપુરની આ એર સ્ટ્રીપનો આર.સી.એસ. અન્વયે એરપોર્ટ તરીકે વિકાસ કરશે.
ગુજરાતમાં કુલ 17 એરપોર્ટો આવેલ છે જેમાંથી 9 એરપોર્ટો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એ.એ.આઈ) ના કાર્યાત્મક અધિકારક્ષેત્ર હેઠળ આવેલ છે, 3 ભારતીય વાયુ સેના (આઈ.એ.એફ) હેઠળ જેમાનાં 2 સિવિલ ટર્મિનલ ધરાવે છે, 2 ખાનગી એરપોર્ટો છે અને 2 દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલ છે જે ગુજરાતનો ભાગ નથી પરંતુ રાજ્યના લોકો દ્વારા વારંવાર તેનો ઉપયોગ કરવામાં આવે છે.
એ.એ.આઈ.ના હવાઈ મથક
અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, ડીસા, સુરત, કંડલા, પોરબંદર, કેશોદ, નલીયા, ભુજ, જામનગર
ખાનગી હવાઈ મથક
મીઠાપુર, મુંદ્રા બિઝનેસ જેટ ઓપરેશનલ એરપોર્ટ્સ છે.
રાજ્ય સરકારના તાબામાં
અમરેલી, માંડવી, મહેસાણા છે.
ગુજસેઇલ રાજ્યની અંદર ઉડ્ડયન સંબંધીત માળખાકીય સુવિધાઓના વિકાસ માટેની એક નોડલ એજન્સી છે. તે ગુજરાતમાં ઉડ્ડયન ક્ષેત્રે રોકાણ કરવા આવતા રોકાણકારોને ‘સિંગલ વિન્ડો ક્લિયરન્સ’ સુવિધા પૂરી પાડશે. અંકલેશ્વર, પાલિતાણા, દ્વારકા, મોરબી, રાજકોટ, ધોલાવીરા, દહેજ અને અંબાજી ખાતે નવી 8 હવાઈ પટ્ટીઓ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.