મીઠી બરફીનો ઝેરી વેપાર

અમદાવાદ,શુક્રવાર

ગુજરાતની અને દેશની જનતાના આરોગ્ય સાથે ચેડાં કરીને મીઠી બરફીનો ઝેરી વેપાર હજીય ચાલુ જ છે. પરિણામે આજે બજારમાં પ્લાસ્ટિકની બેગમાં કોઈપણ જાતની વિગતો છાપ્યા વિના મીઠી બરફીનો સપ્લાય ચાલુ જ છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કચેરીના અધિકારીઓની ખાનગી મંજૂરીથી આ વેપાર ચાલી રહ્યો છે. ઉત્પાદકોની અને અધિકારીઓની દિવાળી સચવાઈ જાય તે માટે આ વેપાર કરનારાઓ ખાનગીમાં ઉત્પાદન ચાલુ રાખીને સપ્લાય કરી રહ્યા છે. હવે તો પેકિંગ કરેલી બેગ પર તેની વિગતો પણ છાપવાનું અટકાવી દઈને વેપાર ચાલુ કરી દેવામાં આવ્યો છે.

મીઠાઈના વેપારીઓ દ્વારા દિવાળીમાં પેક કરીને બોક્સમાં અત્યંત ઊંચા ભાવે વેચવામાં આવતી મીઠાઈના બોક્સ પર તે બોક્સમાંની દરેક મીઠાઈમાં કયા કયા ઘટકોનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવામાં આવ્યો છે તેની વિગતો છાપવાની ફરજ પાડવી જોઈએ. કાયદાકીય જોગવાઈ મુજબ કોઈપણ ખાદ્ય સામગ્રી પેક કરીને વેચવામાં આવે તો તેમાં વપરાયેલા ઘટકોની વિગતો મૂકવી કાયદેસર ફરજિયાત છે. આ હકીકત સામે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી અને અમ્યુકોના આરોગ્ય વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. હજી દોઢ મહિના પૂર્વે જ ટેલકમ પાવડરનો ઉપયોગ કરીને માવા એટલે કે ખોયામાંથી સામાન્ય રીતે બનતી મીઠાઈને બદલે સામાન્ય નાગરિકોને કેન્સરની ગર્તામાં ધકેલી દેતી મીઠી બરફીનું ઉત્પાદકો પર દરોડા પાડવામાં આવ્યા પછી તેમની સામે હજી સુધી નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

રૂા.250થી રૂા.300ની પડતર કિંમતે એક કિલો માવો તૈયાર થઈ શકતો હોવા છતાંય આજે અમદાવાદ, ગાંધીનગરના મીઠી બરફીનું ઉત્પાદન કરનારાઓ કિલોદીઠ રૂા.120ના ભાવે મીઠી બરફીનો વેપાર બેરોકટોક કરી રહ્યા છે. તેમાં ટેલકમ પાવડર ભેળવીને તેનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનુ જગજાહેર થઈ ચૂક્યું છે. મીઠીબરફીના ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવતી મીઠી બરફીમાં ટેલકમ પાવડર ભેળવવામાં આવતો હોવાનું લેબોરેટરી ટેસ્ટમાં પકડાઈ ચૂક્યું છે. કિલોદીઠ રૂા.8થી 10ના ભાવે મળતો ટેલકમ પાવડર તેમાં ઉમેરવામાં આવી રહ્યો છે. તેથી આ મીઠી બરફી માનવના ખાવા માટે યોગ્ય ન હોવાનું એટલે કે અખાદ્ય હોવાનો રિપોર્ટ પણ ગુજરાત સરકારના જ ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીની લેબોરેટરીએ આપી દીધો છે. આ સ્થિતમાં તેનું ઉત્પાદન સદંતર અટકાવી દેવાને બદલે તેનું ઉત્પાદન આજેય ચાલુ જ છે.

વાસ્તવમાં તો હોટેલ, રેસ્ટોરાં અને ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા અન્ય એકમોને માટે પણ તેમના દ્વારા વેચવામાં આવતી ખાદ્ય સામગ્રીના ઘટકોની વિગતો તેમની રેસ્ટોરાં, હોટલે કે અન્ય એકમના બોર્ડ પર લખીને મૂકવી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં ફરજિયાત બનાવવામાં આઇવેલી છે. વાત અહીં પૂરી થતી નથી કઈ વસ્તુમાં ઘી નાખવામાં આવ્યું છે, કઈ વસ્તુ કયા તેલમાંથી બનાવવામાં આવી છે તેની વિગતો આપવી પણ તેમને માટે ફરજિયાત કરવામાં આવેલી છે. તેમાં કયા પ્રકારની ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની વિગતો આપવી ફરજિયાત કરવામાં આવી છે. આ વસ્તુઓ છૂટક વેચાતી હોય તો પણ તે વિગતો આપવી તેમને માટે ફરજિયાત છે.

પ્રોપરાઈટરી ફૂડ તરીકે તેને મંજૂરી આપવામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કલમ 63ની જોગવાઈનો ભંગ થતો હોવા છતાંય તેનું ઉત્પાદન કરવા દેવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું. આ કંપનીઓ સામે શાં પગલાં લેવામાં આવ્યા તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કઈ જોગવાઈ હેઠળ મીઠી બરફીના ઉત્પાદનને પ્રોપરાયટરી ફૂડ તરીકે મંજૂરી આપવામાં આવી તે પણ એક સવાલ જ છે. આ મંજૂરી આપનાર અધિકારીઓના ખુલાસા લેવા જરૂરી છે. એફએસએસઆઈની કલમ 63નો ભંગ થતો હોવાની હકીકત તેમના ધ્યાનમાં ન આવી કે તેમણે તેની સામે આંખ આડા કાન કરીને આ મંજૂરી આપી દીધી તે પણ તપાસ કરવા પાત્ર બાબત છે. આ અંગે બે વરસથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાંય ડેપ્યુટી કમિશનર દીપિકા ચૌહાણે આ હકીકત પર ઢાંકપીછોડો કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમ જ મીઠી બરફીના ઉત્પાદકોને છાવરવાનું પણ ચાલુ રાખ્યુ હતું.

પ્રજાના આરોગ્યનું ભલે જે થવું હોય તે થાય પણ મીઠી બરફી શબ્દને બદલીને તેને સ્થાની સ્વિટના નામે જ આ પદાર્થને વેચવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. માવામાંથી બનતી મીઠાઈ જ હોવી જોઈએ, પરંતુ મીઠી બરફીને નામે બે ત્રણ વર્ષથી રીતસર કૌભાંડ જ આચરવામાં આવી રહ્યું હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનરે પણ સ્વીકાર્યું છે. તેમાં ટેલકમ પાવડર પણ ભેળવવામાં આવતો હોવાનું તેમણે સ્વીકાર્યું છે.