મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્રપૂજન

વિજયાદશમી એ વિજયનો ઉત્સવ છે, અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ છે. તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ
રૂપાણીએ સહુને દશેરાની શુભકામના પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને દશેરાના પાવન પ્રસંગે સીએમ સિક્યુરિટી સ્ટાફ દ્વારા યોજાએલ શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં
માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને સલામતી રક્ષકોના
અત્યાધુનિક શસ્ત્રોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. આ અવસરે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શસ્ત્ર એ શક્તિનું પ્રતિક છે અને શાસ્ત્ર એ જ્ઞાનનું પ્રતિક છે.
શસ્ત્ર અને શાસ્ત્ર જ્યાં સલામત હશે, તેનો યોગ્ય રીતે ઉપયોગ થતો હશે, એ સમાજ ચોક્કસપણે સુખી અને સંપન્ન
હશે. શસ્ત્રનું પૂજન કરીને આપણે એને શાસ્ત્રો સાથે ઉચ્ચ સ્થાન આપ્યું છે. સુરક્ષાકર્મીઓની સજાગતાને કારણે આપણે સલામત
બન્યા છીએ. સુરક્ષા અને સલામતીના કારણે જ આપણું રાજ્ય વિકાસ કરી રહ્યું છે, તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ સહુ
સુરક્ષાકર્મીઓની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.